જયપુર: મોટા ધડાકા સાથે બોમ્બ જેવા આકારની વસ્તુ આકાશમાંથી પડી અને જમીનમાં એક ફૂટ અંદર ધસી ગઈ. આ ધડાકાનો અવાજ 2 કિ.મી. સુધી સંભળાયો હતો..
આ એક ઉલ્કા પિંડ હતું, જેની એક મશીનથી તપાસ કરવામાં આવતા તેની કિંમત કરોડોમાં હોઈ શકે તેમ સામે આવ્યું છે. ઉલ્કાઓના જે અંશ વાયુમંડળમાં બળી જવાથી બચી પૃથ્વી સુધી પહોંચે છે તેને ઉલ્કાપિંડ કહેવાય છે.
રોજ રાતે મોટી સંખ્યામાં ઉલ્કાપિંડ જોઈ શકાય છે, પરંતુ તેમાંથી ઘણી ઓછી સંખ્યામાં ઉલ્કાપિંડ પૃથ્વી પર પડે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમનું ઘણું મહત્ત્વ રહે છે. એક તો તે ઘણા દુર્લભ હોય છે, બીજું આકાશમાં વિહાર કરતા વિવિધ ગ્રહો સહિતના સંગઠન અને સંરચના અંગે જ્ઞાન મેળવવાનું પ્રત્યક્ષ સ્ત્રોત આ ઉલ્કાપિંડ જ હોય છે.
જાલોર જિલ્લાના સાંચોર શહેરમાં શુક્રવારે સવારે અંદાજે 6.15 કલાકે આકાશમાંથી બોમ્બ જેવી વસ્તુ ધડાકાભેર પડતા લોકોમાં ભય પ્રસરી ગયો હતો. આકાશમાંથી પડ્યાના 3 કલાક બાદ પણ આ ઉલ્કાપિંડ ગરમ હતું. ઉલકાપિંડના કારણે જમીનમાં એક ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આકાશમાંથી ઘણીવાર એક બાજુએથી બીજી બાજુ જતા અથવા પૃથ્વી પર પડતા જે પિંડ જોવા મળે છે,
તેમને ઉલ્કા કે ખરતા તારા તરીકે ઓળખવામાં આવે છે. ટીમે પહોંચી ધાતુને કબજામાં લઈ તેની તપાસ કરતા આ ધાતુનું વજન 2 કિલો 788 ગ્રામ હોવાનું સામે આવ્યું.
આ ધાતુની કોમ્પ્યુટર અને મશીનથી તપાસ કરવામાં આવી તો તેના લેયરમાં ધાતુની માત્ર પ્લેટીનમ 0.05 ગ્રામ, નાયોબિયમ 0.01 ગ્રામ, જર્મેનિયમ 0.02 ગ્રામ, આયરન 85.86 ગ્રામ, કેડમિયમનું પ્રમાણ 0.01 ગ્રામ, નિકલ 10.23 ગ્રામ હોવાનું સામે આવ્યું, આ અંગે કોમ્પ્યુટર ટેસ્ટિંગ ડિરેક્ટર શૈતનસિંહ કારોલાએ કહ્યું કે, ઉલ્કાપિંડના લેયરની તપાસ કરાતા તેમાં રહેલા 5-6 ધાતુઓ અંગે જાણ થઈ,
જેમાં પ્લેટિનમ સૌથી કિંમતી છે. પ્લેટિનમનો ભાવ 5-6 હજાર પ્રતિગ્રામ છે. જો તેની તપાસ કરવા પર અંદર પણ આ જ પ્રકારનું મટેરિયલ નીકળે તો તેની કિંમત કરોડોમાં હોઈ શકે છે.