એક અનોખા લગ્ન..વરરાજા ખરા..વરઘોડો પણ ખરો.. જમણવાર પણ ખરો.. માત્ર કન્યા જ નહિ.. તમને નવાઈ લાગશે..
સાબરકાંઠાના જીલ્લામાં આવા જ એક અનોખા લગ્ન થયા. જ્યાં આખું ગામ કન્યા વિનાના અનોખા લગ્ન સમારોહમાં જોડાયું. નાચ્યું અને ગાયું પણ અને મોજ તો કરી જ હોય ને.
લગ્નના ઢોલ ધબૂક્યા.. મંગલ ગીતો. ગવાયા. જાનૈયાઓ મન મુકીને નાચ્યા. વરરાજા પણ ઘોડા પર સવાર થઈને નીકળ્યા. પરંતુ આ લગ્ન માત્ર વરઘોડા સુધી જ સીમિત છે.
એનાથી આગળની લગ્ન વિધિ આ વરરાજાના નસીબમાં નથી..
હા, ઘોડા પર ચડી વાજતે – ગાજતે લગ્ન કરવા નીકળેલો આ યુવાન મંદબુધ્ધીનો છે. હિમતનગર તાલુકાના ચાંપલાનાર ગામનો અજય ઉર્ફે પોપટ બાળપણથી જ માનસિક રીતે દિવ્યાંગ છે..
ત્યારે તેની બાળપણથી જ ઈચ્છા હતી કે તેનો વરઘોડો નીકળે. ચાંપલાના ગામમાં ગમે તેના લગ્ન હોય, કે પછી હોય નવરાત્રી નાચવામાં અજય પાછો ના પડે..
બીજાના લગ્નના વરઘોડા જોઇને અજય હમેશા પોતાના પરિવારજનોને પૂછતો કે મારા લગ્ન ક્યારે છે ?
અને આ સવાલ સાંભળી એના પિતા અને સાવકી હોવા છતાં પોતાની સગી માતા કરતા વિશેષ માતાની આંખમાં આંસુ આવી જતા.
છેલ્લે અજયના મામા આગળ આવ્યા અને ગોઠવાયો લગ્ન સમારોહ..
અજયના નસીબમાં લગ્ન ન હતા, છતાં તેના લગ્ન લેવાયા. કંકોત્રી છપાઈ, લગ્નના વધામણા કરાયા. અને અજયનાં વરઘોડાની મનોઈચ્છા પૂર્ણ કરવા શુક્રવારનો દિવસ નક્કી થયો.
તો ભાઈના લગ્નમાં તેની બહેન પણ નાચી, અને આશીર્વાદ પણ તેમણે ભાઈને દીધા….
માનસિક રીતે દિવ્યાંગ લોકોના નસીબમાં લગ્ન નથી હોતા. તેમના પણ મનમાં લગ્નનાં સપના હોતા હોય છે..
ત્યારે અજય આ બાબતે નસીબદાર રહ્યો.. તેના સપનાને પરિવારે વાસ્તવિકતામાં પલટી નાખ્યા.
ભલે લગ્નમાં કન્યા ન હતી, પણ લગ્નનો હરખ અજયના ચહેરા પર ઝળકી રહ્યો હતો….