ભાવનગરના નવા બંદર ખાતે બનશે વાહનોની નિકાસ માટે રો-રો જેટી, લિકવિડ-કન્ટેનર ટર્મિનલ બનશે,
પ્રથમ ચરણમાં રૂપિયા 1300 કરોડ અને દ્વિતિય ચરણમાં 600 કરોડનો ખર્ચ કરવામાં આવશે, ભાવનગર માટે સતત નકારાત્મક અહેવાલો વચ્ચે એક આશાનું કિરણ જન્મ્યું છે. સમગ્ર વિશ્વનું સૌપ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂપિયા 1900 કરોડના ખર્ચે યુનાઇટેડ કિંગડમ (યુ.કે.)ની એક કંપની દ્વારા બનાવવાની યોજનાને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ બોર્ડ (જીઆઇડીબી) દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. આ અંગે લંડનની કંપનીએ મંજૂરી પણ આપી દીધી છે.
વાર્ષિક 60 લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરવામાં આવશે, યુ.કે.માં હેડક્વાર્ટર ધરાવતી કંપની ફોરસાઇટ ગ્રુપ સર્વિસીઝ લિમિટેડ અને અમદાવાદની પદમનાભ મફતલાલ ગ્રુપ દ્વારા ભાવનગર પોર્ટ નજીક નવું પોર્ટ ટર્મિનલ બનાવવામાં આવશે. લંડન સ્થિત કંપનીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) સાથે વાયબ્રન્ટ ગુજરાતની 2019ની આવૃત્તિ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે સીએનજી ટર્મિનલ બનાવવા માટેના કરાર કર્યા હતા. પ્રસ્તાવિત પોર્ટ ટર્મિનલથી વાર્ષિક 60 લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરવામાં આવશે. ભાવનગર પોર્ટ દ્વારા ગત વર્ષે 31 લાખ ટન કાર્ગોનું હેન્ડલિંગ કરવામાં આવ્યું હતું. જે ઇતિહાસમાં સૌથી વધુ હતું. નવું ટર્મિનલ બનવાથી ભાવનગર બંદરનો વિકાસ રોકેટ ગતિએ થશે.
નવા બંદરે નવા બે લોકગેટ બનાવવામાં આવશે,
ભાવનગર બંદરની નોર્થ ક્વે જેટી પર નવો પ્રોજેક્ટ આકાર લેશે, જ્યારે દક્ષિણ દિશામાં આવેલી કોંક્રિટ જેટી પર વર્તમાન વ્યવસ્થાથી કાર્ગો હેન્ડલિંગ ચાલુ રહેશે. નોર્થ ક્વેનું વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચરનું લંડનની કંપની દ્વારા નવિનીકરણ કરવામાં આવશે, બેસિનમાં 10 મીટરનો ડ્રાફ્ટ મળી રહે તેને ધ્યાનમાં રાખીને ડ્રેજીંગ કરવામાં આવશે, ભાવનગર બંદરથી એન્કરેજ પોઇન્ટ સુધીની ચેનલ વધુ પહોળી અને ઉંડી બનાવવામાં આવશે. ઉપરાંત ભાવનગર નવા બંદરે નવા બે લોકગેટ બનાવવામાં આવશે જેના વડે ભરતી-ઓટની અસર વિના બેસિનમાં કાર્ગો હેન્ડલિંગની પ્રક્રિયા ચાલુ રહેશે.
પ્રથમ ચરણમાં રૂપિયા 1300 કરોડ ખર્ચ કરાશે
જીએમબીના ગાંધીનગર સ્થિત સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુલ 1900 કરોડના પ્રોજેક્ટ પૈકી પ્રથમ ચરણમાં રૂપિયા 1300 કરોડ અને દ્વિતિય ચરણમાં 600 કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. કંપનીને પ્રારંભિક કામગીરી આરંભવા માટે જીઆઇડીબી સાથેનો વિસ્તૃત કરાર પર ટુંક સમયમાં સહી સીક્કા કરવામાં આવશે.
સીએનજી ટર્મિનલ ઉપરાંત લિક્વિડ કાર્ગો ટર્મિનલ, કન્ટેનર, વાહનોની નિકાસ માટે રો-રો ટર્મિનલ પણ બનાવવામાં આવશે.
ભાવનગર પોર્ટનો વિકાસ રોકેટ ગતિએ થશે,
જીએમબી માટે ભાવનગર બંદર મહત્વપૂર્ણ છે, ગત વર્ષે 33 લાખ ટન કાર્ગો હેન્ડલિંગ કર્યો હતો. વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ હવે ભાવનગર બંદર પર આકાર લેશે, સ્વીસ ચેલેન્જ પધ્ધતિથી તેને બનાવાશે. બે લોકગેટ બનાવાશે. આ પ્રોજેક્ટથી ધોલેરા સરને ખૂબજ ફાયદો થશે તેઓના તમામ પ્રોજેક્ટની આયાત-નિકાસ અહીંથી શક્ય બનશે. બ્રોડગેજ રેલવે, નેશનલ હાઇ-વેથી પોર્ટ કનેક્ટ છે જ, તેથી દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગો માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.- મુકેશકુમાર, સીઇઓ-વી.સી., ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગાંધીનગર
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Search :- apnubhavnagar
Instagram:-https://instagram.com/apnubhavnagar
Facebook:-https://fb.com/apnubhavnagar