મોટું રહસ્ય ખૂલ્યું, 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતના આ શહેરના ‘કબૂતર’ નો હતો સિંહફાળો…
ઈ.સ. ૧૯૬૨માં દગાબાજ ચીને ભારત પર આક્રમણ કર્યું તે પછી ભારતીય સેનાને સંદેશાવ્યવહારની ગોપનીયતા જાળવવા માટે જ્યારે ઘણા બધા તાલીમબદ્ધ કબૂતરની જરૃર પડી ત્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરથી ૧૭ જોડી હોમર કબૂતરની ભેટ આપી હતી.
પ્રજાવત્સલ, રાષ્ટ્રપ્રેમી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પક્ષી પ્રેમી પણ હતા અને તેમની પાસે દેશ-વિદેશના કબૂતરોનો અનોખો સંગ્રહ હતો. હાલમાં, ભારત-ચીન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઈ.સ. ૧૯૬૫ની સાલમાં ઈતિહાસમાં દર્જ આ પ્રસંગ પ્રાસંગિક બની રહેશે.
ભાવનગરના બળદેવસિંહજી ગોહિલે વિગતો આપતા જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કબૂતર પાળવા અને ઉડાવવાનો શોખ કેળવ્યો હતો. દેશ-વિદેશથી અવનવા પક્ષીઓ પસંદગીપૂર્વક મગાવીને નીલમબાગમાં વસાવ્યાં હતાં. તેમનો આ પક્ષી સંગ્રહ બહોળો અને બે નમૂન હતો.
શાહજાનપુરી, કલદુમાં, લાલસારા અમરસારા, બજરી, મોતી, કલચંપા, કલશીરા, બીકાનેરી, જોધપુરી વગેરે અનેક જાતના કબૂતરો મહારાજાએ એકઠા કર્યા હતાં. મોટી કિંમત ચૂકવી મુંબઈથી સ્ટાર્મ ફ્લાયર્સ મંગાવ્યા હતાં. ઈ.સ. ૧૯૨૯-૩૦ માં અમદાવાદથી એક જોડી આર્કેન્જલ કબૂતર ખરીદેલા. વડોદરાથી સારી સંખ્યામાં હોમર જાતિના કબૂતર ખરીદ્યા હતા. જૂના સમયમાં સંદેશાવાહક તરીકે હોમર કબૂતરોનો ઉપયોગ થતો હતો.
આવા કાબૂતરોના શોખીનોની મુંબઈમાં ‘બોમ્બે હોમીંગ પીજીયન ફ્લાઇંગ સોસાયટી’ સંસ્થા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી મુંબઈ જતા ત્યારે આ સોસાયટીની મુલાકાત લેતા. સભ્યો સાથે વિચાર વિમર્શ કરતા. પત્ર વ્યવહારથી પણ વિચારોની આપ-લે થતી રહેતી. મુબઈની સંસ્થાએ મહારાજાને સોસાયટીના ઉપપ્રમુખ બનાવ્યા હતાં.
મુંબઈથી મહારાજા પર પત્ર આવ્યો હતો. લશ્કરના સિગ્નલ કોરને હોમીંગ કબૂતરોની જરૃર છે. મહારાજાએ ભાવનગર રૃબરૃ આવવા જણાવ્યું. સોસાયટીના સેક્રેટરી પાડબીદી ભાવનગર આવ્યાં. તેમને કબૂતરોની હરકતો રૃબરૃ બતાવી, સેક્રેટરી ખૂબ ખુશ થયા અને બોલી ઉઠયા કે, ‘હુકમનો ખરો અમલ કરનારાં આવા કબૂતરો જોવામાં આવતા નથી. આપે ઘણો પરિશ્રમ ઉઠાવેલો જણાય છે.
મહારાજાએ પ્રશ્ન કર્યો કે, ‘ભારતીય લશ્કરને આ કબૂતરોની જરૃર કેમ પડી ? ‘ સેક્રેટરીએ કહ્યું કે, ‘ચીનના આક્રમણ પછી લશ્કરના સંદેશા વ્યવહારમાં મુશ્કેલીઓ ઉભી થવા લાગી છે.’ મહારાજાએ જણાવ્યું કે, ‘લશ્કર પાસે તો સંદેશા વ્યવહાર માટે આધુનિક વ્યવસ્થા હોય છે.’
સેક્રેટરીનો ઉત્તર હતો, ‘હા નામદાર, પરંતુ વાયરલેસ વગેરેથી મોકલાતા સંદેશાઓ દુશ્મન સાંભળી શકે છે. તેથી હોમર કબૂતરોનો વિકલ્પ વિચારાયો છે. દેશમાંથી આવા કબૂતરો એક-બે જોડીમાં મળે છે. માલિક જુદા હોય છે. તેથી તાલીમમાં મુશ્કેલી પડે છે. આપની પાસે ૧૭ જોડી છે. વળી લશ્કરને જરૃર છે તેવા તાલીમબદ્ધ છે.’
જીવની જેમ સાચવેલા હોમર કબૂતરો લશ્કરના ઉપયોગ માટે એક પણ પૈસો લીધા વિના ભેટમાં આપ્યા. ઈ.સ. ૧૯૪૮માં દેશના ચરણે ભાવનગર રાજ્ય સોપ્યું તે દેશના રક્ષણાર્થે કબૂતર સોંપતા હૈયું હરખાયું. ૩૧મી માર્ચની રાત્રે પોતાના વ્હાલા કબૂતરોને વાસના પાંજરામાં રખાવી રેલવેના બ્રેક વાનમાં મૂકાવી વિદાય આપવા પોતે જાતે સ્ટેશને ઉપસ્થિત રહ્યા હતા.
૧લી એપ્રિલ, ૧૯૬૫ના દિવસે મહારાજા સ્વર્ગવાસી થયા તેજ દિવસે તેમના વ્હાલા કબૂતરો મુંબઈ પહોચી દેશ સેવામાં દીક્ષિત થઇ ચૂક્યા હતાં. આમ જોઈએ તો આ કબૂતરોને મહુવાથી ભાવનગરનું અંતર કાપતા ૧ કલાક લાગતો..
કબૂતરના પિંજરા માટે પોતે ડીઝાઈન દોરી આપી પીંજરા બનાવડાવેલા. કબૂતરોને દૂર જઈ ઉડાડવામાં આવ્યા હોય તો પણ આજ્ઞાા પ્રમાણે પરત આવી જાય તેવી તાલીમ આપવામાં આવી હતી. ભાવનગરના અલગ-અલગ સ્થળેથી, પછી બુધેલ, ત્રાપજ, તળાજા અને છેલ્લે મહુવાથી છોડેલા કબૂતર પરત આવી જવા લાગ્યા હતા. મહુવાથી ભાવનગર ૬૦ માઈલ થાય. આ અંતર કાપતા કબૂતરોને ૧ કલાકનો સમય લાગતો.