“વા વાયાને નળિયું ખસ્યું, નળિયું ખસ્યુંને કૂતરું ભંસ્યું”
ખગોળીય અફવાઓ સાથે વાતોનું વતેસર થયું છે ત્યારે આ ખગોળીય ઘટના સંદર્ભે ભાવનગર લોકવિજ્ઞાન કેન્દ્રના જીલ્લા કો-ઓર્ડીનેટર હર્ષદભાઈ જોશી સાથે વાત કરતા તેમણે ખોટી વાતોને નકારી વૈજ્ઞાનિક કારણો સાથે સમજ આપતા કહ્યું કે વડાપ્રધાનશ્રીનો 5 તારીખના રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી લાઈટ બંધ કરી દીવો કરવાની વાત એ સંદેશ એકતા સંદર્ભે છે અને સાથે બીજી ફેલાયેલી ખગોળીય ઘટનાની 3 વાતો એ તદ્દન ખોટી છે.
1) રોગની સાથે ખગોળીય ઘટનાની ફેલાતી અસમજ
4.6 અબજ વર્ષ પહેલાથી દરેક ગ્રહ અને લઘુગ્રહો પોતાની ધરી પર ફરી રહ્યા છે કારણ તેમની પાસે પોતાની ઘનતા પ્રમાણે પોતાનું ગુરુત્વાકર્ષણબળ છે. અને ક્યારેય તે પોતાની જગ્યા બદલતા નથી અને વાત કરીએ પૃથ્વીની તો એ શુક્ર અને મંગળની વચ્ચે ક્રમશ: છે તો વચ્ચે આવવાની વાતો અને ગુરુત્વાકર્ષણબળ બદલવાની જે કંઈ વાતો ફરી રહી છે તે તદ્દન ખોટી અને અવૈજ્ઞાનિક વાતો છે.
2) કોરોના અને રક્તના શોષવાથી ચંદ્ર લાલ થશે (બ્લડમુન)
કોરોના રોગથી મૃત્યુ પામેલા લોકોનું લોહી તે ચંદ્ર શોષણ કરી રહ્યો છે અને તેથી 8મી એપ્રિલના ચંદ્ર લાલ રંગનો જોવા મળશે જે વાત પણ બિલકુલ ખોટી છે. ચંદ્રનો પોતાનો પ્રકાશ નથી તે સૂર્યનો પ્રકાશ પરાવર્તન કરીને આપે છે. Perigee (લઘુત્તમ) Apogee (મહત્તમ) નામના શબ્દ છે
એટલે કે ચંદ્રની સમયાંતરે તે સ્થાન બનતું હોય છે. જેમાં પેરીજી પ્રમાણે તે સમયે ચંદ્ર ભ્રમણકક્ષામાં પૃથ્વીની નજીક હોય છે અને 3 લાખ 84 હજાર નો જે કુલ ગાળો છે તેના બદલે તે ગાળો ઘટીને લગભગ 3 લાખ 56 હજાર થાય છે
એટલે ચંદ્ર વધુ મોટો દેખાય છે અને તેને સુપરમુન કહેવાય છે. ચંદ્રભ્રમણ કક્ષા અને પૃથ્વીની ભ્રમણલક્ષા વચ્ચે 6 ડીગ્રીનો તફાવત રહે છે અને જ્યારે તે તફાવત ના હોય ત્યારે સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ બને જેના કારણે નોર્થ બાજુ ચંદ્ર થોડો ગુલાબી રંગથી (પિંકમુન) પ્રકાશિત થશે
અને આપણા બાજુ એ થોડો લાલ રંગનો દેખાશે અને આ 8 મી તારીખે સવારે 8 કલાકે અને 5 મિનિટે તે જોવા મળશે પરંતુ તે સમયે સવાર થઈ ગઈ હોવાના કારણે આ ખગોળી ઘટનાનો લાભ આ વર્ષે આપણને મળશે નહિ તો ચંદ્ર લાલ થવાની જે ઘટના છે તેને કોરોનાના રોગ અને રક્તના શોષણ સાથે કશા જ લેવા દેવા નથી તે માત્ર વૈજ્ઞાનિક ઘટના છે.
3) પૃથ્વી સાથે ઉલ્કા ટકરાવાની વાત.
29 એપ્રિલના રોજ એક ઉલ્કા પૃથ્વી સાથે ટકરાશે તે પણ ખોટી વાત છે. હા તે ખરી વાત કે તે આવશે ચોક્કસ પણ તે દૂર હશે. પૃથ્વીથી ચંદ્ર 3લાખ 84 હજાર કિલોમીટર જ દૂર છે જ્યારે તે ઉલ્કા પૃથ્વીથી લગભગ 65 લાખ કિલોમીટર દૂરથી પસાર થશે જેથી કોઈ અથડાવાની શક્યતાઓ નથી ને આ અંગે નાસા અને ઈસરો દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવેલ સંદેશ પાછળનું તથ્ય એ એકતા અને એક બીજાને હિંમત પૂરી પાડવા સાથે બધા જ લોકો સહયોગ આપી રહ્યા છે તે વાત સામે લાવવાનો આ પ્રયાસ છે પણ અમુક લોકોએ ખગોળીય ઘટના ખોટી ઊભી કરીને અવૈજ્ઞાનિક વાતો ફરતી કરીને લોકોને અસમજણ ઊભી કરી છે.
હમેશા જે તે સંદેશા આવે તો તેની પુષ્ટિ કરવી તેમાં આપણું અને બીજાનું પણ હિત રહેલું છે. કોઈ પણ સંદેશને બીજાને મોકલીને કપરી પરિસ્થિતિમાં મદદ કરવાને બદલે બાધા ના બનીએ અને નુકસાન ના કરીએ તે પણ એક સમજણ ભર્યું કામ અને સેવા જ છે. માહિતી આપવા બદલ હર્ષદભાઈ અને રિદ્ધિનો આભાર. 😊
સરકારના નિર્ણયો સાચા કે ખોટા, વહેલા કે મોડા એ બધું હવે આવનારા સમય પર છોડીએ અને સ્વચ્છતા સાથે સ્વાસ્થ્ય પર ધ્યાન આપીએ કેમ કે થવાનું હતું એ થઈ ગયું છે પણ ડરવાનું નથી ઘરે રહીને સાવચેતી રાખવાની અને ખોટી અફવાઓથી છેટા રહેવાનું છે.