ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર અમદાવાદમાં ચિકનગુનિયાના કેસમાં 113 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કોરોના વાઇરસનો કેર પણ છે અને એવામાં ચિકનગુનિયાએ ફરી માથું ઊંચક્યું છે. ચિકનગુનિયાનો રોગ જે પ્રકારે ફેલાઈ રહ્યો છે તે અંગે અમદાવાદના ડૉક્ટર પ્રવીણ ગર્ગ કહે છે, “છેલ્લા એક મહિનાથી મારા દવાખાને ચિકનગુનિયાના 10થી 20 દરદીઓ આવી રહ્યા છે. પાંચથી સાત ઘરમાંથી એક ઘરમાં હાલ ચિકનગુનિયાના કેસ છે.”
ચિકનગુનિયાનો રોગ મોટા પ્રમાણમાં ફેલાયો હોવાનું કારણ આપતાં તેઓ કહે છે કે આ વખતે ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ ઓછા છે, માટે જે મચ્છરોનું બ્રીડિંગ થયું છે, તેમાં મોટા ભાગના ચિકનગુનિયાના મચ્છરો હોવાથી કેસ વધી રહ્યા છે.
ચિકનગુનિયા શું છે?
અમેરિકાની આરોગ્ય સંસ્થા સેન્ટ્રલ ડિસીઝ કંટ્રોલ (સીડીસી)ના કહેવા પ્રમાણે ચિકનગુનિયા ચેપગ્રસ્ત મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર ચિકનગુનિયા સૌથી પહેલાં 1952માં આફ્રિકન દેશ તાન્ઝાનિયામાં જોવા મળ્યો હતો.
ચિકનગુનિયા શબ્દ કિમાકોંડે ભાષામાંથી આવ્યો હતો, જેનો અર્થ ‘મરડાઈને બેવડું થવું’ એવો થાય છે. ચિકનગુનિયા શરૂઆતમાં એશિયા અને આફ્રિકાના છુટાછવાયા વિસ્તારોમાં જ જોવા મળ્યો હતો, પરંતુ 2004 પછી તે અમેરિકા, એશિયા, આફ્રિકા અને યુરોપના 60 જેટલા દેશમાં ફેલાયો હતો.
ચિકનગુનિયાનાં લક્ષણો શું છે?
એમ. ડી. ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગ કહે છે, “મચ્છર કરડે તેના ત્રણ-ચાર દિવસમાં હાઇબ્રિડ તાવ આવવાનો શરૂ થાય છે. તાવ આવે એના 12થી 24 કલાક પછી દરદીને સાંધામાં દુખાવો થવાનો શરૂ થતો હોય છે.” તેઓ કહે છે, “દરદીને ચોથા અને પાંચમા દિવસ સુધી સાંધામાં દુખાવો થતો રહે છે.” ડૉ. ગર્ગ ચિકનગુનિયામાં આ વખતે બદલાયેલા લક્ષણની વાત કરતાં કહે છે કે ચિકનગુનિયાના આઠમા દિવસે દરદીના મોઢામાં ચાંદા પડેલા મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ અગાઉ આ પ્રકારે બહુ ઓછું જોવા મળતું હતું.
એક તરફ ચિકનગુનિયા વકરી રહ્યો છે તો બીજી તરફ કોરોના વાઇરસ સામેની લડાઈ ચાલુ છે, ત્યારે કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે કે ચિકનગુનિયાનો તેની પણ મૂંઝવણ થઈ રહી છે. ચિકનગુનિયા છે કે કોરોના કેવી રીતે ખબર પડે? ચિકનગુનિયામાં પણ તાવ આવે છે અને કોરોના વાઇરસમાં પણ તાવ આવતો હોય છે. આવી સ્થિતિમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે કે ચિકનગુનિયાનો આ અંગે ડૉ. પ્રવીણ ગર્ગ કહે છે, “સામાન્ય રીતે આવી સ્થિતિમાં દરદીએ ડૉક્ટરની જ સલાહ લેવી યોગ્ય છે.”
તેઓ આગળ કહે છે, “ચિકનગુનિયામાં બે-ત્રણ દિવસ પછી તરત જ સાંધાનો દુખાવો શરૂ થતો હોય છે. કોરોના વાઇરસમાં સાંધાનો દુખાવો ઘણા ઓછા કેસમાં જોવા મળતો હોય છે.” “કોરોના વાઇરસમાં મોટા પ્રમાણમાં શરૂઆતમાં કફ, શરદી અને ખાંસી જેવું વધારે જોવા મળે છે.”
તેઓ વધુમાં કહે છે, “આપણા દેશમાં લોકો સામાન્યપણે તાવ આવે તો સીધા મેડિકલ શૉપ પર જઈ દવા લેતા હોય છે, પરંતુ ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે. જો ડૉક્ટરને લાગશે તો તમને એન્ટિજન ટેસ્ટ કરાવવાનું કહેશે તો ખ્યાલ આવશે અને ખબર પડી જશે કે તમને કોરોના છે કે નહીં.”
ચિકનગુનિયાની સારવાર કેવી રીતે થાય છે? ચિકનગુનિયાની સારવાર માટે ડૉ. પ્રવીણ ગર્ગ કહે છે કે ચિકનગુનિયા માટે હાલ સુધી કોઈ ઍન્ટિબાયોટિક અથવા દવા શોધાઈ નથી માટે રોગના નિદાન માટે દરદીઓ આરામ કરવો જરૂરી છે.
તેઓ વધુમાં કહે છે, “સામાન્ય રીતે દસ દિવસ આરામ કરો, પેરાસિટામલ દવા આપવામાં આવતી હોય છે. કેટલાક દરદીઓને દુખાવો થતો હોય છે તો તે પેનકીલર્સની માગ કરતા હોય છે.” “પરંતુ પેનકીલર્સ અથવા સ્ટીરોઇડ ન લેવી જોઈએ, કારણ કે તેના કારણે ભવિષ્યમાં ખરાબ અસર થતી હોય છે. અમુક વખતે આવી ભારે દવા લેવાથી પેટમાં દુખાવો થાય છે.”
જુવાન વ્યક્તિને ચિકનગુનિયા થાય તો તેને સાજા થવામાં દસેક દિવસનો સમય લાગે છે. જ્યારે ઘરડી વ્યક્તિને સાજા થવામાં એકથી દોઢ મહિના જેટલો સમય લાગતો હોય છે.
ચિકનગુનિયાથી બચવા માટે શું કરવું?
સ્વાસ્થ્ય અધિકારીઓ સલાહ આપે છે કે લોકોએ લાંબી બાયનાં કપડાં અથવા પૅન્ટ પહેરવાં જોઈએ. જેથી જેટલી વધારે ચામડી ઢાંકી શકાય તેટલી વધારે ઢાંકવી જોઈએ. આ ઉપરાંત તમારે તમારાં ઘર અને કામકાજની જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય તો તેવી જગ્યાએ તપાસ કરવી જોઈએ, કારણ કે ત્યાં મચ્છરના ઊછેર ભય રહે છે.
આ ઉપરાંત બાથરૂમ કોરું હોવું જોઈએ અને જ્યારે સંડાસનો ઉપયોગ ન કરવાના હોય ત્યારે કમોડ બંધ રાખવું જોઈએ. ઘરમાં મચ્છર દાખલ ન થાય તે માટે વ્યવસ્થા કરવી જોઈએ. અમેરિકાની જાણીતી આરોગ્ય સંસ્થા સેન્ટ્રલ ફૉર ડિસીઝ કન્ટ્રોલ અનુસાર ચિકનગુનિયાથી બચવા મચ્છર શરીરથી દૂર રહે તે માટે યોગ્ય દવા અથવા લૉશન શરીર પર લગાવવા જોઈએ.