રિક્ષાચાલક છેલ્લાં આઠ વર્ષથી કરે છે વિનામૂલ્યે જળસેવા
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સિપોર ગામના એક રિક્ષાચાલક તેમની રિક્ષામાં પાણીની ટાંકી ફિટ કરી મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને હિંમતનગર જ્યાં વર્ધી મળે ત્યાં બારેમાસ મીનરલ, બરફ કે પછી સાદું પાણી પીવડાવી વિનામૂલ્યે લોકોની તરસ છિપાવે છે..
જળસેવા કરી પુણ્યનું ભાથું કમાઇ રહ્યા છે. ગુજરાતી ફિલ્મ મા-બાપમાં અવિનાશ વ્યાસ રચિત અને ફિલ્મ કલાકાર અસરાની પર ફિલ્માવેલું ગીત હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબરવાળો અમદાવાદ બતાવું ચાલો…ને યાદ અપાવે એવું કામ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સિપોર ગામના રિક્ષાચાલક દિલીપભાઇ જયંતીભાઇ રાવલ (ઉં.વ.56) કરી રહ્યા છે.
પરિવારમાં પત્ની અને ત્રણ દીકરી અને એક દિકરાને વેલસેટ કર્યા પછી પણ રિક્ષા દ્વારા ગુજરાન ચલાવતાં તેમણે રિક્ષામાં પાણીની ટાંકી ફીટ કરી મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને હિંમતનગર જ્યાં વર્ધી મળે ત્યાં બારેમાસુ પાણી પીવડાવી વિનામૂલ્યે લોકોની તરસ છીપાવી જળસેવા કરી પૂણ્યનું ભાથું કમાઇ રહ્યા છે.
આ અંગે દિલીપભાઇએ જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં પાણી માટે વલખાં મારતાં લોકોને જોઇ મનમાં થઇ આવ્યું કે, શા માટે રિક્ષાને જ પરબ બનાવી દઉં આથી રિક્ષાના પાછળના ભારે 100 લીટર પાણી સમાય તેવી ટાંકી ફિટ કરી છે.
અને બે પાછળ અને એક ડ્રાઇવર સીટની બાજુમાં એમ ત્રણ નળ મૂક્યા છે. 2012થી શરૂ કરેલી આ સેવા આજે પણ અવિરતપણે ચાલી રહી છે. ઉનાળામાં પાણીની જરૂર વધુ રહે છે. દિવસમાં 500 લીટર પાણી લોકો પીવે છે.
જ્યારે ચોમાસા, શિયાળામાં તેનાથી અડધું પાણી વપરાય છે. મિનરલ વોટર મળે તો પ્રથમ તેનો આગ્રહ રાખું છુ. નહીતર બરફનું ઠંડું પાણી અને અંતરિયાળ વિસ્તારમાં પાણી ખલાસ થઇ જાય તો શુધ્ધ સાદુ પાણી ટાંકીમાં ભરૂ છું. આ સેવાથી મને ખુબ આત્મસંતોષ મળી રહ્યો છે.
આત્મનિર્ભર પત્ની સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલાં છે
દિલીપભાઇ રાવલને સંતાનોમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. જેમના લગ્ન કરી દીધા છે. અને વેલસેટ થઇ ગયા છે.
એમના પત્નિ જયાબેન સુરતમાં હિરાના વ્યવસાય સાથે સંકળાઈ નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.