ખાલી પાંચ ચોપડી ભણેલા ભાવનગરના સાહિત્યકાર દુલા ભાયા કાગની વાણી આજે સાચી પડી રહી છે. દુલા ભાયા કાગ એટલે પ્રખ્યાત ગુજરાતી કવિ, ગીતકાર, લેખક કે જેઓ તેમની કાગવાણી માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના કાગધામ (મજાદર) ખાતે થયો હતો.
તેઓ ચારણ હતા. કહેવાય છે કે ચારણોની જીભ પર માતા સરસ્વતી બિરાજે છે, એમ તેમણે પણ ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતના દર્દને વાચા આપી હતી. તેમણે માત્ર 5 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અને પછી તેઓ પોતના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા હતા.
જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગ્રંથમાળા કાગવાણીમાં ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. જેના આઠ ભાગ આવ્યા છે, જેમાં ભજનો, રામાયણ, મહાભારતના પ્રસંગો અને ગાંધીજીની દર્શનશાસ્ત્ર તથા વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો છે.
તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે. 1962માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. 25 નવેમ્બર 2004ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં 5 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
કાગવાણીની સમજવા જેવી વાતો.
એવા લોકોને પોતાના મિત્ર ક્યારેય ના બનાવશો જે લોકો પોતાની પર દેવું હોવા છતાં અનોખા મોજશોખ કરતા હોય છે, જેની પાસેથી પૈસા ઉધાર લીધા હોય એવા વ્યક્તિ સાથે મિત્રતા કરવી નહિ, ખાસ મિત્ર પાસેથી સલાહ લેનાર અને તેની જ ખાનગી માહિતી એ બહાર લાવનાર વ્યક્તિ સાથે પણ ક્યારેય મિત્રતા કરશો નહિ.
ભૂખ લાગવી એ સામાન્ય વાત છે પણ એકવાર પેટ ભરીને જામી લીધા પછી પણ ખાવું એ વિકૃતિ છે અને જે પોતે ભૂખ્યા રહીને બીજાને ભરપેટ ખવડાવે એ સંસ્કૃતિ છે.
વિદ્યાર્થીએ ભણવામાં, ખેડૂતને ખેતી કરવામાં, સ્ત્રીએ ઘી બનાવવા મુક્યું હોય એમાં અને યુવાનીની સાચવણીમાં ક્યારેય આળસ ના કરવી જોઈએ.
થાકેલા વ્યક્તિને ટૂંકો રસ્તો પણ લાંબો લાગે, ઊંઘ ના આવતી હોય એ વ્યક્તિને રાત પણ લાંબી લાગે અને ઉત્સાહ વગર સફળતા પણ બહુ દુર લાગે.
વગર મહેનતે બનેલ ધનવાન, થોડા પાણી વાળી નાની નદી અને આકાશમાં ઉંચે ઉડતું પાંદડું પોતાની જાતને મહાન સમજે છે.
નથ નાખવાથી બળદ કાબુમાં આવે છે, અંકુશ કરવાથી હાથી કાબુમાં આવે છે, નમ્રતાથી વાત કરવામાં આખું વિશ્વ કાબુમાં થાય છે અને જો બુદ્ધિમન અને વિદ્વાનોને કાબુમાં કરવા માટે વિનયથી વાત કરવી પડે છે.
સજ્જન વ્યક્તિ સુપડા જેવો હોય છે સારી વસ્તુને પોતાની પાસે રાખે અને ખરાબ બહાર ઝાટકી નાખે છે જયારે દુર્જન વ્યક્તિ ચારણી જેવો હોય છે ના રાખવાની વસ્તુ રાખે અને જે કામની વસ્તુ હોય તેને ત્યજી દે છે.
પગી, પારેખ, કવિ, રાગી, શૂરવીર, દાતાર, છેતરનાર અને કૃતધ્ની સૌ સંસ્કારો સાથે જ જન્મે છે. તેમને કશું શીખવાડવું પડતું નથી.
