ભાવનગર શહેરની વચ્ચે આવેલ સુંદર ગાર્ડન પીલ ગાર્ડન વિશે જાણો !
કાઠિયાવાડના અનેક રજવાડાઓમાં ભાવનગરની એક પ્રગતિશીલ રાજ્ય તરીકે ગણના થતી. પ્રજા વત્સલ રાજવીઓ પોતાની આવકમાંથી નોંધપાત્ર હિસ્સો લોક કલ્યાણ અને સુખાકારી માટે ખર્ચતા હતા.
બ્રિટીશ-ભારતિય પ્રશાસન સેવાના એક અધિકારી સર જેમ્સ પીલ ૧૮૫૫ માં આ સેવામાં જોડાયેલા અને ૧૮૫૬ માં ભારતમાં તેમની નિમણૂક થયેલી. લગભગ ૧૭ વર્ષ સુધી દેશના જુદાજુદા ભાગોમાં વિવિધ પ્રકારની વહીવટી કામગીરી સંભાળ્યા બાદ ૧૮૭૪ માં જેમ્સ પીલની નિમણૂક ભાવનગરમા રાજ્ય વહીવટના સલાહકાર તરીકે થયેલી.
ભાવનગર આવતા પહેલા જેમ્સ પીલ રાજકોટ, ગોંડલ, મોરબી અને જામનગર જેવા અનેક રજવાડાઓમાં કામગીરી બજાવી ચૂક્યા હતા. જેમ્સ પીલ અભ્યાસમાં તેજસ્વી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા હતા. તેમના શરૂઆતના ઘણાં વર્ષો ગુજરાતમાં જ ગયેલા તેથી તેણે ગુજરાતી ભાષા શીખી લીધેલી અને બહુ સ્પષ્ટ અને મધુર અવાજ સાથે ગુજરાતી બોલતા.
કાઠિયાવાડના અનેક રજવાડાઓમાં કામ કરી ચૂક્યા હોવાથી રાજાઓની સાથે કેમ કામ પાર પાડવું તે સારી રીતે જાણી ચૂક્યા હતા. તેમણે જોયેલું કે આ રાજવીઓ તેમની પ્રજાના કલ્યાણ માટે સતત ચિંતિત હોય છે તેથી જેમ્સ પીલ મુશ્કેલીના સમયમાં આ રાજવીઓને સાચી સલાહ આપતા. રાજ્યની આવકના સ્ત્રોતોમાંથી કેવી રીતે મહત્તમ આવક લોકોના કલ્યાણ માટે ઉપયોગ કરી શકાય તેના વ્યવહારું સુચન કરતા.
જેમ્સ પીલના કાર્યકાળ દરમિયાન કાઠિયાવાડના દરેક રજવાડાઓ સમૃધ્ધ બન્યા હતા કારણ કે જેમ્સ પીલે બિનજરૂરી ખર્ચ પર કઈ રીતે અંકુશ રાખી શકાય તેના પાઠ આ રાજવીઓ અને દરબારીઓને કંઠસ્થ કરાવેલા.
કાઠિયાવાડમાં ૧૮૭૭ માં ભીષણ દુકાળ પડેલો ત્યારે દુકાળપિડીત લોકો માટે ઠેકઠેકાણે રાહત કાર્યો શરૂ કરેલા અને દુષ્કાળની અસર માનવજીવન પર ઓછી થાય તેવા જેમ્સ પીલે કાર્યો કર્યા.
ભાવનગર પ્રત્યે તેમને એક લગાવ થઈ ગયેલો. શહેરમાં બોલાતી શુધ્ધ ગુજરાતી ભાષા, લોકોની રહેણીકરણી, શિક્ષણ, સભ્યતા અને સંસ્કારી રાજ્ય તરીકે તેમણે ભાવનગરનું વર્ણન કરેલું.
ભાવનગર રાજ્યની નાણાકિય સ્થિતિ ખુબ જ સારી અને રાજ્ય ખજાનો ભરપૂર હતો તેથી જેમ્સ પીલે ભાવનગરમાંથી વિદાય લીધી ત્યારે ભાવનગરના રાજવીને જણાવ્યું હતું કે, “તમારા રાજ્યની આવકના સ્ત્રોતો ખુબજ મજબૂત છે તેને કારણે રાજ્યનો સતત વિકાસ થઈ રહ્યો છે. રાજ્યના માથે કોઈ દેવું નથી અને રાજ્યની તિજોરીમાં પૈસો આવી રહ્યો છે તેના લીધે આ તિજોરી ક્યારેય ખાલી નહી થાય”.
૧૮૮૭ માં જેમ્સ પીલ સરકારી સેવામાંથી નિવૃત થયા અને બ્રિટન પરત ગયા પણ ભાવનગર રાજ્ય પર એક ઉમદા છાપ છોડતા ગયા અને તેથી ભાવનગર રાજ્યે તેમની સ્મૃતિમાં વડવા પાસે ઉભો કરવામાં આવેલ બગીચાને પીલ ગાર્ડન નામ આપ્યું હતું.
જેમ્સ પીલને જેટલો ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ હતો તેટલો જ પ્રેમ ભાવનગર શહેરની આસપાસ છવાયેલા વૃક્ષો પર હતો. ૧૮૮0 પછીના ભાવનગરમાં તો ઠેક ઠેકાણે વૃક્ષોના ટોળાં જોવા મળતા. આખું શહેર હરીયાળા પાનથી ઘેરાયેલું રહેતું. શહેરના માર્ગો પર જેમ્સ પીલ ચાલવા નીકળતા ત્યારે વૃક્ષોના સાન્નિધ્યમાં ઝાડ નીચે ચાલવાનું પસંદ કરતા.
તેમના વૃક્ષ પ્રેમને સમજી ભાવનગર રાજ્યે પીલ ગાર્ડન ની રચના કરી ત્યારે તેમાં લીમડો, વડ, પીપળો, બાવળ, વાંસ, નેતર, દેવદાર,શંકુ, સાયપ્રેસ, અબનુસ, અશોક, ચંદન, સીસમ, સાગ, આસોપાલવ જેવા અનેક વૃક્ષોનો ઉછેર કર્યો હતો. પીલ ગાર્ડન ત્યાર પછી તો શહેરીજ્નો માટે એક પ્રચલિત સ્થળ બની ગયું હતું. સાંજ પડેને બાળકો અને વયસ્કો આ બાગમાં આવી જતા.
વિવિધ વૃક્ષો ઉપરાંત કરેણ, ગુલાબ, કમળ, પીળા રંગના ડેફોડિલ, ડહેલિયા, ડેઈઝી, ચમેલી, વોટરલીલી, પેંસી, ટુલિપ, સૂર્યમૂખી, રાતરાણી, ચંપો એવા અનેક દેશી અને વિદેશી ફૂલાના ક્યારા કરી પીલ ગાર્ડન બનાવેલો. ભાવનગર રાજ્યનું બગીચા ખાતું પીલ ગાર્ડન માટે ખુબ સંભાળ લેતું. સમય જતા આ વૃક્ષો અને ફૂલોના છોડ નામશેષ થવા લાગ્યા અને વડ, લીમડો, પીપળો, આસોપાલવ જેવા દેશી વૃક્ષો રહી ગયા.