Thursday, September 28, 2023
Home Ajab Gajab પેટ્રોલ - ડીઝલના પ્રદુષણ પછી હવે ડિજિટલ મોબાઇલ અને ઇન્ટરનેટનું કાર્બન ઓકતું...

પેટ્રોલ – ડીઝલના પ્રદુષણ પછી હવે ડિજિટલ મોબાઇલ અને ઇન્ટરનેટનું કાર્બન ઓકતું પ્રદૂષણ !

જાણો ! આ ડિજિટલ દુનિયામાં મોબાઇલ અને ઇન્ટરનેટથી કાર્બન ડાયોક્સાઈડ ઓકી પ્રદૂષણ કેવી રીતે થાય છે.

કાર્બન ડાયોકસાઇડ કેવી રીતે પેદા થાય છે.

ડિજિટલ મોબાઇલ અને ઇન્ટરનેટ ચાર ટકા કાર્બન ઓકી પ્રદૂષણ વધારે છે. જયારે કાગળનો વપરાશ ઘટયો છે એ પણ સારું છે, પણ શું તમને ખ્યાલ છે કે એક વ્યક્તિ રોજ ૨૦ ઈ-મેઈલ કરતો હોય તો વર્ષે 1 હજાર કિલોમીટરના પ્રવાસ જેટલો કાર્બન પેદા થાય.

ઇલેક્ટ્રિક સાધનોમાં વધારે વપરાતા મોબાઈલ,  લેપટોપ, ડેસ્કટોપ, ટેબલેટ કે ઈન્ટરનેટ સાથે સંકળાયેલા અન્ય ઉપકરણો જેમ વધારે ચાલુ રહે એમ ઊર્જાનો વધુ વપરાશ થાય છે. શું તમને ખ્યાલ છે કે એ ઊર્જા ક્યાંથી આવે છે? મોટે ભાગે તો કોલસો કે પેટ્રોલિયમ બાળીને ઊર્જા પેદા કરવામાં આવે છે.

વિજ્ઞાનીઓએ કરેલા હિસાબ પ્રમાણે ૨૫ વૉટ વીજળીનો વપરાશ થાય તો તેનાથી છેવટે ૨૦ ગ્રામ કાર્બન હવામાં ભળે. હવે આત્યારે તો આખી દુનિયામાં ૨૪ કલાકમાં ૨૯૩ અબજ ઈ-મેઈલ થાય છે. એ મેઈલ કરવા માટે ઉપકરણો ચાલુ રાખવા પડે અને એ માટે વીજળી વાપરવી પડે.

દુનિયાભરની ડિજિટલ કંપનીઓ ડેટા (માહિતી-ફોટા-વિડીયો વગેરે..) સંગ્રહ કરવા માટે કદાવર સર્વરનો ઉપયોગ કરે છે. એ સર્વર ચોવીસેય કલાક ચાલુ રહેવા જોઈએ. એ માટે પુષ્કળ ઊર્જાની જરૂર પડે છે. કોઈ કંપનીને સર્વર પળવાર પણ બંધ થાય એ પોસાય નહીં. વળી સર્વર રૂમ એર કન્ડિશન્ડ હોવો જોઈએ.

ડિજિટલ યુગમાં પર્યાવરણ સંરક્ષણ સામે પણ ડિજિટલ સમસ્યા આવી છે. પહેલી નજરે ન દેખાય એવી મુશ્કેલી એ છે, કે ઈન્ટરનેટનો વધુ વપરાશ પણ પર્યાવરણનો ભોગ લઈ રહ્યો છે. ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશ ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપનીઓ દ્વારા ૨૦૧૩માં પેદા થતો કાર્બન ડાયોક્સાઈડ કુલ કાર્બનના ૨.૫ ટકા હતો.

એ વધીને ૪ ટકા સુધી પહોંચ્યો છે. કારણ કે જે ડિજિટલ યુગ આપણને ક્રાંતિકારી લાગે છે એ પાછલા બારણે તો પર્યાવરણને વત્તા-ઓછા અંશે નુકસાન કરે છે. માટે પર્યાવરણ સંશોધકો સામે આ નવો પડકાર ઉભો થયો છે.

મોબાઈલમાં સતત નવી નવી એપ્સ આવતી રહે છે. ડેટા પ્રોવાઈડર અને મોબાઈલ ઉત્પાદક કંપનીઓ એવુ ઈચ્છે છે કે વપરાશકારો વધુને વધુ સમય ઓનલાઈન રહે. તેનાથી એ કંપનીઓનો બિઝનેસ ધમધોકાર ચાલે. પરંતુ બીજી તરફ સતત અને ઘણી વખત તો જરૂર ન હોય તો પણ ઓનલાઈન રહેવાથી સરવાળે પર્યાવરણના ખાતે નુકસાન નોંધાય છે.

વૃક્ષ કપાય કે નદી સુકાય કે પછી તડકો લાગે એ આપણને નજર સમક્ષ દેખાય કે અનુભવી શકાય છે. પરંતુ ડિજિટલ રિવોલ્યુશનને કારણે પેદા થયેલા આ ડખ્ખા અંગે હજુ સુધી બધા લોકો વાકેફ નથી.

સૌથી વધુ ઊર્જાનો વપરાશ ઓનલાઈન મ્યુઝિક સ્ટ્રિમિંગ વખતે થાય છે. ૨૦૦૦ની સાલમાં એકલા અમેરિકાની ઓનલાઈન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીએ ૧૫.૭ કરોડ કિલોગ્રામ કાર્બન પેદા કર્યો હતો. મ્યુઝિક સીડીનું ઉત્પાદન, ઓનલાઈન મ્યુઝિક સ્ટોરેજ વગેરેના કારણે ૨૦૧૬માં અમેરિકાની હવામાં ૨૦ કરોડ કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઈડ ભળ્યો હતો…

ડિજિટલ યુગના લાભ પણ છે.

જોકે ડિજિટલ યુગથી નુકસાન જ થાય એવુ નથી. સામે પક્ષે કેટલાક પર્યાવરણને લાભ કરાવે એવા સંજોગો પણ સર્જાયા છે. જેમ કે ઓનલાઈન કામ વધારે થાય એટલે પ્રિન્ટ ઓછી નીકળે છે. વર્ષે લાખો કાગળ બચે છે. અને તેના માટે કપાતા વૃક્ષો પણ બચે છે. એ રીતે ઓનલાઈન કામ થતું હોવાથી આમથી તેમ જવા-આવવાનું ઘટી જાય છે. તેમાં વેડફાતા કલાકો અને બળતણ બન્નેનો બચાવ થાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments