અમદાવાદ: સમાજમાં હજી પણ એવી માન્યતા છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય એટલે દીકરો જ ઘડપણમાં સહારો બને પણ અમદાવાદનો આ કિસ્સો તમને વિચારતો કરી મૂકશે.
સમાજમાં જ્યારે કરોડપતિઓ પણ પોતાના મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા નથી અચકાતા ત્યારે અમદાવામાં એક દિવ્યાંગ દીકરીએ મા-બાપ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે.
મૂળ પાલિતાણાની અને હાલ અમદાવાદના સારબમતી વિસ્તારમાં રહેતી અંકિતા શાહ કેન્સરગ્રસ્ત પિતાની સારવાર માટે રીક્ષા ચલાવે છે. અંકિતાને એક પગ નથી છતાં હિંમત હાર્યા વગર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અંકિતા રાત-દિવસ જોયા વગર રીક્ષા ચલાવી રહી છે.
અંકિતા શાહ ના પિતા અશોકભાઈ હાલ ચોથા સ્ટેજના કેન્સરથી પીડાઈ રહ્યા છે. તેમની સુરતમાં કિમોથેરાપી ચાલી રહી છે. તે અમદાવાદમાં રીક્ષા ચલાવી પૈસા ભેગા કરી પિતાને સારવાર માટે મોકલે છે. એટલું જ નહીં અંકિતા મોડે રાત સુધી રીક્ષા ચલાવી સ્થિતિને પડકારી રહી છે.
જન્મથી જ વિકલાંગ અંકિતા ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ છે. તે જ્યારે નોકરી કરતી ત્યારે તેની સાથે ભેદભાવ રાખવામાં આવતો હતો. નોકરીમાં સામાન્ય વ્યક્તિને 8 હજાર રૂપિયા પગાર આપવામાં આવતો, જ્યારે અંકિતાને ફક્ત 5 હજાર રૂપિયા જ પગાર મળતો હતો. તેથી તેને આર્થિક જરૂરિયાત પૂરી કરવા બીજા કામો કરવાની ફરજ પડતી હતી.
હવે નોકરી પણ છૂટી થતાં છેલ્લાં છ મહિનાથી રીક્ષા ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અંકિતાએ જણાવ્યું હતું કે તે પગથી લાચાર છે પણ તેના ઈરાદા ખૂબ ઊંચા છે. દિવ્યાંગ હોવા છતાં મેં હાર નથી માની. મારી જેમ અન્ય દિવ્યાંગોને પણ નબળા વિચારોમાંથી બહાર આવવું પડશે.