Saturday, June 10, 2023
Home Story ભારત-પાકિસ્તાનની સરહદે આવેલું ઐતિહાસિક રેલવે સ્ટેશન અને ગામ 'અટારી' : એક મુલાકાત...

ભારત-પાકિસ્તાનની સરહદે આવેલું ઐતિહાસિક રેલવે સ્ટેશન અને ગામ ‘અટારી’ : એક મુલાકાત !

ભારત-પાકિસ્તાનની સરહદે આવેલું ઐતિહાસિક રેલવે સ્ટેશન અને ગામ ‘અટારી’ : એક મુલાકાત

બજરંગી ભાઈજાન, ગડર જેવી ફિલ્મોનું ઐતિહાસિક શૂટિંગ થયેલું તે અટારી ગામ.

અને રેલ્વે સ્ટેશનની મુલાકાત લેવાના ઉત્સાહ સાથે જ પ્રવાસ આરંભ્યો હતો. ઉનાળામાં બરફાચ્છાદિત પહાડો ખેડવા જતાં પહેલા આ વર્ષે એટલે જ અમૃતસર પહોંચી ગયો. 15 મેના દિવસે અમદાવાદ-દિલ્હીની હવાઈ સફર અને ત્યારબાદ અમૃતસરની ટ્રેનનો બધો થાક રાત્રે સુવર્ણ મંદિરની રોશનીએ જ ઉતારી દીધો. મોડી રાત સુધી અહીં યાત્રાધામ ખુલ્લું રહે છે, તે સંપ્રદાયની વ્યવસ્થા ખૂબ ગમી.

ગુજરાતના સોમનાથ જેવા યાત્રાધામને કઇ રીતે વિશ્વ ફલકનું પ્રવાસનધામ બનાવી શકાય તે શીખવા જેવું છે. પગ પખાળવા દ્વારની બહાર વહેતું પાણી તેની અનેક પૈકીની એક વિશેષતા છે. અમૃતસર, વાઘા બોર્ડર જવાનું થાય અને ફટાફટ દિવસ દરમિયાન જ જો સુવર્ણમંદિર નિહાળીને નીકળી જવાય તો તમે ઘણું બધું ગુમાવો છો, કારણ કે રીયલ એટ્રેક્શન ઈઝ લાઈટનિંગ ઓફ ગોલ્ડન ટેમ્પલ.

અટારી ગામ અને રેલ્વે સ્ટેશન ભારત પાકિસ્તાનની સરહદનું સ્થળ છે.

અહીંથી પછી આગળનું સીધું મોટું સ્ટેશન 22 કિલોમીટર દૂર લાહોર છે.

યાદ કરો ગદર એક પ્રેમકથામાં સની દેઓલ વાળું ગીત…એક મોડ આયા, મે એક દિલ છોડ આયા…ગોલ્ડન ટેમ્પલે સફરનો થાક ઉતારી દીધો એટલે સવારમાં જ અમૃતસરથી પંજાબ ટ્રાન્સપોર્ટની સરકારી બસ પકડી લીધી. ઓલા કે કેબર દ્વારા ટેક્સી કરવી કે બાઈક ભાડે લેવા જેવા વિકલ્પો કરતા લોકલ બસ એકદમ અનુકૂળ પડે છે.

અટારીની મુલાકાત સાંજે પૂર્ણ થઈ ત્યારે પસંદ કરેલો આ વિકલ્પ જ શ્રેષ્ઠ અને સસ્તો લાગ્યો. અમૃતસર બસ સ્ટેન્ડથી એક એક કલાકે બસ મળતી રહે છે.જાણે ઘરે બેઠા જ ગંગા તેમ ડાયરેક્ટ અમૃતસર બસ સ્ટેન્ડ ટુ અટારી! બીજે ફાફા મારવા ની કોઈ જરૂર નથી. 9:00 કલાકે ઉપડેલી બસ એક કલાકમાં અટારી પહોંચાડી દે છે.

લોકલ બસ હોવાના કારણે અમૃતસર શહેરને વીંધતા અને વચ્ચે આવતા જતા ગામડાઓનું શાહી દર્શન માણ્યું. 10 વાગ્યે તો બસ અટારીના પાદરમાં પાર્ક થઈ ગઈ.

સરહદી ગામ અને અહીંથી માત્ર 2 કિલોમીટર બોર્ડર એટલે કંઈક અસામાન્ય હશે તેવી કલ્પના ઊંધી વળી ગઈ. અહીં એકદમ સામાન્ય સ્થિતિ છે. તાલુકા સ્તરના ધારી કે સિહોર ગામ જોઈ લ્યો. લોકો હટાણું કરવા નીકળ્યા છે.. યહા પે સબ શાંતિ શાંતિ હૈ.. યહા પે સબ શાંતિ શાંતિ હૈ!

આમ પણ પંજાબ રાજ્યમાં અમૃતસર જીલ્લામાં આવેલો આ તાલુકો જ છે.

બજારો ખુલી ગઈ છે. અટારીમાં આઠેક હજાર જેટલા લોકોની વસ્તી છે અને 1600 જેટલા ખોરડા છે. 2011ની ગણતરી મુજબ સરકારી ચોપડે આવું નોંધાયેલું છે. ઓટોરિક્ષા અને સાઈકલ રીક્ષા બંનેનું ચલણ છે. મને થયું આ પ્રવાસમાં ફ્લાઇટ, ટ્રેન,બસ બાદ હવે સાઇકલ સફરનો સરવાળો કરીએ.

એક ચાચા સામેથી જ પૂછવા આવ્યા અને વધાવી લીધા. બજારમાં પ્રવેશતા પૂર્વે મુખ્ય માર્ગથી 2 કિલોમીટર વાઘા બોર્ડર જઇ શકાય છે અને અંદર 4 કિલોમીટર ગામનું રેલ્વે સ્ટેશન છે.જેવી રીતે ગોલ્ડન ટેમ્પલનું સાચું આકર્ષણ રાત્રીની રોશની છે એવી રીતે વાઘા બોર્ડરનું સાચું આકર્ષણ સાંજની પરેડ છે.

જેનો પ્રવેશ સાંજના 4 વાગ્યા પછી સ્ટેડિયમમાં મળે છે અને અત્યારે તો 10 વાગ્યા છે એટલે બોર્ડર જવાનો કોઈ મતલબ નહીં. ચાચા સાથે સાઈકલ રીક્ષાની સવારીમાં સીધો જ અટારી સે રેલવે સ્ટેશન, જેનો ઉત્સાહ તાજેતરના બજરંગી ભાઈજાન ફિલ્મના કારણે પહેલેથી જ હદયમાં દેડકાની જેમ ડ્રાઉં ડ્રાઉં કરતો હતો.

રેલવે સ્ટેશન 2 રીતે પહોંચાય છે: એક ગામની મુખ્ય બજારમાંથી અને બે વાઘા બોર્ડરના રસ્તે. મે વાઘા બોર્ડર વાળો રસ્તો પસંદ કર્યો. ઉત્સાહ નામનો દેડકો શાંત થયો. આવી પહોંચ્યાં અહીં. બપોર થવા આવી છે, સ્ટેશન સૂમસામ છે. મુખ્ય પ્રવેશદ્વારે ફોટોગ્રાફી કરી. સેલ્ફી તો અંદર જઈને જ લીધી. અહીંથી જવાય રણ તરફ, અહીંથી જવાઈ નદી તરફ..

પંક્તિની જેમ અહીંથી રેલના પાટા જાય પાકિસ્તાન તરફ, અહીંથી રેલના પાટા જાય ભારત તરફ…એક તરફ લાહોર,બીજી તરફ અમૃતસર..વચ્ચે હું અને અટારી રેલવે સ્ટેશન! મન હી દેવતા, મન હી આત્મા, મન સે બડા ન કોઈ.. એ ચંચળ મને તો ઈચ્છા પણ કરી લીધી કે આ પાટે જ ક્યારેક લાહોર પહોંચી પાકિસ્તાનની સ્ટોરીઓ કરવી છે,

રિપોર્ટિંગ કરવું છે. પણ અત્યારે તો વાસ્તવિકતા એ છે કે, હિમાચલની પાર્વતી વેલીના પહાડો ઉપર એક્સપીડિશન માટે કાલે પહોંચવાનું છે. સ્ટેશન ખાલી એટલે બાંકડે મન સાથે ગુપચુપ કરવાની મજા લૂંટી. કદાચ ફિલ્મોના શૂટિંગમાં સલમાનખાન, સનીદેવલ જેવા સિતારાઓને પણ આવી નિરાંત નહીં મળી હોય!

