41 દિવસ ચાલનારી અગ્નિ તપસ્યાનો ઉદ્દેશ્ય કોવિડ-19ને મૂળમાંથી ખતમ કરી દેશવાસીઓના જીવનમાં સુખ-સમૃદ્ધિ પરત લાવવાનો..
દિનેશ કુમાર, હરિયાણા : પલવલ જિલ્લાના પહલાદપુર ગામમાં એક અનોખો નજારો જોવા મળ્યો જ્યાં મંદિરના મહંત ધોમધખતા તાપમાં બેસીને તપસ્યા કરી રહ્યા છે. આ તપસ્યા યમુના કિનારે સ્થિત પ્રાચીન શિવ મંદિરના મહંત શ્રી શ્રી 108 શ્રી બાલિક દાસ મહારાજ કરી રહ્યા છે.
આ દરમિયાન મંદિરની ચારે તરફ અગ્નિ પ્રજ્વલિત કરી વચ્ચે બેસીને તેઓ તપસ્યા કરી રહ્યા છે. મહંતના શિષ્ય શ્યામે જણાવ્યું કે આ તપસ્યાનો શુભારંભ 4 મેના રોજથી કરવામાં આવ્યો છે જે આગામી 41 દિવસ ચાલશે.
આ તપસ્યા દરમિયાન બાબા બાલિક દાસ મહારાજ આ રીતે રોજ સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી અગ્નિની જ્વાળાઓની વચ્ચે બેસીને તપસ્યા કરશે. મહંતના શિષ્ય શ્યામે જણાવ્યું કે મહારાજની આ સાતમી તપસ્યા છે.
આ પહેલા 6 અગ્નિ તપસ્યા ગુરુ ગોરખનાથ મંદિર નવી દિલ્હીમાં કરી ચૂક્યા છે. આ વખતે તેઓએ પોતાના બીજા આશ્રમ પ્રાચિન શિવ મંદિર પ્રહલાદપુરને પસંદ કર્યો છે. તેઓએ જણાવ્યું કે તપસ્યાનો ઉદ્દેશ્ય દેશ-પ્રદેશમાં વ્યાપ્ત બીમારીઓના નિદાન અને પર્યાવરણની સાથોસાથ સામાન્ય જનમાનસમાં શુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો છે.
કોરોનાના ખાતમા માટે કરવામાં આવી રહી છે તપસ્યા..
તેઓએ જણાવ્યું કે, આ તપસ્યા દ્વારા મહારાજનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ફેલાઈ રહેલી કોરોનાની બીમારીને મૂળથી ખતમ કરવાનો પ્રયાસ છે. નોંધનીય છે કે આ દરમિયાન મંદિર પ્રાંગણમાં લૉકડાઉન અને કોરોના વાયરસને ધ્યાને લઈ સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનના નિયમોનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.