ચોટિલા: સહરદહ પર લેહ ખાતે ફરજ બજાવતી વખતે શહીદ થયેલાં ચોટિલાના સપૂત વનરાજ દેગામાના આજે માન-સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદ વનરાજ દેગામાના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટથી ચોટિલા લાવવામાં આવ્યો હતો. જ્યાંથી તેના ગામ ઝીંઝુંડા સુધી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.
જેમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા છે. વનરાજ દેગામાનો પાર્થિવ દેહ ઘરે આવી પહોંચતા પરિવારજનોના કરૂણ આંક્રદથી ગામ ધ્રુજી ઉઠ્યું હતું. ગામના લાડલા વીરના અંતિમ દર્શન કરતી વખતે બધાની આંખોમાં આંસુ રોકાતા નહોતા. શહીદ પતિનો પાર્થિવ દેહ જોઈને પત્નીના હૈયાફાટ રુદનથી પાષણ હૃદયનો માનવી પણ પીગળી ગયો હતો.
નોંધનીય છે કે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના નાના એવા ઝીંઝુડા ગામના ખેત મજૂર કાનાભાઈ દેગામાના મોટા દીકરા વનરાજે પાંચ વર્ષ પહેલાં જમ્મુ કાશ્મીરમાં બટાલિયન આર્મી જોઈન કરી હતી. દીકરો આર્મી જોઈન કરતાં પરિવારમાં ખુશી છવાઈ ગઈ હતી. કાનાભાઈને પરિવારમાં બે દીકરા અને બે દીકરી છે. જેમાં વનરાજ સૌથી મોટો હતો. ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા કાનાભાઈના પરિવારની ખુશી લાંબો સમય ટકી નહોતી. લેહ ખાતે ફરજ દરમિયાન એક્સિડન્ટલી ફાયરમાં વનરાજ દેગામા શહીદ થઈ ગયા હતા. મોતના સમાચાર મળતા આ કોળી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવા અને અંતિમ વિધીમાં આર્મીના કેપ્ટન, રાજયનાં મંત્રી કુવરજીભાઇ બાવળીયા અને સામાજીક રાજકીય આગેવાનો અને વિવિધ સંસ્થાઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
11 પહેલાં જ થયા હતા લગ્ન
શહીદ વનરાજ દેગામાના 11 મહિના પહેલાં જ ગુંદા ગામે વર્ષાબેન સાથે લગ્ન થયા હતા. હજી તેમના પત્નીની લગ્નની મેહંદી પણ સૂકાઈ નથી ત્યાં તેના પર વ્રજઘાત થયો છે. શહીદના પિતા કાનાભાઇ દેગામાએ જણાવ્યું હતું કે,પંદર દિવસ પહેલા વનરાજનો ફોન આવ્યો હતો. જેમાં તેણે મારા ભાઈની દીકરીના લગ્નમાં આવવાનું કહ્યું હતું.
છ મહિના પહેલાં ચોટીલાના કુંઢડા ગામનો યુવાન શહીદ થયો હતો
છ મહિના પહેલાં ચોટીલા તાલુકાનાં કુઢડા ગામના ભાવેશ રાઠોડ શ્રીનગર ખાતે ફરજ બજાવતી વખતે શહીદ થઈ ગયા હતા. ભાવેશ રાઠોડ બાદ હવે વનરાજ દેગામા શહીદ થતાં ચોટિલા તાલુકામાં ગમગીની વ્યાપી ગઈ છે.