ભારતીય નૌકાદળના ઈતિહાસમાં પહેલી વખત બે મહિલા અધિકારી..
સબલેફ્ટિનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટિનન્ટ રીતિ સિંહને વોરશિપ પર તહેનાત કરવામાં આવશે.
આ બન્નેની હેલિકોપ્ટર સ્ટ્રીમમાં ઓબ્જર્વર (એરબોર્ન ટેક્નિશિયન)ના પદમાં સામેલ કરવા માટે પસંદગી કરાઈ છે.
તો આ તરફ અંબાલામાં ભારતીય વાયુસેનાના રાફેલ સ્ક્વોડ્રનને પહેલી મહિલા ફાઈટર પાયલટ ટૂંક સમયમાં મળી જશે.
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ પ્રમાણે, વાયુસેનાની 10 મહિલા ફાઇટર પાયલટ ટ્રેનિંગ લઈ રહી છે, જેમાંથી એક 17 સ્ક્વોડ્રન સાથે રાફેલ જેટ ઉડાવશે.
10 સપ્ટેમ્બરે 5 રાફેલ જેટને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યાં છે. ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ જેટ ખરીદ્યાં છે,
જેમાં પાંચ ભારત આવી ચૂક્યાં છે, બાકી 2021નાં અંત સુધીમાં ભારતીય વાયુસેનાનો હિસ્સો બનશે.
17 અધિકારીને વિંગ્સથી સન્માનિત કરાયા
સબ લેફ્ટિનન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટિનન્ટ રીતિ સિંહ અધિકારી નૌકાદળના એ 17 અધિકારીના ગ્રુપનો હિસ્સો છે,
જેમાં ચાર મહિલા અધિકારી સામેલ છે અને ત્રણ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારી સામેલ છે, જેમને શોર્ટ સર્વિસ કમિશન બેચના અધિકારી તરીકે INS ગરુડ કોચ્ચીમાં સોમવારે યોજાયેલા એક સમારોહમાં ‘ઓબ્જર્વર’તરીકે સ્નાતક થવા અંગે ‘વિંગ્સ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રોગ્રામમાં રિયર એડમિરલ એન્ટની જ્યોર્જે કહ્યું હતું કે આ એક ઐતિહાસિક અવસર છે, જેમાં પહેલી વખત મહિલાઓને હેલિકોપ્ટર ઓપરેશનની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
91માં રેગ્યુલર કોર્સ અને 22માં SSC ઓબ્જર્વર કોર્સના અધિકારીઓને એર નેવિગેશન, ફ્લાઈંગ પ્રોસીઝર, એર વોરફેરમાં દાવપેચ, એન્ટી-સબમરીન વોરફેરની ટ્રેનિંગ આપવામાં આવી હતી.