ગુજરાતના આ મંદિરમાં માતાજીને પિત્ઝા, બર્ગર, દાબેલી, સેન્ડવિચનો પ્રસાદ ધરાવાય છે..
ગુજરાતમાં ઘણા માતાજીના મંદિર આવેલા છે પણ આજે એક એવા મંદિરની વાત કરવાના છીએ કે, એ મંદિરમાં માતાજીને મંદિરમાં પ્રસાદમાં શ્રીફળ, કાજુ, સાકરના બદલે પિત્ઝા, બર્ગર, દાબેલી, સેન્ડવિચ, પાણીપૂરી, ક્રિમરોલ, કોલ્ડ્રીંક્સ સહિતની ફાસ્ટફૂડની અલગ-અલગ વાનગીઓ ધરાવવામાં આવે છે. તમે પણ આ વાત સાંભળીને આશ્ચર્ય ચકિત થઇ ગયા હશો કે આ મંદિર ક્યા માતાજીનું છે અને ક્યા આવેલુ છે.
એક રિપોર્ટ અનુસાર પ્રસાદમાં પિત્ઝા, બર્ગર, દાબેલી, સેન્ડવિચ, પાણીપૂરી, ક્રિમરોલ, કોલ્ડ્રીંક્સ સહિતની ફાસ્ટફૂડની વાનગીઓ રાજકોટના રજપૂતપરામાં આવેલા જીવંતિકા માતાના મંદિરમાં ધરાવાય છે.
51 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરમાં ફાસ્ટફૂડની વાનગીઓ ધરાવવાનું કારણ એ છે કે, જીવંતિકા માતાજી બાળકોના માતાજી છે એટલે મંદિરના ટ્રસ્ટ દ્વારા માતાજીનો પ્રસાદ બનાવતા પહેલા નાના નાના બાળકોને પૂછવામાં આવે છે કે, તેને શું ભાવે છે અને બાળકો જે વાનગીઓ કહે તે માતાજીને પ્રસાદ સ્વરૂપે ધરાવવામાં આવે છે.
મંદિરના સંચાલકોનું આ બાબતે એવું કહેવું છે કે, બાળકો રાજી થાય તો માતાજી પણ ખૂશ થાય છે એટલા માટે બાળકોનો મનપસંદ પ્રસાદ માતાજીને ધરાવવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે, જીવંતિકા માતાના મંદિર દ્વારા કોઈ પણ પ્રકારનો ફંડ કે, ફાળો ઉઘરાવવામાં આવતો નથી.
કોઈ શ્રદ્ધાળુ અનાજ કે, પૈસાનું દાન કરી જાય તો અનાજને એક એક કિલોના પેકેટ બનાવીને ગરીબોને દાન આપવામાં આવે છે અને જે પૈસા એકઠા થાય તેનાથી મંદિર દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ગંગા સ્વરૂપ વિધાવા બહેનોને સાડી આપવામાં આવે અને ભોજન કરાવવામાં આવે છે. આ માતાજીના મંદિરમાં શુકન કે, અપશુકનની માન્યતાને સ્થાન આપવામાં આવ્યું નથી.