જેમ ખાંડના નાના નાના કણ ફક્ત કીડીઓ શોધી શકે છે, વાછરડી પોતાની ગાયને શોધી શકે છે, ગુનેગારોને ખબરીઓ શોધી શકે છે, એવી જ રીતે કર્મનું ફળ જે તે કર્મ કરનાર વ્યક્તિ જ્યાં હોય ત્યાંથી શોધી શકે છે.
ઊંટ ત્રણ વર્ષની ઉંમરે, ઘોડો પાંચ વર્ષની ઉંમરે, સ્ત્રીને તેર વર્ષની ઉંમરે અને પુરુષને પચ્ચીસ વર્ષની ઉંમરે યુવાની આવે છે.
દિવો પોતે પ્રગટીને બીજાને અજવાળું આપે છે, ઘટાદાર વૃક્ષ બીજાને છાયો આપવા તાપ સહન કરે છે, ફૂલો પોતાની સુગંધ ફેલાવવા માટે તાવડા પર ચડે છે એવી જ રીતે સજ્જન વ્યક્તિ બીજાને ખુશ રાખવા માટે પોતે દુઃખ સહન કરે છે.
જેમ આખા જંગલનો નાશ કરવા માટે ફક્ત એક તણખો જ બહુ છે અને દરેક સારા કર્મોનું નાશ કરવા માટે ફક્ત એક પાપ જ બહુ છે તેમ તમારા કુળનો નાશ કરવા માટે ફક્ત એક કુપુત્ર જ બહુ છે.
છોડી મૂકેલા બળદ, બોલકણો વૃઘ્ધ, અને માન વિનાનો મહેમાન બધા સરખા ગણાય છે.
એ ઘર સ્મશાન સમાન છે જે ઘરમાં રોજ સવારે ઘંટી કે વલોણાનો અવાજ નથી આવતો, જે ઘરમાં બાળકોની કિલકારી નથી સંભળાતી, જે ઘરના પરિવારજનો વચ્ચે સંપ નથી, જે ઘરમાં કોઈ મહેમાનનું આવનજાવન નથી હોતું.
દૂધ ખરાબ થાય ત્યારે ખટાશ આવે, ખેતર ખરાબ થાય ત્યારે ખાર આવે, લોખંડ ખરાબ થાય ત્યારે કાટ આવે અને જયારે બુદ્ધિ ખરાબ થાય ત્યારે વ્યક્તિ રાવણ થાય.
કર્મ પહેલાં કે જીવ? બીજ પહેલાં કે વૃક્ષ, ઇંડું પહેલું કે મરઘી?, પુરુષ પહેલો કે સ્ત્રી? આવા સવાલના જવાબ હોશિયાર અને મુર્ખ બંને વ્યક્તિ એકસરખો જ આપે છે.
માતા વગર બાળક રડે, માલિક વગર ઢોર રડે, ઘરે રહેવાથી ખેતર રડે, સાવધાની રાખ્યા વગરનો વેપાર રડે અને વેરવાળાનું જીવન રડે.
Image Source
જયારે રાત્રી સૂર્યને મળવા જતાં, યુવાની ઘડપણને મળવા જતાં અને માનવી કામનાઓને મળવા જતાં મૃત્યુ પામે છે.
જયારે ઋતુ અને વૃક્ષ બંને બરાબર હોય ત્યારે જ સારા ફળ પાકે છે એવી જ રીતે જયારે મહેનત અને નસીબ ભેગા થાય ત્યારે યોગ્ય પરિણામ મળે છે.
વ્યક્તિ ત્યારે બહુ દુખી થાય છે જયારે તેનો પાડોશી લડાયક હોય છે, ઘાસવાળું ખેતર પણ વ્યક્ત િના દુઃખનું એક કારણ છે, ઘરમાં કોઈ વિધવા સ્ત્રીને જોવી પણ વ્યક્તિના દુઃખનું કારણ હોઈ શકે છે.
