ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં અમરેલી જિલ્લાનાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદીને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે.
તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે. તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે.
જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે.
અમરેલી જીલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે.
૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ(પિયત) હેઠળ આવે છે. અમરેલી તાલુકાના ૨૪ ગામોને ખોડિયાર ડેમની નહેરોનો લાભ મળે છે. અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.આ સ્થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. તેની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો ઝરો વહે છે. લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે.
જુનાગઢ નાં રાજા રા’નવઘણનાં માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખુબજ શ્રધ્ધા હતી અને કહેવાય છેકે ખોડિયાર માતાજીનાં આશિર્વાદથી જ રા’નવઘણનો જન્મ થયો હતો. આમ જુનાગઢરાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતો કુળદેવી તરીકે પુજવાનુ શરૂ કર્યુ હતું. રા’નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતા હતો.
કહેવાય છે કે જયારે રા’નવઘણ તેની જીભની માનેલી બહેન જાસલ(જાહલ)ની વારે ચડ્યો ત્યારે તેઓ અહીંથી પસાર થયો હતા, અને તેનો ઘોડો આશરે ૨૦૦ ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી. જે સ્થળ હાલ પણ ઘુનાથી થોડે દુર છે.
આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગળધરામાં આવેલું છે. અહીં પહોંચવા માટે ધારીથી પાકા ડામર માર્ગે એસ.ટી. બસ અથવા પ્રાઈવેટ વાહનથી પહોંચી શકાય છે. જેનો રસ્તો ખોડિયાર ડેમનાં બંધ ઉપરથી પસાર થાય છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે.
ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.