પોરબંદર: હાલ ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો લગ્નને જિંદગીભર યાદગાર બનાવવા માટે અલગ-અલગ રીતે લગ્ન કરતાં હોય છે. જેમ કે જાન હટકે લઈ જવી, અલગ જ ફોટોશૂટ, પ્રિ-વેડિંગ ફોટોશૂટ સહિત અલગ-અલગ જોવા મળે છે જેની તસવીરો પણ ઘણીવાર તો વાયરલ થાય છે. તો આવું જ કંઈક સૌરાષ્ટ્રના પોરબંદરમાં જોવા મળ્યું હતું. પોરબંદરના રાણાવાવના આદિત્યાણા ગામે એક યુવક અનોખી રીતે જાન લઈને લગ્ન કરવા પહોંચ્યો હતો.
સામાન્ય રીતે લગ્નમાં વાહનો મારફત જાનમાં જવાનું આયોજન કરાતું હોય છે પરંતુ પોરબંદરના રાણાવાવમાં આદિત્યાણા ગામના એક યુવકે પોતાના લગ્નમાં વાહનના બદલે જૂની પરંપરા પ્રમાણે, બળદગાડા શણગારીને તેમાં જાન લઈ ગયો હતો જે રસ્તા પર નીકળતાં જ આ જાન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. બે પાત્રોનું પરિણય પંથે પ્રયાણ એટલે લગ્ન. એક સમય હતો કે જ્યારે પરિવારજનો અને મિત્રો તેમજ સગા-વ્હાલાઓની હાજરીમાં લગ્ન પ્રસંગ ઉજવાતો.
ભારતીય પરંપરા અને રીતિ-રીવાજોને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવતી હતી. આજના આધુનિક યુગમાં બે પાત્રોના ઐક્યોત્સવ પણ આધુનિકતાનો રંગ ચડી જાય એ સ્વાભાવિક જ છે. આજકાલ લગ્નો પણ ઈવેન્ટ મેનેજમેન્ટનો ભાગ બની ગયા છે અને હાલમાં જાન માટે કાર સહિત અનેક આધુનિક વાહનોનો સહારો લેવો પડે છે પરંતુ રાણાવાવના આદિત્યાણા ગામમાં અનોખી રીતે જાન નીકળી હતી.
વરરાજા સહીત જાનૈયાઓ શણગારેલી ગાડીમાં નહીં પરંતુ સુશોભિત બળદ-ગાડામાં બેસીને કન્યાના માંડવે પહોંચ્યા હતાં. આદિત્યાણા ગામે રહેતા ધીરુભાઈ જેતાભાઇ કેશવાલાના પુત્ર મનોજના લગ્ન દેગામ ગામે રહેતા શાંતીબેન મુરુભાઈ સુંડાવદરા સાથે થયા હતા જેમાં બળદ-ગાડામાં નીકળેલી કેશવાલા પરિવારની આ જાનને જોવા લોકો રસ્તા પર ટોળેટોળાં વળ્યાં હતાં. આ જાનની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
મહત્વની વાત એ છે કે, બળદને પણ પારંપરિક રીતે શણગારવામાં આવ્યા હતા. કુલ 10 ગાડામાં નીકળેલી જાનનું પરિવારના જ જવાનોએ ઘોડેસવારી કરીને પાયલોટીંગ કર્યું હતું અને વરરાજા મનોજ ઘોડેસવારી કરી લગ્નમંડપમાં પહોંચ્યો હતો. આ જાન જોઈને અનેક વૃદ્ધોએ જુની પરંપરા અને યાદો તાજી કરી હતી.