ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે.
આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા, ત્યારે આગ લાગી હતી એ દરમિયાન એક કર્મચારી દર્દીઓનો મસીહા બનીને આવ્યો હતો. ઉદય કોવિડ હોસ્પિટલમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા અજય વાઘેલા નામના કર્મચારીએ બહાદુરીનું કામ કર્યું હતું.
ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે આગ લાગતાં અજય વાઘેલા નામના હોસ્પિટલના એક કર્મચારીએ કોવિડના સાત દર્દીને વારાફરતી ખભા પર ઊંચકી અગાશી પર મૂકી આવ્યો હતો.
અજય વાઘેલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે અમુક દર્દીઓનું વજન વધુ હતું. ઊંચકીને બે માળ ચઢી શકાય એવી સ્થિતિ ન હતી.
આમ છતાં ભગવાનનું નામ લઈને કોરોનાના દર્દીને ખભા પર ઊંચકીને વારાફરતી છેક અગાશી સુધી મૂકી આવ્યો હતો. આ સાતે સાત દર્દીનો બચાવ થયો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ આ સાતેય દર્દીને ગોકુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સરકારી અધિકારીઓએ અજય વાઘેલાની બહાદુરી અને હિંમતની ભારોભાર પ્રશંસા કરી હતી.