તાજ ખાતે ઇવાન્કા પતિ જેરેડ કુશનર સાથે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ અને દીકરી ઇવાન્કા અને જમાઈ જેરેડ કુશનરે સોમવારે તાજમહેલના દીદાર કર્યા હતા.
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ, દીકરી ઇવાન્કા ટ્રમ્પ અને જમાઇ જેરેડ કુશનર સોમવારે ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે આવેલા તાજમહેલના દીદાર કરવા પહોંચ્યાં હતાં.
આ દરમિયાન ટ્રમ્પની દીકરી ઇવાન્કાને તેમના ગાઇડ કમલકાંતે તાજમહેલ વિશે જાણકારી આપી હતી. તાજના દીદાર માટે પહોંચેલી ઇવાન્કાએ તેમના ગાઇડને અનેક સવાલ પૂછ્યા હતા. તેમણે પૂછ્યું કે શું શાહજહાંએ સાચે જ તાજમહેલ બનાવ્યા બાદ કારીગરોના હાથ કપાવી નાખ્યા હતા?
આ અંગે તમણે જણાવ્યું હતું કે આ વાત ખોટી છે. શાહજહાંએ કારીગરોના હાથ કપાવ્યાં ન હતાં પરંતુ એવું વચન માંગ્યું હતું કે હવે તેઓ કામ નહીં કરે. જે બાદમાં તેમને આજીવન પગાર આપવામાં આવ્યો હતો.
ઇવાન્કાએ કમલકાંતને પૂછ્યું કે મુમતાઝનું નિધન કેવી રીતે થયું? તેના જવાબમાં ગાઇડે જણાવ્યું કે તેમનું મોત 14મા બાળકને જન્મ આપતી વખતે થયું હતું. જેના પર ઇવાન્કાએ ફરીથી સવાલ પૂછ્યો કે સાચે જ? કમલકાંતે કહ્યું કે, હા, આ વાત સાચી છે.
તાજ મહેલની મુલાકાત બાદ ઇવાન્કાએ ટ્વિટ કર્યું કે, “તાજમહેલની ભવ્યતા અને સુંદરતા વિસ્યમકારી છે.” ઇવાન્કાએ પોતાના પતિ જેરેડ કુશનર સાથે ડાયના બેંચ પર તસવીર પણ ક્લિક કરાવી હતી.
ટ્રમ્પે પૂછ્યા અનેક સવાલ
ઇવાન્કાની જેમ તેમના પિતા ડોનાલ્ડ ટ્રમ્પ અને માતા મેલાનિયા ટ્રમ્પે પણ તેમના ગાઇડ નીતિનસિંહને અનેક સવાલ પૂછ્યા હતા. ટ્રમ્પે પૂછ્યું હતું કે તાજમહેલ કોણ બંધાવ્યો હતો. જેના પર જવાબ મળ્યો હતો કે મુગલ બાદશાહ શાહજહાંએ બેગમ મુમતાઝની યાદમાં બનાવ્યો હતો.
તાજમહેલ બનાવનાર કારીગરો અંગેના સવાલ અંગે નીતિને ટ્રમ્પને કહ્યું કે, કારીગરો દેશભરમાંથી આવ્યા હતા. આ લોકો સંગેમરમરની ઇમારતો બનાવવા માટે જાણીતા હતા.
ટ્રમ્પે પોતાની પત્ની મેલાનિયા સાથે તાજમહેલ ખાતે સુપ્રસિદ્ધ ડાયના બેંચ પર બેસીને તસવીર ક્લિક કરાવી હતી. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ પોતાની પત્ની સાથે આ બેંચ પર તસવીર ક્લિક કરાવી હોય. ટ્રમ્પની દીકરી ઇવાન્કાએ પોતાના પતિ સાથે ડાયના બેંચ પાસે તસવીર ક્લિક કરાવી હતી. ટ્રમ્પ અને તેનો પરિવાર લગભગ એક કલાક સુધી તાજમહેલ ખાતે રહ્યો હતો.