Sunday, December 3, 2023
Home Health હાસ્ય જીવનમાં જરૂરી છે અને હાસ્ય દરેક વ્યક્તિના જીવનમાં મહત્વનો ભાગ ભજવે...

હાસ્ય જીવનમાં જરૂરી છે અને હાસ્ય દરેક વ્યક્તિના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે…

હાસ્ય ઘણીવાર વ્યક્તિને હકારત્મક પણ બનાવી દે છે હસવાથી માણસનું મન પ્રફુલ્લિત બને છે, હસવાથી નીરોગી રહેવાય છે હસવાથી માણસ મોજમાં રહે છે આમ હસવાના ઘણા ફાયદા છે.

પરંતુ એના ગેફાયદા એકપણ નથી આજની આ સ્ટ્રેસફૂલ જિંદગીમાં હસવાની તક ગુમાવી જોઈએ નહીં હસવાથી માણસ પોતાની ચિંતા ભૂલી જાય છે અને સ્વાસ્થ પણ સારું રહે છે.

આપણી જેમ જેમ ઉમર થાય તેમ તેમ આપણે હસવાનું ભૂલતા જઈએ છીએ, હાસ્યથી હાર્ટનું પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેમજ એક તારણમાં જાણવા મળ્યું કે હસવાથી સાંધાના દુખાવા તેમજ કબજીયાતમાં પણ ફાયદો થાય છે.

 

હસવાથી મગજના સ્નાયુ ફ્રી થતાં મન પ્રફુલ્લિત થાય છે. જીવનમાં હાસ્યનું સ્થાન અગ્રેસર છે. કારણ કે હાસ્ય વિનાની જિંદગી નકામી છે. હાસ્યથી તંદુરસ્તી સારી રહે છે. હાસ્ય કોઈ બજારમાં વેચાતું મળતું નથી. જીવનમાં હાસ્યને સ્થાન કેવી રીતે આપવું તે એક આગવી શૈલી છે.

અને તે પણ આપણામાં જ પડેલી છે. પરંતુ આપણે તેનો ઉપયોગ કરતાં નથી. હંમેશા ગમે તેવી કઠિન પરિસસ્થિતિ હોય પરંતુ આપણા જીવનમાંથી હાસ્યનું સ્થાન ગાયબ થઈ જવું જોઈએ નહિ.

 

કહેવાય છે ને કે ‘હસે તેનું ઘર વસે’ હસવાથી આપણું દુઃખ વિસરાઈ જાય છે. હસો અને હસાવો તો સુખી થવાશે. આપણે આપણા પાડોશી, પરિવાર સાથે હસતાં રહીશું અને હસાવતાં રહીશું તો એ જ આપણી ઘેર બેઠાં લાફિંગ ક્લબ જ છે.

આનંદ તો અમૃત કરતાં પણ અધિક મીઠું છે. તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુઃખના વલોણા વડે જ મેળવી શકાય છે. હાસ્ય એ તો કુદરતી ભગવાનની આપેલી બક્ષિસ છે. તેનો અમલ કરવો જોઈએ. Q તમે આખા દિવસમાં કેટલી વખત હસો છો ?

તમારા હાસ્યમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે ? હાસ્ય તો સૌનું છે. સોનાને કદાપિ કાટ લાગતો નથી. તેને જેટલું તપાવો તેટલી ચમક વધારે આપે છે. તેમ તમે પણ હસતાં રહેશો તો ફાયદો તમને જ થશે. હાસ્ય અનેક પ્રકારના હોય છે. ૧. નિર્દોષ, ખિલખિલાટ હાસ્ય : જેમ કે નાનું બાળક જ્યારે હસે છે.

ત્યારે તેમનું હાસ્ય નિર્દોષ જ હોય છે. તેમનાં હાસ્યમાં કોઈપણ પ્રકારની મિલાવટ હોતી નથી. ૨. મંદ મંદ : મનમાં હસવું તે. જેમ કે કોઈની ટીકા થતી હોય કે સારું સાંભળ્યું હોય ત્યારે મંદમંદ હાસ્યની ક્રિયા થાય છે. ૩. લુચ્ચું અને કપટી હાસ્ય : જેમ કે કોઈને દગો કર્યો હોય કે ખોટું કામ કર્યું હોય ત્યારે તે ક્રિયાને છુપાવવા માટેનું જે હાસ્ય હોય છે.

તેને કપટી હાસ્ય કહેવામાં આવે છે. હાસ્યનું ઉત્પત્તિસ્થાન દર્દ છે. દર્દમાંથી જ હાસ્ય ઉત્પન્ન થાય છે. જ્યાં દર્દ છે ત્યાં જ હાસ્ય છે અને જ્યાં હાસ્ય છે ત્યાં દર્દ છે. હાસ્ય મનને શાંત તેમજ પ્રફુલ્લિત રાખે છે. સો દર્દની દવા હાસ્ય છે. હાસ્યથી ગમને-દર્દને ભૂલાવી શકાય છે. હાસ્ય એ વિટામીન-પી(પ્રસન્નતા)ની ગરજ સારે છે.

હસતી વ્યક્તિ નિખાલસ અને નિષ્કપટી હોય છે. આ જમાનામાં માણસ હસવાનું ભૂલી ગયો છે અને રડવાનું શરૂ કરે છે. આંખોમાંથી આંસુ પડે તેને જ રડ્યા કહેવાય એવું નથી. પરંતુ લોકોની આગળ રોદણાં રડવા એ પણ એક રૂદનનો જ પ્રકાર છે. મને પાડોશીઓ સાથે નથી ફાવતું, ઑફિસમાં બોસ સાથે નથી ફાવતું, ઘરમાં સગાંવહાલાં-બૈરી-છોકરા સાથે નથી ફાવતું. ઘરમાં મારી સાથે કોઈ સારું વર્તન નથી કરતું. મારી કોઈને કદર જ નથી. મારે કોઈનો સપોર્ટ જ નથી.

એવી ફરિયાદો કરવામાં માણસ હસવાનું ભૂલી ગયો છે. પુષ્પ પણ સદાયે ખીલેલું જ સારું લાગે છે તેમ વાસી પુષ્પ કે મુરઝાયેલું પુષ્પ ગમતું નથી અને ઈશ્વર પણ તેને સ્વીકાર નથી કરતાં તો પછી આપણાં જીવનરૂપી બાગમાં પણ શા માટે આવા ફૂલને ખીલેલું નહિ રાખવું ?

શા માટે વાસી પુષ્પનો સંગ્રહ કરીને આવા અમૂલ્ય જીવનરૂપી બાગને ઉજ્જડ વેરાન કરવો ? હવે તમે વિચાર કરો કે તમારે શું કરવાનું છે અને શું તેમજ કેટલું ને કેવી રીતે કરી શકો છો. હાસ્ય તો ભલભલા ભડવીરનો પણ ગુસ્સો શાંત કરીને હસતાં હસતાં જીવતા શીખવાડી દે છે.

મુક્ત હાસ્ય એક એવી જડીબુટ્ટી છે જે આપણા શરીરને જ નહિ પણ મનને અને બુદ્ધિને પણ તાજગી અને તંદુરસ્તી આપે છે. આપણને એમ થશે કે હાસ્ય બીજા શેમાંથી ઉત્પન્ન થાય છે ? હાસ્ય તો રમૂજી તૂચકામાંથી, રમૂજી કવિતામાંથી, કાર્ટૂનમાંથી, હાસ્યરસિક લેખ-વાર્તા કે નાટક કે ફિલ્મમાંથી પણ મળી રહે છે.

તમે હાસ્યરસિક નાટકો જોયાં છે ? ના જોયા હોય તો જોજો. તમે હસી હસીને લોથપોથ થઈ જશો. જેવા કે ‘૧૦૨ નોટ આઉટ’ ‘અમે બહુ ડાહ્યા વગર પાણીએ નાહ્યા’ ‘પારકાં બૈરાં સૌને ગમે’ વગેરે. આવા નાટકો-ફિલ્મો નહિ હસનારને પણ હસતાં કરી દેશે.

