– દિલ્હી હિંસામાં વાઇરલ તસવીર વાળો શખ્સ મળી આવ્યો..હિંસા સમયે પથ્થરમારો થઇ રહ્યો હતો, ગુસ્સામાં આવી ખુદને રોકી ન શક્યો : શાહરૂખનો લુલો બચાવ.
આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, પોલીસકર્મી પર બંદુક તાકી હતી : હત્યાના પ્રયાસ સહિતના ગુના દાખલ.
દિલ્હીની હિંસામાં અનેક લોકો માર્યા ગયા છે, જોકે જ્યારે હિંસા ભડકી ત્યારે એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી. આ તસવીરમાં એક શખ્સ બંદુક લઇને પોલીસ કર્મી પર તાંકી રહ્યો છે અને તેને ગોળી મારવા જઇ રહ્યો છે.
આ તસવીરની બાદમાં ઓળખ કરાઇ હતી અને જે શખ્સ બંદુક લઇને જોવા મળી રહ્યો છે તેનું નામ શાહરૂખ છે અને તેની આખરે હિંસાના આટલા દિવસ બાદ ધરપકડ કરી લેવામાં આવી હતી.
દિલ્હીની ક્રાઇમ બ્રાંચ ટીમે શાહરૂખને ઉત્તર પ્રદેશના શામલીમાંથી પકડી પાડયો હતો. હાલ આ શખ્સની પૂછપરછ ચાલી રહી છે. સાથે જ તેને આટલા દિવસ જે પણ લોકોએ શરણ આપી હતી તેની વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હી હિંસા દરમિયાન 24મી ફેબુ્રઆરીએ જાફરાબાદ વિસ્તારમાં એક શખ્સે આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. સાથે જ એક પોલીસ કર્મી સામે આ પિસ્તોલ પણ તાકી હતી અને ધાક ધમકીઓ આપી હતી.
જોકે પોલીસ વાળાને ગોળી નહોતી મારી પણ હવામાં ગોળીમાર કર્યું હતું. તેની ગોળીબાર કરતી તસવીર કેમેરામાં કેદ થઇ ગઇ હતી અને બાદમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી. બાદમાં એ સવાલ ઉઠવા લાગ્યા હતા કે આ ગોળીબાર કરનારો શખ્સ છે કોણ અને તેનું નામ કોણ છે?
જોકે પોલીસે અગાઉ દાવો કર્યો હતો કે આ યુવકનું નામ શાહરૂખ છે, આ દાવો સાચો પડયો છે. હાલ તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે શાહરૂખ નામના આ શખ્સે જણાવ્યું છે કે જ્યારે હિંસા ફાટી નીકળી હતી ત્યારે ભારે પથૃથરમારો થઇ રહ્યો હતો, જે દરમિયાન જુસ્સામાં આવી જઇને મે ગોળી ચલાવી દીધી હતી.
પોલીસે હાલ આ શખ્સની સામે હત્યાના પ્રયાસનો કેસ દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેની વિરૂદ્ધ આઇપીસીની કલમ 186, 353 અને આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ ચલાવવામાં આવશે. સાથે જ આ યુવક પાસે પિસ્તોલ આવી ક્યાંથી અને અન્ય શું શું ઇરાદા હતા તેની પણ તપાસ ચાલી રહી છે.