Monday, March 27, 2023
Home Ajab Gajab બીમારીએ ઈરફાનનો પીછો છોડ્યો નહીં અને માત્ર 53 વર્ષની વયે જ એણે...

બીમારીએ ઈરફાનનો પીછો છોડ્યો નહીં અને માત્ર 53 વર્ષની વયે જ એણે આપણને અલવિદા કહી દીધું…જાણો ! કેટલીક વાતો…

વર્લ્ડ સિનેમામાં ભારતનો ચહેરો ગણાતા અત્યંત ઉમદા અભિનેતા ઈરફાન ખાને 53 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. ઈરફાન છેલ્લાં બે વર્ષથી ન્યૂરોએન્ડોક્રાઈન કેન્સર સામે જંગ લડી રહ્યા હતા.

છેલ્લે કોલોન ઈન્ફેક્શનને કારણે તેને મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લંડન ખાતે કેન્સરની સફળ સારવાર કરાવ્યા બાદ ઈરફાને ‘અંગ્રેઝી મીડિયમ’ ફિલ્મનું શૂટિંગ પણ પૂરું કર્યું હતું. આ ફિલ્મ લૉકડાઉનના થોડા દિવસ પહેલાં જ રિલીઝ થઈ હતી. કમનસીબે આ ફિલ્મ ઈરફાનની છેલ્લી ફિલ્મ બની રહી.
ભારતમાં સૌથી સશક્ત અભિનેતાઓમાં શુમાર થતા ઈરફાનનો જન્મ જયપુરમાં થયો હતો.

દિલ્હી ખાતે ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’માંથી પાસ થયા બાદ ઈરફાને મુંબઈની વાટ પકડી.

ઈરફાનની અભિનય કારકિર્દીની શરૂઆત ટેલિવિઝનથી થયેલી. શરૂઆતના ગાળામાં ઈરફાને ચાણક્ય, ભારત એક ખોજ, બનેગી અપની બાત, ચંદ્રકાન્તા, સ્ટાર બેસ્ટસેલર્સ જેવી ઘણી ટેલિવિઝન સિરિયલોમાં કામ કરેલું.


ઈરફાનનો જન્મ જ કદાચ ભારતીય સિનેમાને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા માટે થયો હશે. કેમ કે, મોટા પડદે તેમની કારકિર્દીની પહેલી જ ફિલ્મ મીરાં નાયરની ‘સલામ બોમ્બે’ સીધી ઓસ્કરમાં ‘બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મ’ તરીકે નોમિનેટ થઈ હતી.


ત્યાર પછી પણ જોકે ઈરફાનને નાના મોટા રોલ કરીને જ સંતોષ માનવો પડેલો. તેમાં ધ વૉરિયર, એક ડોક્ટર કી મૌત, બડા દિન, કસૂર, કાલી સલવાર, ગુનાહ જેવી ફિલ્મો એમણે કરી.


પરંતુ ઈરફાનને સૌથી મોટો અને સૌથી દમદાર બ્રેક મળ્યો તિગ્માંશુ ધુલિયાની 2003માં આવેલી ફિલ્મ હાસિલથી. આ ફિલ્મમાં એમનું ‘રણવિજય સિંહ’નું પાત્ર ખૂબ જ વખણાયું અને ભારતીય સિનેમાને એક પર્ફેક્ટ એક્ટર મળ્યાની પુષ્ટિ થઈ.


એ જ વર્ષે વિશાલ ભારદ્વાજની શેક્સપિયરના ‘મેકબેથ’ પરથી બનેલી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘મકબૂલ’ની મુખ્ય ભૂમિકાએ ઈરફાનની શ્રેષ્ઠ અભિનેતા તરીકેની છબિ ઓર મજબૂત કરી.

