શું ઠંડીના કારણે 10 મિનિટમાં જ કોઈનો જીવ જઈ શકે?
જો આપણા શરીરથી ઠંડી સહન ન થાય તો એ કયા સંકેત આપે છે?
ઠંડીમાં શરીર ધ્રુજે તો સારું કહેવાય કે ચિંતા કરવી જોઈએ?
‘કુદરતી સેન્સર’ શરીરનું કેવી રીતે રક્ષણ કરે છે? સેન્સર આમ તો ટેક્નિકલ અને આધુનિક શબ્દ છે. પરંતુ કુદરતે આપણા શરીરમાં ઘણાં ‘સેન્સર’ મૂક્યાં છે. ઠંડી, ગરમી, રંગ, ગંધ, સ્પર્શ, સ્વાદ જેવી ઘણી બધી બાબતો આપણે આ જ સેન્સરની મદદથી અનુભવી શકીએ છીએ. આ સાથે જ એક કૂલિંગ સિસ્ટમ પણ કુદરતે આપણને બક્ષી છે, જે આપણા શરીરનું તાપમાન નિયંત્રિત રાખે છે. આપણા શરીરનું સામાન્ય તાપમાન 98.6 ડિગ્રી ફેરનહીટ કે પછી 37 ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે. કોઈ વ્યક્તિ રણપ્રદેશમાં રહે કે પછી હિમવર્ષાવાળા પ્રદેશમાં હોય, બાળકથી લઈને વૃદ્ધ સુધીના લોકો હોય, આપણા શરીરની બનાવટ જ એવી છે કે બધા જ લોકોનું આંતરિક તાપમાન લગભગ એકસરખું જ રહેતું હોય છે. કુદરતી કૂલિંગ સિસ્ટમના કારણે શરીરની અંદરના તાપમાનમાં કોઈ મોટો ફેર પડતો નથી. પરંતુ ઠંડી

બહારના તાપમાન સામે શરીર કેવી રીતે લડે છે? જ્યારે આપણને ઠંડી લાગે ત્યારે ચામડીમાં રહેલાં નર્વ સેલ્સ (Nerve Cells) આપણા મગજને સિગ્નલ મોકલે છે. નર્વ સેલ્સ દ્વારા આપવામાં આવેલી જાણકારી પર આપણું મગજ બે પ્રકારે પ્રતિક્રિયા આપે છે. સૌથી પહેલાં તો રક્તવાહિનીઓને કડક કરી નાખે છે, જેથી લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય અને આ ઠંડી બાકીના ભાગમાં ફેલાઈ ન શકે. જો ઠંડી ખૂબ વધારે હોય, તો બીજો વિકલ્પ આવે છે માંસપેશિયોમાં ધ્રુજારી. અંગ્રેજીમાં કહીએ તો કંટ્રેક્શન અને રિલેક્શન. શરીરમાં ધ્રુજારીના કારણે ઊર્જા ઉત્પન્ન થાય છે, એટલે આ ગરમીના લીધે શરીરનું તાપમાન કાબૂમાં આવી શકે છે.

અસહ્ય ઠંડી કેવી રીતે જોખમી બને?
જો શરીરની ધ્રુજારીથી પેદા થયેલી ગરમી બાદ પણ શરીરની અંદરનું તાપમાન કાબૂમાં ન આવે, 90 ડિગ્રી ફેરનહીટ કે 32 ડિગ્રી સેલ્સિયસની નીચે જ રહે તો તેને હાઈપોથર્મિયા કહેવાય. આ સ્થિતિ જીવલેણ બની શકે છે. જો શરીરનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય તો વ્યક્તિ જીવ પણ ગુમાવી શકે છે. શરીરના તાપમાનમાં આવેલા ઘટાડાના કારણે મહત્ત્વનાં અંગો કામ કરવાનું બંધ કરી શકે છે’
જ્યારે ઠંડી વધારે હોય ત્યારે હાર્ટએટેક તેમજ કાર્ડિયાક અરેસ્ટ થવાની સંભાવના ખૂબ વધી જાય છે. ગુજરાતમાં હાલમાં કોલ્ડવેવ છે. રાજકોટમાં આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ જીવ ગુમાવ્યો એ કિસ્સામાં પણ કંઈક આવું જ બન્યું હોઈ શકે છે. પહેલાં આવી ઘટનાઓ ઘરડા લોકોમાં જોવા મળતી હતી, પરંતુ કોરોનાકાળ બાદ યુવાનો અને બાળકો પણ ભોગ બની રહ્યાં છે.. આવા સમયે બેભાન થઈને જમીન પર પડી જવાની સંભાવના રહેતી હોય છે.

અસહ્ય ઠંડીના કારણે શરીરમાં ધ્રુજારી તેમજ રૂવાંડાં ઊભાં થઈ જવાં એ તો એક મોટા સંકેત છે જ. આ સિવાય પણ શિયાળામાં શરીર વધુ પડતી ઠંડીના કારણે કેટલાક સંકેતો આપે છે.
વારંવાર પેશાબ કરવા જવું પડે
ચામડી કડક બની સફેદ થવા લાગે
ગળું, નાક, આંગળીઓમાં લોહીનું ભ્રમણ ઓછું થાય
શરીર પર લાલ ચાઠા દેખાય
ઠંડી હવા કેમ બને છે ઘાતક?
આપણી શ્વસનક્રિયા દરમિયાન નાક મારફતે હવા સીધી જ ફેફસાં સુધી પહોંચે છે. વધુ પડતી ઠંડીમાં ફેફસાંમાં પહોંચતી હવા શરીરના તાપમાનમાં અચાનક જ ફેરફાર લાવી દે છે. શરીરના આંતરિક ભાગમાં ફેલાયેલી ઠંડીનું પ્રમાણ વધું હોય તો ચિંતાનું કારણ બની શકે છે.
શરીરમાં આવતા આવા ફેરફાર પર ધ્યાન આપવું જરૂરી છે, નહીં તો મુશ્કેલી વધી શકે છે.

કોને વધારે ઠંડી લાગે?, પુરુષો કે મહિલાઓને?
એક ધારણા એવી પણ છે કે મહિલાઓને પુરુષો કરતાં વધારે ઠંડી લાગતી હોય છે. પરંતુ ડૉક્ટર મુકેશ મહેશ્વરી આ વાતથી ઈન્કાર કરે છે. તેમણે કહ્યું કે મહિલાઓને પુરુષોની સરખામણીએ વધુ ઠંડી લાગે તેના પર વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે સહમત નથી. આપણી રહેણીકહેણી મુજબ મોટાભાગની મહિલાઓને કામ અર્થે ઘરમાં જ રહેવું પડતું હોય છે. તેઓ ઘણી વખત શિયાળામાં સૂર્યપ્રકાશ સાથે સંપર્કમાં નથી આવતાં. ઘરનું તાપમાન પણ ઓછું હોય છે. આવા સમયે મહિલાઓને વધારે ઠંડી લાગી શકે છે.