દેશમાં ATM ક્લોનિંગના કેસ વધતા જઈ રહ્યા છે. બેંક પણ સમયાંતરે લોકોને આ અંગે સાવચેત કરતી રહી છે. જો તમને ATM ક્લોનિંગ વિશે જાણ ન હોય તો કોઈ તમારી સાથે છેતરપિંડી કરીને તમારી મહેનતથી કમાયેલા પૈસા ચોરી કરી શકે છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેને ફોલો કરી તમે ATM ક્લોનિંગથી બચી શકો છો.
ATM કાર્ડનું ક્લોનિંગ કેવી રીતે થાય છે?
સાઇબર ઠગ ATM, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ્સની ક્લોનિંગ માટે મશીનમાં સ્કીમર લગાવી દે છે. સ્કીમર મશીનમાં અગાઉથી સ્વાઇપ મશીન અથવા ATM મશીનમાં ફીટ કરી દેવામાં આવ્યું હોય છે. પછી જેવું તમે કાર્ડ સ્વાઇપ કરવા ATM મશીનમાં કાર્ડ નાખો તો તમારા કાર્ડની તમામ ડિટેલ્સ આ મશીનમાં કોપી થઈ જાય છે.
ત્યારબાદ ફ્રોડ તમારા કાર્ડ તમામ વિગતો કમ્પ્યુટર અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા એક ખાલી કાર્ડમાં નાખીને કાર્ડ ક્લોન તૈયાર કરી દે છs. તેનો ઉપયોગ કરીને ઠગ બીજી જગ્યાએથી પૈસા ઉપાડી લે છે. આ રીતે, ATM ક્લોનિંગ મશીનથી લાખો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે.
ATM ક્લોનિંગથી બચવાના ઉપાય
જો તમે ATMમાંથી પૈસા કાઢવા જઈ રહ્યા હો તો સૌપ્રથમ મશીનનું કાર્ડ નાખવાના સ્લોટને જુઓ. જો તમને આ સ્લોટ થોડો ઢીલો લાગે તો તેમાં તમારું કાર્ડ ક્યારેય ન નાખો. આ સ્લોટ પાસે એક લાઇટ પણ લાગેલી હોય છે. જો આ લાઇટ ન લાગી હોય કે તે લાઇટ ચાલુ ન હોય તો પણ ક્યારેય તમારું કાર્ડ મશીનમાં ન નાખો.
એ જ રીતે, તમે જ્યારે પણ પાસવર્ડ નાખો તો તમારા હાથથી કી-પેડ ઢાંકી દો. જેથી, કોઇ પ્રકારનો હિડન કેમેરો લાગેલો હોય તો તે તમારો પાસવર્ડ ન જોઈ શકે. જો તમને ATMનું કી-પેડ થોડું પણ ઢીલું લાગે તો એ ATM મશીનનો ઉપયોગ ન કરો.