ઈરફાને એ પછી રોગ, ચરસ, ચોકલેટ, આન, સાડે સાત ફેરે, યૂં હોતા તો ક્યા હોતા, લાઈફ ઈન અ મેટ્રો જેવી ઘણી ફિલ્મો કરી, જેમાંની ઘણી બોક્સ ઓફિસ પર ધાર્યો બિઝનેસ ન કરી શકી, પરંતુ તેમાંની એકેય ફિલ્મમાં ઈરફાનની એક્ટિંગમાં સહેજ પણ કચાશ નહોતી જોવા મળી.‘સૈનિકુડુ’ નામની તેલુગુ ફિલ્મમાં પણ એમણે સુપરસ્ટાર મહેશ બાબુ સાથે એક નાનકડી ભૂમિકા કરેલી.


ઈરફાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી પાછી પ્રચંડ નામના અપાવી મીરાં નાયરની ‘નેમસેક’ અને પોણો ડઝન ઓસ્કર જીતી જનારી ડેનિ બોયલની ફિલ્મ સ્લમડોગ મિલ્યનેરે.

2012નું વર્ષ ઈરફાન માટે સૌથી સરસ રહેલું. તિગ્માંશુ ધુલિયાની ‘પાન સિંહ તોમર’એ ઈરફાનને બેસ્ટ એક્ટરનો નેશનલ અવોર્ડ અપાવ્યો, તો બીજી તરફ એની બેક ટુ બેક બે હોલિવૂડ ફિલ્મો લાઈફ ઓફ પાઈ અને ધ અમેઝિંગ સ્પાઈડર મેન રિલીઝ થઈ અને સુપરહિટ ગઈ. ત્રણ વર્ષ બાદ એમણે ફરી પાછું હોલિવૂડની જુરાસિક વર્લ્ડમાં અને એ પછી ઈન્ફર્નોમાં પણ કામ કરેલું.

ઓમ પુરી, નસિરુદ્દીન શાહ, અનુપમ ખેર પછી ઈરફાન ખાન એવું નામ હતું જેણે ભારતના સીમાડા વટાવીને હૉલિવૂડ અને ઈન્ટરનેશનલ સિનેમામાં પણ પોતાની નક્કર છબિ બનાવી.

ઘર આંગણે ઈરફાને મુંબઈ મેરી જાન, બિલ્લુ, ધ લંચબોક્સ, હૈદર, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર, પીકુ, તલવાર, કિસ્સા, હિન્દી મીડિયમ, કરીબ કરીબ સિંગલ, કારવાં જેવી ફિલ્મોમાં ફરી ફરીને પોતાની અદ્વિતીય અદાકારીનું પુનરાવર્તન કર્યું.
1995માં ઈરફાને પોતાની સાથી NSD ગ્રેજ્યુએટ સુતપા સિકદાર સાથે લગ્ન કરેલાં. બંનેને બે દીકરા બાબિલ અને અયાન છે.

ભારત સરકારે પણ 2011માં ઈરફાનને પદ્મશ્રીથી નવાજ્યા હતા. તમામ પ્રકારની અદાયગીમાં પોતાનું કૌવત બતાવનારા ઈરફાનને 2018માં ન્યૂરો એન્ડોક્રાઈન નામના દુર્લભ કેન્સરનું નિદાન થયું.

https://www.hindustantimes.com/rf/image_size_444x250/HT/p2/2020/04/29/Pictures/_4141ca9c-89f5-11ea-804e-137f71f5151d.jpg

તેમાંથી સાજા થઈને તેમણે ‘અંગ્રેઝી મીડિયમ’ ફિલ્મથી પુનરાગમન કર્યું અને એના ચાહકોએ ઈરફાનના કમબેકને દસેય આંગળીએ ઓવારણાં લઈને વધાવી લીધું.

પરંતુ બીમારીએ ઈરફાનનો પીછો છોડ્યો નહીં અને માત્ર 53 વર્ષની વયે જ એણે આપણને અલવિદા કહી દીધું.
સિનેમા જગતમાં ઈરફાન ખાનનું ચિરકાલીન યોગદાન હંમેશ માટે યાદ રહેશે. ઈશ્વર એમના આત્માને જન્નત બક્ષે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments