Friday, June 2, 2023
Home Health બાળકોમાં કબજિયાત લક્ષણો અને નિવારણ

બાળકોમાં કબજિયાત લક્ષણો અને નિવારણ

બાળકને એવો ખોરાક આપવો જેથી તે સહેલાઇથી પચાવી શકે અને નિયમિત ટોઇલેટ જવાની આદત પાડવાથી પણ ફરક પડશે.

બાળકોમાં કબજિયાત લક્ષણો અને નિવારણ જ્યારે પણ બાળકને ઝાડો કડક હોય, ઝાડો કરતાં દુખાવો થાય. ઝાડો કરવા ખૂબ પ્રયત્નો કરવા માંડે.

જમીને પેટ ભારે લાગે અને ક્યારેક ઝાડા સાથે કે એકલું લોહી પડે. ઉપરોકત લક્ષણો ધરાવતાં બાળકને કબજિયાત છે તેમ કહેવાય. બાળક ક્યારેક કૂદકા મારશે, તો ક્યારેક કમરના સ્નાયુ કડક કરશે.

તે થોડું આળસુ થઇ જશે. ઊઠીને પણ સૂઇ જવાની ઇચ્છા ધરાવે. તેને ઝાડો કરવા વિશે કહેતાં જ નથી લાગી તેમ કહી દેશે. ઘણી વાર તેની ચડ્ડીમાં પણ ઝાડો થયેલો જોવા મળે.

કબજિયાત સાથે તાવ, ઊલટી, ઝાડામાં લોહી પડે, વજન ઘટતું લાગે, પેટ વધુ મોટું લાગે, ગુદા દ્વારે ચીરા પડ્યા હોય અથવા ત્યાંથી આંતરડાનો ભાગ બહાર આવતો હોય તો તરત સારવાર લેવી.

કબજિયાતન કારણે પેશાબ ક્યારેક અટકીને આવે, રાત્રે પથારીમાં પેશાબ થવા લાગે. પેશાબમાં રસીનો રોગ ઉથલો મારે જેવા લક્ષણો પણ ક્યારેક જોવા મળે છે.

કબજિયાતની સારવાર
પુષ્કળ પ્રવાહી બાળકને આપવું. છાશ, લીંબુપાણી, સંતરા-મોસંબીનો રસ, ટામેટાનો સૂપ બાળકને આપતાં રહેવું.

સવારે ઊઠતાં જ એક કપ હુંફાળું પાણી પીવડાવવું. સાથે એક ચમચી મધ પણ આપી શકાય. ઝાડો કરાવવા દીવેલ પીવડાવવાનું ટાળવું. દેશી ઘીનો ખોરાકમાં છુટથી ઉપયોગ કરવો.

ખોરાકમા દૂધ ઘટાડવું. ફળ, સૂપ, સલાડ વધુ આપવાં. પપૈયું, ભાજીનો સૂપ, વટાણા, ગાજર, કાકડી, કોબી, અંજીરનો વધુ ઉપયોગ કરવો. કાકડીનું છીણ તથા ભાજીના થેપલાં આપવાં.

સો ગ્રામ ભાજીમાં ૮૦-૯૦ ટકા પાણી અને ૪ ગ્રામ રેસા હોય છે. સફરજન કે દાડમ કબજિયાત ધરાવતાં બાળકને ન આપવાં. બાળકને રેસાની દૈનિક જરૂરિયાત ૮-૧૦ ગ્રામની હોય છે.

આખા ઘઉંની વાનગી જેમ કે ઘી સાથેની ફાડા-લાપસી કબજિયાતમાં ફાયદો કરે.

જરૂર પડે ત્યારે ઝાડો ઢીલો કરવા ઉપરથી પીવડાવાતી દવા (Laxatives), નીચેથી અપાતી દવા (enema), ચીરા મટાડવા ટ્યૂબ, ઇસબગુલનો પાઉડર વગેરેનો ડોક્ટરની સલાહ મુજબ ઉપયોગ કરી શકાય.

બાળકોને ટોઇલેટ ટ્રેઇનિંગ આપવી. ઝાડો થાય કે ન થાય સવારે ચોક્કસ સમયે ૧૫-૨૦ મિનિટ સંડાસમાં બેસવાની આદત પાડવી.

જ્યારે ઝાડો લાગે તે જ સમયે કરવાના ફાયદા સમજાવવા. રમતી વખતે, સ્કૂલમાં કે હોટલમાં ઝાડો લાગે તો પણ મમ્મી-પપ્પા કે શિક્ષકની મદદ લઇ ઝાડો કરી લેવો.

માનસિક રોગ ધરાવતા બાળકોને રોજ રાત્રે ઝાડો ઢીલો કરવાની દવા આપી શકાય. વધુ પડતા લોહતત્વવાળી દવાથી થતાં કબજિયાતમાં ડોક્ટરને કહી ઓછા લોહતત્વવાળી દવા લેવાતાં કબજિયાત નિવારી શકાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments