ભાવનગર જિલ્લાનો માલધારી સમાજ હિબકે ચડ્યો : લગ્ન સ્થળે મામેરૂં ભરાતું હતું અને કન્યાનું હાર્ટએટેકથી મોત, સુભાષનગરમાં જ્યાં લગ્નના રૂડા ગીતો ગવાતા હતા ત્યાં રોકકળ શરૂ થઇ, કોણ કોને છાનું રાખે. પાષાણ હ્યદયના માનવીના કાળજાને પણ કંપાવી દે તેવી કરૂણાંતિકા..

જે કન્યાનું મૃત્યુ થયું તેના જ સગાભાઇની આજે સિહોરમાં જાન આવી હતી, બંને પક્ષે માતમ છવાયો, મૃતક દિકરીની અંતિમ યાત્રા નીકળી
કોઇએ સાચું જ કહ્યું છે, કાળને કોઇ કાળ હોતો નથી, એ ઘડીના છઠ્ઠાભાગમાં ત્રાટકે છે અને ખુશીઓને વેરવિખેર કરી ચાલ્યો જાય છે.

દુર્ભાગ્યે સાર્થક થયેલી આ બાબત આજે ભાવનગરના માલધારી સમાજમાં કરૂણતા રૂપે સર્જાઇ હતી. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલ ભગવાનેશ્વર મહાદેવ મંદિરની સામેના ખાંચામાં ૫૦ વારીયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઇ ભકાભાઇ રાઠોડના આંગણે ગઈકાલે રૂડો લગ્નોત્સવ હતો અને તેમની દિકરી હેતલના લગ્નના ગીતો ગવાતા હતા.

અને મામેરૂં ચાલતુ હતું. પણ ક્રુર કુદરતને કોણ માપી શકે. લગ્નના મંડપમાં કન્યા આવે તે પહેલા જ તે જે રૂમમાં તૈયાર થતી હતી ત્યાં તેને અચાનક તેને ચક્કર આવ્યા અને તે બેભાન થઇ ગઇ અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી જેમાં ફરજ પરના તબીબો એ કહ્યું કે, દિકરીને હાર્ટએટેક આવ્યો છે અને તેનું મૃત્યુ થયુ છે.

ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની પ્રણાલી મુજબ આંગણે આવેલી જાન પાછી ન વળાય માટે સમાજના આગેવાનોની મધ્યસ્થીથી જે દિકરી મૃત્યુ પામી તેની નાની બહેનના લગ્ન પરણવા આવેલા યુવાન સાથે કરવામાં આવ્યા હતા. અને દિકરીની નાની બહેનને કન્યા તરીકે પરણાવાઇ..

નાની બહેનને લગ્નના મંડપમાં બેસાડવામાં આવી હતી અને તેને ચિત્રાથી જે જાન આવી હતી તેના વરરાજા વિશાલ સાથે નાની દિકરીના લગ્ન કરાવવામાં આવ્યા હતા. જીણાભાઇ ભકાભાઇ રાઠોડને ત્રણ દિકરીઓ અને બે દિકરાઓ છે. જેમાંથી એક દિકરીને વિશાલ સાથે લગ્ન મંડપમાં બેસાડી તેના લગ્ન કરાવાયા હતા.

મૃતક દિકરીની અંતિમ યાત્રા નીકળી ; ઘેરા શોકની લાગણી
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં ગઇકાલે લગ્નના દિવસે જ માલધારી પરિવારની દિકરીનું મૃત્યુ થયું અને તેની નાની બહેનને પરણવા આવેલી જાનના વરરાજા સાથે પરણાવવામાં આવી અને આજે બીજા દિવસે મૃતક દિકરીના ભાઇના લગ્નની વિધી જે પૂર્વનિર્ધારીત હતી તે યોજવામાં આવી હતી અને ત્યારબાદ બપોર બાદ મૃતક દિકરીની અંતિમયાત્રા નીકળી હતી. સમગ્ર પંથકમાં અને સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઇ છે. આજે મૃતક દિકરીની અંતિમ યાત્રાનીકળી તે વેળાની દુઃખદ ક્ષણની તસ્વીરો…