તમે વિચારજો રોજિંદા જીવનમાં પણ હાલતા ચાલતાં પણ હસવું આવી જાય તેવી ક્રિયાઓ થતી હોય છે. નાના નાના બાળકોની કાલીઘેલી ભાષામાં પણ હાસ્ય છુપાયેલું છે. હાસ્યની બે બાજુ છે. એક તો હસવું આવે તેવું બોલવું કે લખેલું કે એવી કોઈ ક્રિયા કરવી કે સમજી શકવાની ક્ષમતા ધરાવતો હોય અને બીજું કે હસવું આવે તેવું બોલવું. હાસ્યવૃત્તિ ધરાવતા માણસો જગત સાથે સરસ રીતે આસાનીથી સાનુકૂળતા સાધી શકે છે.

તેમનામાં કેટલેક અંશે વધારે બુદ્ધિમત્તા ખીલે છે. અમાવાસ્યાના અંધકારમાં પ્રકાશનું એક નાનકડું કિરણ પણ મહત્વનું છે. તેમ આપણા જીવનમાં પણ હાસ્ય એટલું જ મહત્વનું છે. હાસ્યનો દીવો શાણો ના થાય તેની કાળજી પણ આપણે જ રાખવાની છે.

તો જ દરેક ક્ષણ જિંદગીના સાચા સુખોથી, આનંદથી, હાસ્યથી ઝળહળતી બની રહેશે. આનંદ ફિલ્મનું એક સુંદર ગીત છે લે ‘જીંદગી કૈસી હૈ પહેલી હાય કભી તો હસાયે કભી તો રુલાયે.’ તેવી જ રીતે કવિ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે ‘સુખદુઃખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઇના નવ ટળે, જદુનાથનાં જડિયાં.’ મતલબ સુખ અને દુઃખ એ તો સિક્કાની બે બાજુ છે અને આ ઘટમાળ તો જીવીશું ત્યાં સુધી ચાલ્યા કરશે.

પછી શા માટે સમજીને હસતાં હસતાં જીવન ના જીવીએ ! વ્યવસ્થા એ તો ઘરની શોભા છે. તેવી જ રીતે હાસ્ય એ સુખી જીવનની ચાવી છે. તે તો સાચું ઘરેણું છે. હાસ્યનો મહિમા તો અપરંપાર છે. સુખની ગુરુચાવી સર્વાંગી સ્વસ્થ જે ફક્ત ને ફક્ત હાસ્યમાંથી જ મળે છે.

જીવનમાં વિકાસ અને પ્રગતિ માટે એ એક પ્રેરણામૂર્તિ છે. અમૂલ્ય ખજાનો છે. હાસ્ય વિનાનું ઘર સ્મશાન જેવું લાગે છે. પાયા વિનાના ઇમારતનું ચણતર નકામું છે. તેમ હાસ્ય વિનાનું જીવન પણ ઉજ્જડ વેરાન અને નર્ક સમાજ છે. હાસ્ય વિનાનું ઘર પ્રતિમા વિનાના મંદિર સમાન છે. તેમાં કોઈ જ રોનક નહિ.

જે વ્યક્તિના જીવનમાં હાસ્ય નથી તેનું જીવન દરેક ક્ષેત્રે ચેતન વગરનું નિર્જીવ શરીરરૂપી પિંજરૂ છે. શરીર છે પણ તેમાં હાસ્યરૂપી ચેતના નથી. હાસ્ય તો આપણા જીવનનો જીવંત અરીસો છે. મન જ્યારે નબળું પડે ત્યારે હાસ્ય એને બળ આપે છે. માનવીના અસહ્ય દુઃખોને હળવા બનાવવાની તાકાત હાસ્યમાં છે. જીવનમાં હાસ્યનું સ્થાન અનન્ય છે.

