ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઈટીયા ગામના વતની રાજુભાઈ રામભાઈ ભુવા ૧૯ વર્ષની ઉંમરથી એટલે કે છેલ્લા નવ વર્ષથી સેનામાં જોડાઈને દેશની સેવા કરે છે તેમને અદમ્ય સાહસ, અનુકરણીય કર્તવ્યનિષ્ઠા બદલ ભારત સરકાર તરફથી સેના મેડલથી સન્માનિત કરી અને ૬ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ દિલ્હી ખાતે નવાજવામાં આવ્યા હતા.

રાજુભાઈ રામભાઈ ભુવા ૬ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ જમ્મુ કશ્મીરના બડગામ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના આતંકવાદીને સાહસવૃતિ સાથે ઠાર કર્યા હતા જે બદલ ભારત સરકાર દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારતમાંથી કુલ ૮૧ લોકોને સેના મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા જેમાં ગુજરાતમાંથી એકમાત્ર રાજુભાઈને આ સન્માન પ્રાપ્ત થયું છે.રાજુભાઈ આર્મીમાં ૧૯ વર્ષની ઉંમરે દેશ સેવા કાજે ભરતી થયા હતા તેઓ હાલ નવ વર્ષથી લાન્સ નાયક તરીકે દેશની સેવા કરી રહ્યા છે.
રાજુભાઈ બ્રિગેટ ઓફ ધ ગાર્ડસ રેજીમેન્ટ બટાલિયનમાં ફરજ બજાવે છે. ઈટીયા ગામના વતની રાજુભાઈ ભુવા ને સેનાના વડા હસ્તક સેના મેડલ થી સન્માનિત થતાં ભાવનગર જિલ્લાના યસકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.