જો ડોનાલ્ડ ટ્રમ્પ હારશે તો આખી જિંદગી તેમને આ નિયમોનું કરવું પડશે પાલન !
મહાસત્તા અમેરિકામાં અત્યારે રાષ્ટ્રપતિ પદ માટેની રસાકસી ભરી મત ગણતરી ચાલી રહી છે. તેમાં જો બાઇડેન ટ્રમ્પને માત આપી રહ્યા છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ તેનો વિરોધ કરી રહ્યા છે અને ગેરરીતીનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે જો આ ચૂંટણી ટ્રમ્પ હારે અને અમેરીકી રાષ્ટ્રપતિના પદ પરથી દૂર થશે તો તેમને અમેરિકાના કેટલાક નિયમોનું જિંદગીભર પાલન કરવું પડશે.
આ નિયમો અંતર્ગત તેમના જીવન ઉપર કેટલાક પ્રતિબંધો લાગી જશે. તો સાથે જ કેટલીક એવી શરતો પણ લાગુ થશે કે જેનાથી તેમના જીવનમાં પ્રાઇવસી નામની વસ્તુ રહેશે જ નહીં. અમેરિકાના તમામ પૂર્વ રાષ્ટ્રપતિઓને આ નિયમોની પાબંધી લાગે છે.
અમેરિકાના તમામ પૂર્વ રાષ્ટ્રપતિઓનું જીવન હંમેશા જોખમમાં હોય છે, જેના કારણે તેમને જિંદગીભર સુરક્ષા આપવામાં આવે છે. આ સિવાય સિક્રેટ સર્વિસ એજન્ટ હંમેશા તેમની સાથે રહે છે. અમેરિકાનો કોઇ પણ રાષ્ટ્રપતિ જાહેર જગ્યા પર ડ્રાઇવિંગ નથી કરી શકતો. જ્યાં સુધી રાષ્ટ્રપતિના પદ ઉપર હોય ત્યાં સુધી તો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી જાણકારી મળે જ છે, પરંતુ રાષ્ટ્રપતિ પદથી દૂર થયા બાદ પણ આ માહિતિ જીવનભર મળતી રહે છે. સાથે જ પૂર્વ રાષ્ટ્રપતિ પાસેથી આજીવન રાષ્ટ્રીય સુરક્ષા અંગે સલાહ પણ લેવામાં આવે છે.
1955 પ્રેસિડેંશિયલ લાઇબ્રેરીજ એક્ટ મુજબ અમેરિકાના દરેક રાષ્ટ્રપતિના નામ ઉપર એક લાઇબ્રેરી હોય છે. આ લાઇબ્રેરીમાં સંબંધિત રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો અને તેમના કાર્યકાળની મુખ્ય ઘટનાઓ વિશે પણ જાણકારી રાખવામાં આવે છે.
પૂર્વ રાષ્ટ્રપતિઓના નામ ઉપર આવનારા તમામ પાર્સલ, પત્ર અને અન્ય વસ્તુઓની તપાસ સિક્રેટ એજેન્ટ કરે છે. અમેરિકાની પોસ્ટલ સર્વિસ પણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિના નામે આવતા પેકેટની ઉંડી તપાસ કરે છે. તેમના ફોન, ચેટ અને મેસેજ પર પણ સિક્રેટ એજન્સીની નજર હોય છે. જો ટ્રમ્પ હાર્યા તો તેમના માટે પણ આ તમામ નિયમો લાગુ થશે.