દિવાળી સુધીમાં કોરોના નિયંત્રણમાં આવશે : હર્ષવર્ધન
દેશમાં કોરોનાવાયરસના ચેપના કિસ્સાઓ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહ્યા છે.
કોરોનાના 70 હજારથી વધુ નવા દર્દીઓ દરરોજ બહાર આવી રહ્યા છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 63 હજાર 500થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કુલ ચેપનો આંકડો 35 લાખને પાર કરી ગયો છે..
આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આશા વ્યક્ત કરી હતી કે દિવાળી સુધીમાં કોરોના મહામારી ‘મહદઅંશે નિયંત્રણમાં’ આવી જશે. બેંગલુરુમાં અનંતકુમાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘નેશન ફર્સ્ટ’ વેબ સેમિનારને સંબોધતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે,
આગામી કેટલાક મહિનાઓમાં, સંભવતઃ દિવાળી સુધીમાં અમે કોરોનાવાયરસના ચેપને મહદઅંશે નિયંત્રિત કરીશું.
તેમણે જણાવ્યું હતું કે, ડૉ. દેવીપ્રસાદ શેટ્ટી અને ડૉ. સી.એન. મંજુનાથ જેવા નિષ્ણાતો કદાચ સંમત થશે કે થોડા સમય પછી તે ભૂતકાળમાં આવેલા અન્ય વાયરસની જેમ સ્થાનિક સમસ્યા બની જશે.
પરંતુ આ વાયરસે આપણને એક ખાસ પાઠ આપ્યો છે, એમ ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું. તેણે આપણને શીખવ્યું છે કે હવે કંઈક નવું થશે, જે સામાન્ય રહેશે.
આપણે બધાએ આપણી જીવનશૈલી વિશે વધુ સતર્ક અને જાગૃત રહેવું પડશે. હર્ષવર્ધને એવી પણ આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષના અંત સુધીમાં કોરોનાવાયરસની રસી ઉપલબ્ધ થઈ જશે.
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, નોવેલ કોરોનાવાયરસ સામે ભારતની પ્રથમ રસી આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે. દિલ્હી નજીક ગાઝિયાબાદમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની 10 બેડની કામચલાઉ હોસ્પિટલનું ઉદઘાટન કરતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું
કે, અમારા કોવિડ-19 રસીના ઉમેદવારોમાંથી એક ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે. અમને વિશ્વાસ છે કે આ વર્ષના અંત સુધીમાં રસી વિકસાવવામાં આવશે.