– ટ્રમ્પે ચીન પર નવેસરથી ટેરિફ લગાવવાનો સંકેત આપ્યો..
– મે અબજો ડોલરનો આયાત કર વસૂલ્યો હોવાથી ચીન નથી ઈચ્છતું કે હું બીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવું : અમેરિકન પ્રમુખ…
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની લેબને વધુ એક વખત કોરોનાના ફેલાવા માટે જવાબદાર ગણાવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમની પાસે પુરતા પુરાવા છે કે કોરોના વુહાનની લેબમાં જ બન્યો હતો, પરંતુ અત્યારે એ અંગે તે વધુ કોઈ જ વિગત જણાવી શકશે નહીં.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના બાબતે સતત ચીનને જવાબદાર ગણે છે. તેમણે વધુ એક વખત વ્હાઈટ હાઉસમાં મીડિયાને સંબોધતી વખતે કહ્યું હતું કે ચીનની વુહાનની લેબમાંથી જ કોરોના વાયરસ ફેલાયો હતો. એ અંગેના પૂરતા પુરાવાં પણ હાથ લાગ્યાં છે, પરંતુ હાલ પૂરતું એ અંગે વધુ માહિતી આપવાની તેમને મનાઈ કરવામાં આવી છે.
ટ્રમ્પે ચીન ઉપર નવેસરથી ટેરિફ લગાડવાના સંકેત પણ આપ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે આગામી દિવસોમાં સરકાર મહત્વના નિર્ણયો જાહેર કરશે.
પ્રમુખ ટ્રમ્પે ચીન ઉપર એવો આરોપ પણ લગાવ્યો હતો કે ચીન તેને પ્રમુખ તરીકે વધારે જોવા ઈચ્છતું નથી. ટ્રમ્પે કહ્યું હતું : ચીન પાસેથી મેં છેલ્લાં વર્ષોમાં અબજો ડોલરની આયાત ડયૂટી વસૂલી હોવાથી ચીન નથી ઈચ્છતું કે વર્ષના અંતે થનારી ચૂંટણીમાં હું વિજેતા બનું. મારા પહેલાં એક પણ પ્રમુખે ચીન પાસેથી આટલો ચાર્જ વસૂલ્યો ન હોવાથી ચીન અકળાયું છે.
ચીને આપણાં દેશને અત્યાર સુધી કશું જ આપ્યું નથી. મેં સત્તા સંભાળી પછી મેં સરખી ડીલ માટે પહેલ કરી હતી. જેટલું તમે વેંચો છો એટલું જ તમે ખરીદો એવી નીતિ ચીનને માફક આવતી નથી.