ભાવનગરના શિક્ષિકાના આંગણે ઉજવાયો ગ્લોબલ ફેમિલી ડે.. આઠ માસથી ફરજીયાત નિર્જળા પાળતા કેન્સર પીડિત ગૃહિણીનું પરિચિતોને પ્રીતિ ભોજન માટે નોતરૂં..

ચલના હી ઝિંદગી હૈ, છેલ્લા આઠ માસથી અન્નનો દાણો પણ જમી નહીં શકતા હોવા છતાં ભાવનગરના નિવૃત્ત પ્રિન્સિપાલ રંજનબેન વોરા આ ટૂંકાક્ષરી ફિલોસોફીને બરાબર પચાવી ગયા છે.

કેન્સરના ભયમાત્રથી ફફડીને મૃતઃપાય થઇ જતા અનેક લોકોએ આ આજીવન શિક્ષિકા પાસેથી એ ખાસ શીખવા જેવું છે કે ‘આશાઓ સે નાતા જોડ લે, યે નિરાશાઓ કે બંધન તોડ દે’. હા, અન્નનળીના કેન્સર સામે ઝઝૂમતા- ઝઝૂમતા તમામ પ્રકારની સારવાર જાતે જ પડતી મૂકીને ક્ષણે- ક્ષણને ભરપૂર માણી રહેલા આ ગૃહિણી માટે ઝિંદગી ચલતી હી જા રહી હૈ…

ભાવનગરની ઘરશાળામાં સેંકડો વિદ્યાર્થીઓના લાડકા- પણ કડક ટીચર અને છેલ્લે પ્રિન્સિપાલ રહી ચૂકેલા રંજનબેન તેમજ પીજીવીસીએલમાં સેવા આપી ચૂકેલા કર્મચારી એવા પતિ કુમાર વોરાનું નિવૃત્ત દામ્પત્ય જીવન સરસ ચાલતું હતું એવામાં પતિનો સાથ કુદરતે અધવચ્ચે જ છીનવી લીધો.

પણ, શો મસ્ટ ગો ઓન! ત્રણ દીકરી દીર્ઘા પરાગ ત્રિવેદી, નિયતિ આશીષ પારેખ અને મસ્તી શક્તિસિંહ સિસોદિયાના હર્યા ભર્યા સંસારમાં વધુ હળીભળીને એમણે એક આંચકો પચાવ્યો ત્યાં જ ખબર પડી કે તેમને પોતાને અન્નનળીનું કેન્સર છે.

ગાંઠ એવી જગ્યાએ હતી કે ડોક્ટરોએ ઓપરેશન અશક્ય ગણાવ્યું. સાજા થવા માટે આઠ રેડિએશન અને છ વાર કિમોથેરાપી કરાવી, પણ એ દરમિયાન તો ક્યારેક તબિયત લથડતી જણાઈ. મે મહિનાથી ભોજન- પાણી પણ બંધ હતા અને ઓક્ટોબરથી એમણે તબીબોને કહી દીધું કે ‘કમ વ્હોટ મે, હવે કોઈ જ ટ્રીટમેન્ટ મારે નથી કરાવવી.’ તબીબોને પહેલાં તો લાગ્યું કે ૭૦ વર્ષના આ મહિલા હવે થાકી ગયા, પણ બિલકુલ નહીં!

રંજનબેન પોતાના સખીવૃંદને મળતા રહી મોજથી જૂની યાદો તાજા કરે છે, દોહિત્રો સાથે હલ્લાગુલ્લા અને તમામ પ્રસંગોની પરિવાર સાથે ઉમંગથી ઉજવણી કરે છે. એટલું જ નહીં, ભાવનગરના ટાઉનહોલમાં એ નાટકો માણતા પણ જોવા મળે અને ‘હેલ્લારો’ જેવી ફિલ્મના શોમાં પણ. ખુશીઓ વહેંચવાથી વધે છે એ સુપેરે જાણતા રંજનબેને ગ્લોબલ ફેમિલી ડે (૧ જાન્યુઆરી) એડવાન્સમા મનાવ્યો.

એમણે સગા- સંબંધીઓ- મિત્રોને ‘ થોડી સુખની ક્ષણો માણીએ, થોડી મિઠી યાદો વાગોળીએ’ એમ લખી મોકલીને પ્રીતિ ભોજન પર નોતર્યા છે. પ્રેમ અને શાંતિને ઉત્તેજન આપવા મનાવાતા ગ્લોબલ ફેમિલી ડે પર લોકો નવા વર્ષે શું કરીશું અને શું ત્યજીશું એના સંકલ્પ લેતા હોય છે ત્યારે, આ શિક્ષિકા એટલું જ કહે છે, ‘મેરે ઘર કા સીધા સા ઇતના પતા હૈ, મેરે ઘર કે આગે મહોબ્બત લિખા હૈ; ન દસ્તક જરૂરી, ન આવાઝ દેના..મેરે ઘર આના આના ઝિંદગી…’
Source-bhavnagar mahiti khatu