વનસ્પતિઓ પણ અનેક રોગોની ચિકિત્સામાં ઉપયોગી..વાંચો! આપણા વૈદ્ય શું કહે છે..

Share

શાસ્ત્ર કહે છે, नास्ति द्रव्यं अनौषधम । આ પૃથ્વી ઉપર એક પણ દ્રવ્ય એવું નથી કે જે ઔષધ નથી. પણ આપણી કમબખ્તી એ છે કે આપણે આ બધાજ દ્રવ્યોના ગુણધર્મો જાણતાં નથી.

આમ તો આયુર્વેદના આદરણીય ઋષિ મુનિઓ દ્વારા ૩૭૬ જેટલા વનસ્પતિ દ્રવ્યોની સંપૂર્ણ માહિતીઓ, જેમકે તેમાં રહેલ રસ( ટેસ્ટ), તેના ગુણધર્મ( પ્રોપરટીઝ) ,વીર્ય ( એનર્જી), વિપાક (રસ વ્હીંચ ડેવલોપ્ડ આફટર ડાયજેશન ઓફ ધેટ ડ્રગ) ,પ્રભાવ ( સ્પેશિયલ ઇમપેક્ટ) બહુંજ સચોટ રીતે આપેલી છે..

અને આશ્ચર્યની વાત એ છે કે આ ઔષધદ્રવ્યો એટલા શાશ્વત છે કે હજારો વર્ષો પછી આજે પણ એમણે દર્શાવેલ પદ્ધતિથી જ કાર્ય કરે છે.( અનુભવે કહું છું, કોઈ ગપગોળા નથી) જ્યારે આધુનિક વિજ્ઞાનમાં અનેક દવાઓ આવી ને થોડા વર્ષોમાં Banned પણ થઈ જાય છે ,(એક હમણાં નું જ ઉદાહરણ ranitidine આપણી સામે છે જ.)

આમાં પણ ૧૪૫ એટલી વિશેષ વનસ્પતિ છે કે જે મનુષ્ય માટે વરદાનરૂપ કહી શકાય , કારણ આ વનસ્પતિઓ મોટા ભાગના રોગો ઉપર શ્રેષ્ઠ કાર્ય કરે જ છે, ઉપરાંત આમાંની કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જે આપણને સ્વસ્થ રહેવામાં પણ એટલીજ ઉપયોગી બની શકે છે,  હાલમાં આ કોરોના સામેની લડાઈમાં આ વનસ્પતિઓ જ આપણી રોગપ્રતિકારક ક્ષમતા જાળવી રાખવામાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે).

ઉપરાંત બાકીની ૨૪૧ વનસ્પતિઓ પણ અનેક રોગોની ચિકિત્સામાં ઉપયોગી છે જ. માટે આયુર્વેદ પ્રેક્ટિસ કરતા દરેક વૈદય પાસે આ દ્રવ્યોનું જ્ઞાન હોવું તો અત્યંત આવશ્યક છે જ પણ સામાન્ય જનતા પણ જેટલું વનસ્પતિ વિશે જ્ઞાન મેળવશે તેટલું તેમના માટે ઉપયોગી બની રહેશે,

આપણી આજુબાજુ પણ આવી અનેક વનસ્પતિઓ અસ્તિત્વ ધરાવે છે, પણ આપણું દુર્ભાગ્ય છે કે આપણે હજુ સુધી તેની મહત્તા સમજી શકતા નથી.અને વૃક્ષોનું છેદન કરી નિકંદન કાઢતા રહીએ છે.

મારા મતે તો જે લોકોના ઘરના આંગણાં તુલસી, લીમડો, આસોપાલવ, ગુલમહોર, ગરમાળો , કુમારી, ગળો અને આના જેવી અનેક વનસ્પતિઓથી શોભે છે. તે બધા જ જીવો મોટું નસીબ લઈને આ પૃથ્વી પર આવ્યા છે.

અને તે સર્વ લોકોએ અત્યંત વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ સવારે સાંજ થોડો થોડો સમય કાઢી આ વનસ્પતિઓ માટે થોડો સમય ફાળવી તેનું જતન કરવું જોઈએ, અને તેમાંથી ચળાઈને આવતી ભરપૂર ઓક્સિજન યુક્ત, એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ ગુણો ધરાવતી હવાને ફેફસામાં ઠાંસી ઠાંસીને ભરવી જોઈએ અને મન ભરીને માણવી જોઈએ,

આ કાર્ય તમે સવાર સાંજ ઘરના બગીચામાં ચા પીતાં પીતાં , સમાચાર પત્રો કે ગમતા પુસ્તકો વાંચતા વાંચતા , ગાર્ડનિંગ કરતા કરતા , ફોનમાં વાત કરતા કરતા કે બેડરૂમમાં સુઓ ત્યારે AC ન વાપરતા ખુલ્લી બારીઓ રાખીને પણ ફાળવી શકો છો. જો થોડા જાગૃત રહો તો..

મિત્રો , એટલું યાદ રાખજો કે જેટલો પ્રકૃતિને પ્રેમ કરીશું, જેટલું તેનું જતન કરીશું એટલું એ આપણું જતન કરશે . નિશ્ચય કરો આ ઋતુમાં તમે પણ વૃક્ષારોપણ કરતા રહેશો અને પ્રકૃતિને ખીલવતા રહેશો, અને અંતે આજે આ બધીજ વ્હાલી વનસ્પતિઓ માટે દિલથી બે લાઇન…. आज फिर तुम पे प्यार आया है, बेहद और बेहिसाब आया है। ❤️

✍️વૈદ્ય કાશ્મીરા કોઠારી (ભાવનગર)


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *