દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે ધોકો
દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે ધોકો, નૂતનવર્ષ અને ભાઈબીજ બંને એક જ દિવસે મનાવાશે
આ વર્ષે કાળીચૌદશ, ધનતેરસના દિવસે સાંજથી શરૂ થશે: દિવાળી 14 નવેમ્બરે
આ વર્ષે પંચાંગ અને જ્યોતિષના નિયમ પ્રમાણે તારીખ 14 નવેમ્બરે દિવાળી મનાવશે. દીપાવલી પાંચ દિવસનું મહાપર્વ છે. જે બુધવારના દિવસથી તારીખ 11 નવેમ્બરથી શરૂ થશે. આ દિવસે અગિયારસ છે ત્યારબાદ બીજા દિવસે ગુરુવારે વાઘબારસ છે. આમ શુક્રવારે સાંજના 6 વાગ્યા સુધી ધનતેરસનું મહત્ત્વ રહેશે. સાથે કાળી ચૌદશના નૈવેદ્ય હનુમાનજીની પૂજા, ભૈરવપૂજા વગેરે કરી શકાશે. રવિવારનો દિવસ અમાસનો હોવા છતાં ખાલી રહેશે. સોમવારે સવારના 7.08 મિનિટ સુધી એકમ છે અને ત્યારબાદ બીજ તિથિ બેસી જાય છે અને બીજ તિથિનો ક્ષય છે આથી સોમવારે બેસતુંવર્ષ અને ભાઈબીજ સાથે મનાવાશે.
કાળીચૌદશના નૈવેદ્ય આવી રીતે કરી શકશે
તારીખ 13 નવેમ્બરને શુક્રવારે સાંજના 6 વાગ્યા સુધી ધનતેરસ છે અને ત્યારબાદ ચૌદશની તિથિ બેસી જાય છે.જે લોકો સાંજના નૈવેદ્ય કરતા હોય એ લોકોએ શુક્રવારે સાંજે 6 વાગ્યા પછી ચૌદશના નૈવેદ્ય કરી શકશે અને જે લોકો બપોરના નૈવેદ્ય કરતા હોય એ લોકોએ તારીખ 14ને શનિવારે બપોરે 2.18 કલાક પહેલા નૈવેદ્ય કરી લેવાના રહેશે.> રાજદીપ જોષી, શાસ્ત્રી
એક્સપર્ટઃ આ દિવસે આ તિથિ પ્રમાણે તહેવારો ઉજવાશે
11 નવેમ્બર: બુધવારે રમા એકાદશી- 12 નવેમ્બર: ગુરુવારે વાઘબારસ
13 નવેમ્બર: શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ છે, ત્યારબાદ કાળીચૌદશ.
14 નવેમ્બર: શનિવારે બપોરે 2.18 સુધી ચૌદશ છે, ત્યારબાદ દિવાળી છે.
15 નવેમ્બર: રવિવારે અમાસ હોવા છતાં ખાલી દિવસ રહેશે.
16 નવેમ્બર: સોમવારે સવારે 7.08 સુધી જ એકમ તિથિ છે, ત્યારબાદ બીજ છે એટલે બેસતું વર્ષ અને ભાઈબીજ સાથે મનાવાશે.
વેપારીઓ શનિવારે ચોપડા પૂજન કરી શકશે
દિવાળીનું મહત્ત્વ તારીખ 14ને શનિવારે રહેશે. આથી વેપારી વર્ગ ચોપડા પૂજન શનિવારે જ સાંજે કરી શકશે. રવિવારે તારીખ 15ના દિવસે ગોવર્ધન પૂજાનો દિવસ રહેશે જ્યારે નૂતન વર્ષ સોમવારથી શરૂ થશે.