3 પ્લેટફોર્મ ધરાવતું આ રેલવે સ્ટેશન 1862થી કાર્યરત છે.પાકિસ્તાનમાં વાઘા- લાહોર-મુલતાન લાઈન અને ભારતમાં અટારી-અમૃતસર-અંબાલા લાઈન. પાક તરફના પાટે તરત જ નાનું સ્ટેશન 3 કિલોમીટર વાઘા ગામ છે અને મોટું સ્ટેશન 22 કિલોમીટર લાહોર છે. અટારી અને વાઘામાંથી અટારી ભારતને અને વાઘા પાકિસ્તાનને મળ્યા. રાજકારણીઓએ આ રીતે બંને તરફના દિલ પણ મળવા દીધા નથી! બોર્ડરનું નામ વાઘા બોર્ડર રખાયું.

અટારી ગામના સ્પેલિંગ બે રીતે લખાય છે:ATARI અને ATTARI. રેલવે સ્ટેશનનું નામ શ્યામ સિંગ અટારી. શ્યામ સિંગ અટારી વાલા મહારાજા રણજીતસિંહનાં રાજમાં આર્મીના જનરલ હતા. તેમની યાદમાં અટારી રેલવે સ્ટેશનનું નામ રખાયું છે. સ્ટેશનની ફરતી મુલાકાત લીધી તો ગીરમાં આવેલું સાસણ ગામનું રેલ્વે સ્ટેશન સાંભરી આવ્યું. બંનેની સામ્યતા ઘણી છે:શાંતિ,સ્વચ્છતા અને ઓછો ટ્રાફિક નોંધનીય છે.

સાસણ ભાવનગર ડિવિઝનનું અને અટારી ફિરોજપુર ડિવિઝનનું! કેટલાય કિલોમીટર દૂર છતાયે ઘણી બાબતોમાં નજીક! બેથી ત્રણ કલાક આવા સ્થળોએ ગાળવાની મજા પડે, બાકી તો ભાગવાનું જ મન થાય. ધરાઈને ઢમઢોલ થવાય તેમ નહોતું, છતાં ઘડિયાળના કાંટે નીકળી જવાનું થયું. જતા જતા ફરી એક દ્રષ્ટિ પાકિસ્તાન તરફના પાટે ફેંકી લીધી, કે કાશ સમજોતા એક્સપ્રેસની સાથે બંને દેશ વચ્ચે સંવાદિતા પણ દોડતી થાય!

સાઈકલ રીક્ષાવાળા ચાચા પોતાના ઘરે જમીને આવી ગયા હતા. હું પણ થોડું કટક બટક કરી ગોઠવાઈ ગયો. વાઘા બોર્ડર પર ટ્રકોની હારમાળા હતી.13 એપ્રિલ, 2012 થી બંને વચ્ચે ટ્રાન્સપોર્ટેશન શરૂ થતા દૈનિક 5૦૦ જેટલા ટ્રકોની આવનજાવન રહે છે, પરંતુ મને તેમાં રસ ન પડ્યો.

મજા તો પડી ગઈ એ ઐતિહાસિક અટારી રેલવે સ્ટેશનની મુલાકાતમાં. ચાચાએ અટારી ગામ ઉતારી દીધો અને લીધા માત્ર 80 રૂપિયા. પણ મેં તો પૂરી 100ની નોટ જ આપી દીધી. ઉમાશંકર જોશી કહે છે તેમ, મોટાઓની અલ્પતા જોઈ થાક્યો એટલે નાનાઓની મોટાઈ જોઈને જીવું છું.

અટારી રેલવે સ્ટેશનની સફર પૂરી થઈ પણ ત્યાં મારી યાદગીરીનું ત્રીજા ભેગું ચોથું પ્લેટફોર્મ પણ હંમેશ માટે રહેશે..જેનો ટ્રેન વ્યવહાર મારા મનમાં ધબકતો રહેશે..

-જિજ્ઞેષ ઠાકર

RELATED ARTICLES

Most Popular

Recent Comments