Monday, October 2, 2023
Home Story જાણો ! ગુજરાતનું ઐતિહાસિક મંદિર સોમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ..

જાણો ! ગુજરાતનું ઐતિહાસિક મંદિર સોમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ..

ગુજરાત રાજ્યમાં પ્રભાસ પાટણનાં સાગરકાંઠે સોમનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર દેશનાં મુગટ સમુ દિપતુ ઉભુ છે. દેશમાં ભગવાન શિવજીનાં ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગ આવેલા છે. તેમાંનું પ્રથમ અને સૌથી મહ્ત્વ પુર્ણ જ્યુતિર્લિંગ અહીં આવેલ છે.

સોમનાથનો ઉલ્લેખ અતિપ્રાચીન ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે આજે પણ સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.

દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે લાકડાનું મંદિર બાંધ્યું હતું.

ચંદ્રના 24 નક્ષત્રો સાથે તેમના લગ્ન થયા હતા પણ તેમને બે રાણી પ્રિય હતી માટે બીજી રાણીઓ તેનાથી દુઃખી થઇ અને તેના પિતા પાસે ગઇ. દક્ષ રાજાએ ચંદ્રને તેની શક્તિ ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો. ત્યારે તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી.

તે બાદ શિવજીની કૃપાથી 15 દિવસ અજવાળુ અને 15 દિવસ અંધરાનો ચંદ્ર થાય છે. માટે તેમણે અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું થયું.

સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે.

૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું.

૭૨૫ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો.

પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પત્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.

૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલકતની લૂંટ કરી હતી. લૂંટ કર્યા પછી મંદિરના યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો.

તેનો બદલો લેતા અણહીલપ્ર પાટણનાં રાજા ભિમદેવ સોલકીએ સેનાં સાથે મહંમદ ગઝની કચ્છનાં રણમાં દફન કરી દિધો હતો.

અને સન ૧૦૨૬ સોમનાથનાં મંદિરનું નવ નિર્માણ કરવાનું શરૂ કર્યું. જે સન ૧૦૪૨ માં પુર્ણ થયુ.

ત્યારબાદ ગુજરાતનાં નાથ એવા સિધ્ધરાજ જયસિંહનાં સમયમાં મંદિઅરની સમુધ્ધી સોળે કળાએ ખીલી ઉઠી.

૧૨૯૭ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તન અલ્લાઉદ્દીન ખિલજીનાં સેનાપતિ મલેક કાફોરે ગુજરાતનો કબજો કર્યો ત્યારે ફરીથી એકવાર સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો.

૧૩૯૪માં તેનો ફરીથી વિનાશ થયો.

૧૭૦૬ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી આ મંદિર તોડી પાડ્યું.

ફરીથી આ મંદિરને બનતા ત્રણ સદિઓનાં વાણા વાયા પણ જ્યારે ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ જુનાગઢનો પ્રવાસ કર્યો. ત્યારે તેમને જૂનાગઢ પ્રવાસ અધૂરો લાગ્યો અને તેઓ સોમનાથ ગયા અને તેમની સાથે ગુજરાતના જ્યોતિર્ધર કનૈયાલાલ મુનશી, કેન્દ્રના બાંઘકામના મંત્રી કાકાસાગહેબ ગાડગીલ, જામસાહેબ આવ્યા અને તેઓ દરિયા પાસે ગયા અને પાણીની અંજલી લઈને મંદિરના પુનરોધ્ધારનો સંકલ્પ જાહેર કર્યો

ત્યારે જામ સાહેબે ત્યારે રૂપિયા એક લાખનું દાન આપ્યું.

નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. અને પાંચમાં મંદિરના અવશેષોને દૂર કરીને આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર છઠ્ઠી વખત તેનું નિર્માણ થયું.

1948માં સોલંકી શૈલીથી બાંધેલું આજનુ સોમનાથ – “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે.

આ મંદિરની ઉંચાઇ 175 ફુટની છે. શિખર પર કળશ અને ધ્વજ એ શિવતત્વની અનુભૂતી થાય છે.

છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.

1951માં ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. જેથી 2000 વર્ષોથી શંકરની પૂજાની અતૂટ પરંપરા આ ક્ષેત્રમાં રહી છે,

નજીકમાં ઉતુંગ શિખર પર દ્રષ્ટિ રાખીને ઊભેલા સરદારની પ્રતિમા મુકવામાં આવી છે.

સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દ‍ક્ષિણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી.

અહીં જ બાજુમાં ભાલકાતીર્થ આવેલું છે, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ તેના નિજધામ ગયા હતા.

અહીં તેમને પારધી દ્વારા તેના પગમાં રહેલા પદ્મને વીંધીને તેમને ઘાયલ કર્યા હતા. આ જ જગ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા.

અહીં પૂનમને રાત્રીએ મંદિરની ટોચ પર હોય છે, તથા દરરોજ સૂરજ રોજ તેમને પ્રકાશીત કરે છે. માટે આ ક્ષેત્રમાં હરિહરનું મિલન અદભૂત થાય છે.

હમીરજી ગોહિલ અને સોમનાથ

સોમનાથના ગઢની સામેજ નવ નવ દિવસથી ઝફરખાનનાં સૈન્યનો સામનો કરતા કરતા હમીરજી પાસે હવે તો અમુક ચુનંદા શુરવીરો જ બચ્યા હતા. સોમનાથને તુટતુ બચાવવા હમીરજીની આગેવાનીમાં આવેલા તમામ શુરવીરો એકઠા થયા હતા.

નવમાં દિવસની રાત્રે હમીરજીએ યુધ્ધનો વ્યુહ સમજાવ્યો અને સવારના પહોરમાં સુરજનારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત ગઢ ખુલ્લો મુકી દેવો અને કેસરિયા કરી લેવા. ” થઈ જાવ સૌ સાબદા ” એમ હમીરજી બોલતા તો હર હર મહાદેવનાં ધોષ ગાજ્યા. આખી રાત કોઈ સુતુ નથી, સોમનાથના મંદીરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઊડી રહ્યો છે.

મરણિયા વીરોએ શંકરદાદાને પણ તે રાતે સુવા ન દીધા. પરોઢીયે નહાઇ ધોઇને હમીરજીએ શંકરની પુજા કરી. હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગ્યા અને કહ્યુ કે આઈ, આશિષ આપો. કાનોકાન મોતના મીઠાં ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે. પટાંગણમાં ઘડીક સુનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતા આઈ બોલ્યા, ધન્ય છે વીરા તને . સોરઠની મરવા પડેલી મર્દાનગીનુ તે પાણી રાખ્યું. અને તેને ગાયુ કે,

વે’લો આવ્યો વીર, સખાતે સોમૈયા તણી;
હીલોળવા હમીર, ભાલાની અણીએ ભીમાઉત.

માથે મુંગીપર ખરૂ, મોસાળ વસા વીસ;
સોમૈયાને શીષ, આપ્યુ અરઠીલા ધણી.

દશમાં દિવસની સવારમાં જેવા સુરજનારાયણનુ આગમન થયુકે ગઢના દરવાજા ખુલ્યાને હમીરજી અને સાથી યોધ્ધાઓ ઝફરખાનની ફોજ માથે ત્રાટકયા. આમ અચાનક વહેલા આક્રમણથી ઝફરખાન હેબતાઇ ગયો એન સેન્યને સાબદુ કરીને યુધ્ધ શરૂ કર્યુ. બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથીઓએ કાળોકેર વર્તાવી દીધો. સાંજ પડતાજ દુશ્મનોના સૈન્યને અડધા ગાઉ જેટલુ પાછુ ઠેલવી દીધુ અને તે દિવસનુ યુધ્ધ બંધ થયુ.

સોમનાથના ગઢમાં પરત ફરતાજ હમીરજી જોવે છેકે સાથીઓમાં અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ, અમુકના આંતરડા બહાર નીકળી ગયા છે. અને હવે લગભગ દોઢસોથી બસ્સો જ સાથીઓ બચ્યા છે. હમીરજીએ સાથીઓની સાથે નિર્ણય કર્યોકે સવારનુ યુધ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનુ નક્કી કર્યુ. સવાર પડતાજ ઝફરખાને સામેથી હુમલો કર્યો કારણકે તે વધારે સમય લેવા માંગતો ન હતો. જયારે હમીરજી અને સાથીઓએ શિવલીંગને જળથી સ્નાન કરાવીને એકબીજાને છેલ્લા જુહાર કરી અને રણમેદાનમાં ઉતર્યા.

સાંજ પડતા યુધ્ધમાં હમીરજીનુ આખુ શરીર વેતરાઇને લીરા જેવુ થઈ ગયુ છે તેમની માથે એક સામટી દશ તલવાર પડી છતા પણ દુશ્મનોને મચક આપતા નથી. શિવલીંગનું રક્ષણ કરનારએ યોધ્ધો ઢળી પડયો. આમ આ યુધ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ જીત્યુ. ત્યારે આઈ લાખબાઈ ગઢની દેવડીએ ચડીને નિરખી રહ્યા હતા. અને આ શુરવીર યોધ્ધાને બિરદાવતા મરશિયા ગાયા કે,

રડવડિયે રડિયા, પાટણ પારવતી તણા;
કાંકણ કમળ પછે, ભોંય તાહળા ભીમાઉત.

વેળ તુંહારી વીર, આવીને ઉં વાટી નહીં;
હાકમ તણી હમીર, ભેખડ હુતી ભીમાઉત.

સોમૈયાના ગઢની દેવડીએ આઈ લાખબાઈએ એકબાજુ મરશિયા ઉપાડયા હતા. ઇતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે જે જ્યારે સૌરાષ્ટ્રની રાજપુતી રોળાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભેરૂબંધો સાથે સુબા ઝફરખાનની જંગી ફોજ સામે સોમનાથનુ રક્ષણ કરવા ચડ્યા હતા. આમ હમીરજીને તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પુજે છે.

સોમનાથ મંદીરની બહાર વેગડાજીની અને મંદીરના મેદાનમાં બરોબર શિવલીંગની સામેજ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. આવા પ્રતાપી વ્યક્તિત્વની યાદ અને શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળીયો સોમનાથમાં પુજાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments