હાથરસ ગેંગરેપ મામલો : નિર્ભયાના આરોપીઓને ફાંસી અપાવનાર સીમા કુશવાહ હવે આ પીડિતાનો કેસ મફતમાં લડશે..
ઉત્તરપ્રદેશના હાથરસમાં થયેલા ગેંગરેપ અને હત્યાના મામલામાં પીડિત પરિવારનો કેસ સુપ્રીમ કોર્ટના જાણીતાં વકીલ સીમા કુશવાહ લડશે.
તેઓ તેની ફી લેશે નહિ. સીમાએ 2012માં નિર્ભયાનો કેસ લડ્યો હતો. આ કેસના ચારેચાર આરોપીને આ વર્ષે 20 માર્ચે ફાંસી આપવામાં આવી હતી.
એવામાં હાથરસના પીડિત પરિવારને પણ ન્યાય મળવાની આશા વધી ગઈ છે.
વકીલ સીમા કુશવાહે કહ્યું હતું કે પીડિત પરિવાર ઘણો ડરેલો છે. પહેલા પુત્રીને મારી નાખવામાં આવી, પછી રાત્રે પ્રશાસને એના જબરદસ્તીથી અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા.
આરોપીઓનો પરિવાર સામ, દામ, દંડ, ભેદ અપનાવી રહ્યો છે. સરકારે આર્થિક મદદની જાહેરાત કરી અને અન્ય ચીજો આપવામાં આવી છે, જોકે મીડિયામાં કેસ બંધ થતાં જ સરકાર ભૂલી જાય છે.
સીમાએ કહ્યું હતું કે ડીજીપી અને અપર મુખ્ય સચિવ ઘરે આવવાને પગલે પરિવારમાં થોડી ન્યાયની આશા જાગી છે.
અત્યારસુધીમાં પ્રશાસન અધિકારીઓ પર જે કાર્યવાહી કરવામાં આવી છે એ માત્ર દેખાડો જ છે. વર્મા કમિટીની ભલામણો મુજબ અધિકારીઓ પર કાર્યવાહી કરવી જોઈએ.