દિવાળી પહેલા કેન્દ્ર સરકારની મોટી ભેટ
અર્થતંત્રમાં માંગ વધારવા માટે કેન્દ્ર સરકારે આજે અનેક મહત્વની ઘોષણાઓ કરી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં માંગ વધારવા માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. માંગને ઉત્તેજીત કરવા માટે ગ્રાહક ખર્ચ અને મૂડી ખર્ચ વધારવા માટે સરકાર આ પગલાં લઈ રહી છે. સરકાર એલટીસી કેશ વાઉચર્સ અને ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ લઈને આવી છે.
ચાર મુખ્ય નિર્ણય
અર્થતંત્રમાં માંગ વધારવા માટે સરકારે કુલ ચાર નિર્ણય લીધા છે. 1. સરકારી કર્મચારીઓ માટે એલટીસીના બદલામાં કેશ વાઉચર્સ, 2. કર્મચારીઓને એડવાન્સ આપવું, 3. રાજ્ય સરકારો 50 વર્ષ સુધી વ્યાજ વિના લોન 4. કેન્દ્ર સરકારે બજેટમાં નક્કી કરેલા મૂડી ખર્ચ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વગેરે પર વધારાના 25 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવા.
image source
એલટીસીના બદલામાં રોકડ રકમની ચુકવણી કરવામાં આવશે જો કે તે ડિજિટલ હશે. તે 2018-21 માટે હશે, તે ટ્રેન અથવા વિમાનનું ભાડુ ચુકવવામાં આવશે અને તે કરમુક્ત રહેશે. આ માટે કર્મચારીનું ભાડુ અને અન્ય ખર્ચ ત્રણ ગણા હોવા જોઈએ. તેવી જ રીતે સામાનની ખરીદી અથવા અન્ય સર્વિસ માટે જીએસટી રજીસ્ટર્ડ વેપારી પાસે જવું પડશે અને ચુકવણી ડિજિટલી કરવી જરૂરી હશે.
તેમણે આશા વ્યક્ત કરી કે આ તમામ પગલાથી 31 માર્ચ 2021 સુધીમાં અર્થવ્યવસ્થામાં આશરે 73 હજાર કરોડ રૂપિયાની માંગ ઊભી થશે. તેમણે કહ્યું કે, જો ખાનગી ક્ષેત્રે પણ કંપની તેના કર્મચારીઓને રાહત આપે તો અર્થવ્યવસ્થામાં કુલ માંગ રૂ .1 લાખ કરોડને પાર થઈ શકે છે.
એલટીસી યોજના શું છે ?
ટ્રાવેલ લીવ કન્સેશન જેને સામાન્ય ભાષામાં એલટીસી કહેવાય છે તેમાં કેશ વાઉચર્સ યોજના સરકાર દ્વારા લાવવામાં આવી છે. આ અંતર્ગત સરકારી કર્મચારીને એક રોકડ વાઉચર મળશે જેનો ઉપયોગ તે ખર્ચ માટે કરી શકશે અને તેનાથી અર્થવ્યવસ્થામાં પણ વધારો થશે. પીએસયુ અને જાહેર બેંકોના કર્મચારીઓને પણ તેનો લાભ મળશે.
નાણાં પ્રધાને જણાવ્યું હતું કે આનાથી કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના ખર્ચ દ્વારા અર્થતંત્રમાં લગભગ 28 હજાર કરોડ રૂપિયાની આવક થશે. નાણાં પ્રધાને માહિતી આપી હતી કે આ વર્ષે ફક્ત એકવાર ફરીથી ફેસ્ટિવલ એડવાન્સ યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત તમામ પ્રકારના કર્મચારીઓને 10 હજાર રૂપિયા એડવાન્સ આપવામાં આવશે, જે તેઓ 10 હપ્તામાં જમા કરાવી શકે છે. તે 31 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ રહેશે. તેને પ્રીપેડ કાર્ડ તરીકે આપવામાં આવશે.
નાણાં પ્રધાને કહ્યું કે અર્થતંત્રને બુસ્ટ કરવા માટે 12 હજાર કરોડના મૂડી ખર્ચ માટે રાજ્યોને 50 વર્ષની વ્યાજ મુક્ત લોન આપવામાં આવશે. આ સંપૂર્ણ લોન 31 માર્ચ 2021 પહેલાં આપવામાં આવશે. આ રાજ્યો માટે પહેલેથી ઉપલબ્ધ લોન ઉપરાંત હશે.
બજેટમાં મૂડી ખર્ચ વધ્યો
નાણામંત્રીએ કહ્યું કે આ વર્ષે બજેટમાં નિર્ધારિત કેન્દ્ર સરકારના મૂડી ખર્ચ ઉપરાંત સરકાર 25,000 કરોડ રૂપિયા વધારાના આપશે. આ ખાસ કરીને રસ્તા, સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠા, શહેરી વિકાસ, સંરક્ષણ દેશમાં બાંધવામાં આવતા મૂડી સાધનો માટે હશે.