સરકારી પ્રયાસો પછી પણ અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂર હજારો કિલોમીટરની સફર પગપાળા જ કાપી રહ્યા છે. મજૂરોની આપવીતી સાંભળીને રુંવાડા ઉભા થઈ જાય છે. એમપી-મહારાષ્ટ્રના બિજાસન બોર્ડર પર નવજાત બાળક સાથે પહોંચેલી મહિલા મજૂરની આપવીતી તો કમકમા ઉપજાવી દે તેવી છે.
બાળકના જન્મ પછીના 1 કલાક બાદ જ તેને ખોળામાં લઈને મહિલા 160 કિલોમીટર સુધી પગપાળા બિજાસન બોર્ડર પર પહોંચી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો..
5મેના રોજ બાળકને આપ્યો જન્મ..
હકીકતમાં, પાંચ દિવસના બાળકને ખોળામાં લઈને બેઠેલી મહિલાનું નામ શકુંતલા છે. તે પોતાના પતિ સાથે નાસિકમાં રહે છે. પ્રેગ્નન્સીના નવમા મહિનામાં તે પોતાના પતિ સાથે નાસિકથી સતના માટે પગપાળા જવા નીકળી હતી. નાસિકથી સતનાનું અંતર 1 હજાર કિલોમીટર છે. તે બિજાસન બોર્ડર પહેલા જ 160 કિલોમીટર ચાલી પાંચ મેના રોજ રસ્તાના કિનારે બાળકને જન્મ આપ્યો હતો.
બાળકને લઈ બિજાસન બોર્ડર પહોંચી મહિલા..
શનિવારે શકુંતલા બિજાસન બોર્ડર પર પહોંચી હતી. તેના ખોળામાં નવજાત બાળકને જોઈને ચેકપોસ્ટ ઈન્ચાર્જ કવિતા કનેશ તેની પાસે તપાસ માટે પહોંચી હતી. તેમને લાગ્યુ કે મહિલાને મદદની જરુર છે.
જે પછી તેની સાથે વાત કરતા જાણવા મળ્યું કે મહિલા 70 કિલોમીટર ચાલ્યા પછી રસ્તામાં મુંબઈ-આગ્રા હાઈવે પર બાળકને જન્મ આપ્યો હતો. જેમાં 4 સાથીઓએ મદદ કરી હતી.
પોલીસની ટીમ અવાક રહી ગઈ..
શકુંતલાની વાતો સાંભળીને પોલીસ ટીમ અવાક રહી ગઈ હતી. મહિલાએ જણાવ્યું કે તે બાળકને જન્મ આપ્યા પહેલા 70 કિલોમીટર ચાલી હતી. જન્મ આપ્યા પછી 1 કલાક રસ્તાના કિનારે રોકાઈ અને પછી પગપાળા ચાલવા લાગી હતી. બાળકના જન્મ પછી તે બિજાસન બોર્ડર સુધી પહોંચવા માટે 160 કિલોમીટર સુધી પગપાળા ચાલી હતી.
રસ્તામાં મળી મદદ..
શકુંતલાના પતિ રાકેશ કૌલે અમારા સહયોગી ન્યૂઝપેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે યાત્રા ખૂબ જ મુશ્કેલ હતી. જોકે, રસ્તામાં અમને દયાળુ લોકોનો અનુભવ પણ થયો હતો.
એક શીખ પરિવારે ધુલેમાં નવજાત બાળક માટે કપડા અને આવશ્યક સામાન આપ્યો. રાકેશ કૌલે કહ્યું કે લોકડાઉનના કારણે નાસિકમાં ઉદ્યોગધંધા બંધ છે. જેના કારણે નોકરી ગુમાવવી પડી છે.
પગપાળા જવા સિવાય કોઈ વિકલ્પ નહીં..
રાકેશે જણાવ્યું કે સતના જિલ્લા સ્થિત ઉંચાહરા ગામ સુધી પહોંચવા માટે પગપાળા જવા સિવાય અમારી પાસે કોઈ જ વિકલ્પ નહોતો. અમારી પાસે ખાવા માટે પણ કશું જ નહોતું. અમારે બસ ઘરે જવું હતું,
કારણકે ત્યાં આપણા લોકો છે. તેઓ અમારી મદદ કરશે. રાકેશે જણાવ્યું કે અમે જેવા પિપલગામમાં પહોંચ્યા કે ત્યાં પત્નીને પ્રસવ પીડા શરુ થઈ ગઈ હતી.
તો, બિજાસન બોર્ડર પર તૈનાત પોલીસ અધિકારી કવિતા કનેશે કહ્યું કે સમૂહમાં આવેલા મજૂરોને પોલીસે ભોજન આપ્યું હતું.
આ સાથે જ બાળકોને જૂતા પણ આપ્યા હતાં. જે પછી વહીવટી તંત્રએ તેને ઘરે મોકલવાની પણ વ્યવસ્થા કરી આપી હતી.