મુંબઈ: ‘ઈન્ડિયન આઈડોલ 11’નો ખિતાબ સની હિન્દુસ્તાનીએ જીત્યો છે. ‘ઈન્ડિયન આઈડોલ 11’ના ગ્રાન્ડ ફાઈનલમાં સંગીતના પાંચ મહારથીઓ વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. જેમાં સની હિન્દુસ્તાનીએ મેદાન માર્યું હતું.
સની હિન્દુસ્તાનીને ઈનામમાં ટ્રોફી સાથે 25 લાખ રૂપિયા અને એક કાર આપવામાં આવી હતી. આ ઉપરાંત સનીને હિમેશ રેશમિયાની આગામી ફિલ્મમાં ગીત ગાવાની તક પણ આપવામાં આવી છે.
ભટિંડામાં રોડના કિનારે અને પ્લેટફોર્મ પર બૂટ પોલીશ કરીને પરિવારનું ગુજરાન ચલાવનાર સની હિન્દુસ્તાનીએ સાબિત કરી દીધું છે કે જો ઈરાદા મુજબૂત હોય તો કંઈ પણ અશક્ય નથી. સનીની માતા ફુગ્ગા વેચવાનું કામ કરે છે અને સનીએ ક્યારેય સંગીતની તાલીમ લીધી નથી.
આ શોમાં ફર્સ્ટ રનર-અપ રહેલાં રોહિત રાઉત અને ત્રીજા નંબર રહેલી અકોના મુખરજીને 5-5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. જ્યારે ચોથા અને પાંચમાં નંબર પર રહેલાં કન્ટેસ્ટન્ટને ત્રણ-ત્રણ લાખ રૂપિયાની રાશિ આપવામાં આવી હતી.
‘ઈન્ડિયન આઈડોલ 11’ના વિજેતા સની હિન્દુસ્તાનીના અવાજના આજે લાખો ચાહકો બની ગયા છે. શોમાં આવતા પહેલાં સનીની લાઈફ સરળ નહોતી. નાની ઉંમરમાં તેણે પોતાની જિંદગીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. ભટિંગાનો રહેવાશી સની હિન્દુસ્તાની રોડના કિનારે અને રેલ્વે પ્લેટફોર્મ પર જૂતા પોલીશનું કામ કરતો હતો. જ્યારે સનીની માતા રોડ પર ફુગ્ગા વેચે છે.
સની હિન્દુસ્તાનીએ ક્યારેય સંગીતની શિક્ષણ લીધું નથી. તેણે ગીત સાંભળીને સંગીત શીખ્યું હતું. તેને ગાવાનો શોખ નાની ઉંમરથી લાગ્યો હતો. તે જ્યારે ખૂબ નાનો હતો ત્યારે તેણે પહેલી વખત નુસરત ફતેહ અલીખાનનું ગીત ‘વો હટા રહે હૈ પરદા’ એક દરગાહમાં સાંભળ્યું હતું. આ ગીત સાંભળીને તે રડવા લાગ્યો હતો. બસ અહીંથી તેને ગાયનનો ચસ્કો લાગ્યો હતો.
ત્યાર પછી સની હિન્દુસ્તાનીએ નુસરત ફતેહ અલી ખાન સહિત અનેક સિંગરના ગીતો ગાવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર પછી તેણે સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું હતું. અને લોકોને તેનો અવાજ ખૂબ પસંદ આવવા લાગ્યો હતો. ત્યાર પછી તેણે ‘ઈન્ડિયન આઈડોલ 11’માં ભાગ લીધો હતો.
સની હિન્દુસ્તાનીને પહેલો બ્રેક ઈમરાન હાશમીની ફિલ્મ ‘ધ બોડી’માં મળ્યો હતો. સની હિન્દુસ્તાની ‘ઈન્ડિયન આઈડોલ’ના સફર દરમિયાન જ કંગના રનાવતની ફિલ્મ ‘પંગા’ માટે ગીત ગાઈ ચૂક્યો છે. તેણે શંકર મહાદેવન સાથે ગીત ગાયું હતું, જેને જાવેદ અખ્તરે લખ્યું હતું.