જીવનમાં સૌથી મુશ્કેલ કામ છે વચન નિભાવવું, અજાણી જગ્યાએ ફરવા જવું, સાચી દોસ્તી નિભાવવી, યુદ્ધમાં હાર ન માનવી, દુશ્મનોને માફ કરી દેવા અને ડરનો સામનો કરવો.
વધારે તારાઓથી ચંદ્ર છુપાઈ નથી જતો, ગમે એટલા વાદળ આવે તો પણ સુરજ છુપાઈ શકતો નથી, એકબીજાની સામે જોવો નહિ તો પણ પ્રેમ છુપાતો નથી એવી જ રીતે કપાળે ગમે એટલી રાખ લગાવો તોપણ ભાગ્ય બદલાતું નથી અને છુપાતું નથી.
જેમ ભોગની પછી રોગ છે, વિલાસની પાછળ વિનાશ છે, દિવસ પછી રાત છે એવી જ રીતે જીવન પછી મૃત્યુ છે. જયારે પારસ પથ્થર તલવારને અડે છે અને તે તલવાર સોનાની બને છે
તેમ છતાં તે તેની ધાર અને આકાર બદલતી નથી એવી જ રીતે કોઈ દુષ્ટ વ્યક્તિ સંતની પ્રસાદી લે છે અને તેનો સ્વભાવ બદલે છે પણ જયારે સમય આવે છે તેઓ પોતાનો સાચો સ્વભાવ બતાવે જ છે.
જેમ ગધેડાને ખાંડ કડવી લાગે, તાવમાં સપડાયેલ વ્યક્તિને દૂધ કડવું લાગે એવી જ રીતે દુર્જન વ્યક્તિને સુવિચાર કડવો લાગે.
જયારે બે સગા ભાઈઓ લડે છે ત્યારે અને સો વર્ષનો વૃદ્ધ વ્યક્તિ વધારે જીવવા માટે દવા અને બીજા ઈલાજ કરાવે છે ત્યારે ઈશ્વર બહુ હસતા હોય છે.
ધરતી માતાનો ચમત્કાર તો જુઓ, આપણે ગમે તેવું ગંધાતું ગોબરું ખાતર આપીએ તો તે પણ 4 મહિનામાં કણમાંથી મણ અનાજ આપે છે.
સાપને ઘીનો દિવો, લોભી વ્યક્તિને મહેમાન, બકરીને વરસાદ અને સુમ કહેતા લોભી લોકોને કવિ એ દીઠો પણ ગમતો નથી.
મોઢાથી પેટમાં ગયેલ ઝેર એ વ્યક્તિના મૃત્યુનું કારણ બને છે પણ જયારે લોકો એકબીજાના કાનમાં જે ઝેર નાખે છે તેનાથી અનેક વ્યક્તિઓ મૃત્યુ પામે છે.
સાપને મોરનું ગીત, કરજદારને લેણદાર, નોકરિયાતને તેમનો બોસ અને સ્વચ્છંદી બાળકને સ્કુલમાં ક્યારેય ગમતું નથી.
જયારે બાળકએ માતાના ઉદરમાં હોય છે ત્યારે તેને જીવવા માટે કોઈ મહેનત નથી કરવી પડતી, પણ આ વિશ્વમાં વ્યક્તિને જીવન પસાર કરવા, ખોરાક માટે કપડા માટે અને ઈજ્જત કમાવવા માટે બહુ મહેનત કરવી પડતી હોય છે.
ફળ વિનાના વૃક્ષ પર પક્ષીઓ આવતા નથી, સેવકની જેમને પણ કદર નથી હોતી એ સેવક તેમને છોડી દે છે તેવી જ રીતે વૃદ્ધ થયેલા વ્યક્તિનો કુટુંબીજન ત્યાગ કરે છે.
જયારે ઉંદરના ઘરે મૃત્યુના ગાણા ગવાય છે ત્યારે બિલાડીના ઘરે ખુશીના ગીતો ગવાય છે, બસ આવું જ આપણા સંસારનું પણ છે.