હાસ્ય રેખાઓ અવનવા હાવભાવ ધારણ કરીને આપણી લાગણીને વાચા આપે છે. જીવન જીવવાની ઉત્તમ કળા તો હસતાં હસતાં જીવી લેવાની છે. તેને બરબાદ કરી તેનું અપમાન ના કરો. પારસમણીના સ્પર્શથી લોખંડ પણ સોનું થઈ જાય છે.

 

તેમ જીવનમાં પણ હાસ્ય એક અનોખી અને સોના જેવી અમૂલ્ય ભેટ લાવે છે. જે માનવીના જીવનમાં હાસ્ય નથી તે જીવન જીવવા છતાં પણ મરેલા જેવો છે. તમારા ચહેરા પર હાસ્યની લાલીમા ફેલાવશો તો તમારે ક્યારેય બ્યૂટીપાર્લરમાં ફેસિયલ કરાવવાની જરૂરિયાત નહિ રહે. આપણી પાસે જે કાંઈ છે તેને અપનાવીને સંતોષ માનીને હસતાં હસતાં સુખમાં દિવસો પસાર કરવા જોઈએ. હસવા માટે કોઈ કારણની જરૂર નથી પડતી.

તમે હસતાં રહેશો તો દુશ્મન પણ તમારી સમીપ આવતા રહેશે. ત્યારે તમને હાસ્યનું મૂલ્ય સમજાશે. જિંદગીને હાસ્ય રસિક બનાવો, હાસ્યાસ્પદ નહિ. નાના બાળકને કહેવું પડતું નથી કે તું હસ પરંતુ વડીલોને કહેવું પડે છે કે તમે હસવાનું રાખો. હસવાના પૈસા લાગતા નથી. શા માટે તમે હસતા નહિ રહીને તમારી કિંમતી જિંદગીને રૂંધી નાખો છો ? હાસ્ય તો ખુશીઓનું સંગીત છે.

કુદરતની આપેલી અકલ્પનીય સુંદર મોંઘી ભેટ છે. આપણે શા માટે પોતાને દુઃખી સમજીને હાસ્યનું ખૂન કરીએ છીએ ? જે હંમેશા સ્મિત આપી શકે છે તે કદાપિ ગરીબ હોતો નથી. જીવન આઈસ્ક્રીમ જેવું છે, પીગળી જાય તે પહેલા પૂરેપૂરો આનંદ માણી લો. બીજાના દુઃખને અડધું કરી નાખવાની તાકાત આપણા સ્મિતમાં સમાયેલી છે.

માણસ સુખી થવા મોબાઈલ, ગાડી, મકાન બદલે છતાં દુઃખી માણસ તેનો સ્વભાવ બદલતો નથી. જીવન એક તો વહેતા પ્રવાહ જેવું છે. દરેક દિવસ એક ખાસ હોય છે.

પ્રત્યેક ક્ષણ રચનાત્મકતાની ક્ષણ છે. તેને વ્યર્થ ના જવા દો. આપણે મુશ્કુરાહટના વસ્ત્રો જરૂર પહેરવા જોઈએ. હાસ્ય એટલે જિંદગીને હસતાં હસતાં સહજતાથી જીવી લેવાની ચાવી. અરે એક વખત મોત આવે તોય હસતાં હસતાં મરવાની તૈયારી રાખવી. હાસ્ય આપણને એ ખુમારીથી જીવવાનું શીખવાડે છે.

આથી જ સૌને પ્યારથી કહું છું કે જો તમે હસવાનું ભૂલી ગયા હોય તો ફરીથી ખિલખિલાટ હસવાનું શરૂ કરી દેજો. તેનાથી ફાયદો તમને જ છે. તમારી જીવનદોરી થોડી વધારે લંબાઈ જશે અને તમે સુખ-ચેનથી રહી શકશો. બીજા પણ તમારું અનુકરણ કરીને તે પણ શાંતિથી જીવતા શીખી જશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments