ગુજરાતમાં એક ગામ એવું છે જ્યાં અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી
ગુજરાતમાં એક ગામ એવું છે જ્યાં અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાની બે બે લહેર આવી ગઈ હોવા છતાં પણ આ ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી.
જો કે તેમની આડે ગ્રામજનો અડગ બનીને ઉભા રહી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને 3 હજારથી વધુ કેસો સામે આવી ગયા છે અને 220 લોકોના મોત થઈ ગયા છે.
રાજ્યમાં મહામારીની એન્ટ્રીને 260 કરતા વધુ દિવસ થઈ ગયા હોવાછતાં વઢવાણ તાલુકાના કારિયાણી ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી. જેને પાછળ ગામમાં એન્ટ્રી સમયે કોરોના ટેસ્ટ અને ફરજીયાત હોમ ક્વોરન્ટીનની સ્ટ્રેટેજી કામ કરી ગઈ છે. તેમજ ગામના એન્ટ્રી પોઈન્ટ પર 14 સભ્યોની ટીમ ખડેપગે રહે છે.
કોરોના મામલે સમગ્ર રાજ્ય માટે આદર્શરૂપ ગણી શકાય એવા કારયાણી ગામમાં સરપંચ ભોપાભાઇ મેમખીયા દ્વારા કડક લોકડાઉનનો અમલ કરાવવામાં આવે છે.
જેના માટે ગામના પ્રવેશદ્વાર પર ફાટક મુકી ગામમાં આવતા કે જતા લોકોની રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે છે. માત્ર એટલું જ નહીં ગામમાં પ્રવેશતા તમામ લોકોના હાથ સેનેટાઇઝરથી સાફ કરી ફરજીયાત માસ્ક પહેરીને જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે.
તેની સાથે સાથે પ્રવેશનારા તમામ લોકોના ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવી ફરજીયાત ક્વોરન્ટીન કરવામાં આવે છે. જ્યારે ગામલોકો ગામની સીમમાં ઉગાડેલા શાકભાજીનો જ વપરાશ કરવામાં આવે છે.
અંદાજે 1100 જેટલી વસ્તી ધરાવતા આ ગામને પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ એક ‘આદર્શ ગામ’ તરીકે વિકસાવવા દત્તક લીધું હતું. તેમજ જ્યારથી લોકડાઉન અને કોરોના વાઈરસની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારથી ગામમાં નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે છે.
કોરોનાકાળ દરમિયાન ગામના સરપંચ ભોપાભાઇ મેમખીયા દ્વારા જાતે જ ગામને 3 વાર સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. તેમજ બહારગામથી હજુ પણ લોકો આવે તો તેની દેખરેખ રાખવામાં આવે છે. ગામમાં કોરોનાનો એક પણ કેસ ન આવે તે માટે સમગ્ર ગામ એક થઈને લડે છે. તેમજ પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી અને સરપંચે લોકોને જણાવ્યું છે કે,
કારીયાણી ગામની જેમ જ બીજા ગામ પણ પોતાની જવાબદારી સમજી સાવચેતીના ભાગ રૂપે નિયમોનું પાલન કરે. તેમજ બધા ગામમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થશે તો કોરોના સામેનો જંગ ચોક્કસ જીતી શકાશે.