કાલુપુરમાં સામાન્ય ટ્રેન, મેટ્રો ટ્રેન તેમજ બુલેટ ટ્રેન માટેનું સ્ટેશન બનશે
157 વર્ષ પહેલાં કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલી ટ્રેન ઉપડી હતી જે સુરત સુધીની હતી.મુસાફરો બીઆરટીએસ, એસટી સ્ટેન્ડ તેમજ એરપોર્ટથી કનેક્ટ રહી શકે એ માટે આ પ્લાનિંગ કરાયું..
ગુજરાતનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટેશન હબ છે કાલુપુર, અહીં એસટી સ્ટેશન, રેલવે સ્ટેશન, રિક્ષા સ્ટેશનની સુવિધા ઉપલ્બ્ધ.
ભારત ભરમાંથી અમદાવાદ આવતા લોકો માટેનું એક સેન્ટર પોઈન્ટ કહેવાતું 157 વર્ષ જૂનું કાલુપુર રેલવે સ્ટેશન, જ્યાં અનેક બજારો અને ભરચક વિસ્તારમાં આવેલું આ સ્ટેશન આગામી દિવસોમાં દેશનું એક એવું ટ્રાન્સપોર્ટેશન હબ બની જશે,
જ્યાં ત્રણ પ્રકારનાં સ્ટેશન બનાવવામાં આવશે. પ્લેટફોર્મ 11થી 12 વચ્ચેનું બુલેટ ટ્રેન સ્ટેશન 20 મીટર ઊંચા થાંભલા પર બનાવવામાં આવશે.
જ્યારે રેલવે સ્ટેશન ડાઉનસ્ટ્રીમ પરના પુનર્વિકાસના ભાગ રૂપે તૈયાર થઈ જશે અને ત્યાંથી ટ્રેનો ચલાવવામાં આવશે. અહીં મેટ્રો કામગીરી પણ ચાલી રહી છે
અને જમીનથી 20 મીટર નીચે એક મેટ્રો સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. આ રીતે કાલુપુર એકમાત્ર સ્ટેશન હશે,
જ્યાં સામાન્ય રેલવે, મેટ્રો અને બુલેટ ટ્રેન સ્ટેશન હશે.
બુલેટ ટ્રેન કાલુપુર-સાબરમતી સ્ટેશન પરથી દોડતી જોવા મળશે નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અનુસાર, બુલેટ ટ્રેન માટે કોઈ અલગથી સ્ટેશન બનાવવામાં નહીં આવે.
આ ટ્રેન કાલુપુર તેમજ સાબરમતી સ્ટેશન પરથી દોડતી જોવા મળશે. આ નિર્ણયથી મુસાફરોને અવરજવરમાં સરળતા થશે. મુસાફરો બીઆરટીએસ, એસટી સ્ટેન્ડ તેમજ એરપોર્ટથી કનેક્ટ રહી શકે.
એ માટે આ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્ટેશનની ડિઝાઈન તેમજ કંસ્ટ્રક્શનની કામગીરીની સોંપણી માટે બીડ્સ મગાવાયાં છે.
NHSRCLએ ગત મહિને જણાવ્યું હતું કે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનાં કુલ 12 સ્ટેશન બનશે, જેમાંથી સુરત, વાપી, બીલીમોરા, ભરૂચ અને નડિયાદ એમ 5 સ્ટેશન માટેનાં ટેક્નિકલ બીડ્સ ખોલવામાં આવ્યાં છે,
જ્યારે અમદાવાદમાં કાલુપુરમાં બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન સરસપુર તરફ તૈયાર કરવામાં આવશે.