Friday, June 9, 2023
Home Gujarat જાણો ! 17 મી મે પછી શું? લોકડાઉનમાંથી બહાર નીકળવા સરકાર બનાવી...

જાણો ! 17 મી મે પછી શું? લોકડાઉનમાંથી બહાર નીકળવા સરકાર બનાવી રહી છે મોટો પ્લાન..

1/7લોકડાઉનને દોઢ મહિનાથી વધુ સમય થયો…

દીપશિખા સિકરવાર, નવી દિલ્હી: લોકડાઉનને 45 દિવસથી વધારેનો સમય વિતિ ચૂક્યો છે. 17મી મેના રોજ ત્રીજા તબક્કાનું લોકડાઉન પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. હવે લોકડાઉન લંબાવવાથી મોટી આર્થિક સમસ્યા સર્જાવાનો ડર છે ત્યારે કેન્દ્ર સરકાર અર્થતંત્રને બને તેટલું ઝડપથી ધમધમતું કરવા એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે.

2/7સ્થાનિક તંત્રને સ્પષ્ટ સૂચના આપવા પ્રયાસ..

દેશમાં લોકડાઉન ખતમ કરવા માટે તેમજ કોરોનાનો પ્રસાર અટકાવવા જે પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાની જરુર છે તેમની વિસ્તૃત યાદી (નેગેટિવ એક્ટિવિટી લિસ્ટ) બનાવાઈ શકે છે. હાલ કેન્દ્ર સરકાર ઘણી આર્થિક પ્રવૃત્તિ માટે મંજૂરી આપી રહી છે, પરંતુ અમુક મૂંઝવણોને કારણે જિલ્લા તંત્ર તેમને અટકાવી રહ્યું છે. આવું કંઈ ના થાય તે માટે પણ એક નિશ્ચિત વ્યવસ્થા ગોઠવવા માટે આ નીતિ બનાવાઈ રહી છે.

3/7શું બંધ રહી શકે?

સમગ્ર વિચાર લાંબા લોકડાઉન બાદ યોગ્ય સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે જેટલી બની શકે તેટલી આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી કરવાનો છે. નેગેટિવ લિસ્ટમાં જ્યાં લોકો મોટી સંખ્યામાં એકઠા થતાં હોય તેવી પ્રવૃત્તિ, સાપ્તાહિક બજારો ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓનો થોડા સમય માટે સમાવેશ કરી શકાય છે.

4/7આટલી સાવધાની રાખી શકાય

દેશમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન 17મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. જોકે, તેના બે દિવસ પહેલા જ આ અંગેનો આખરી નિર્ણય જાહેર થાય તેવી શક્યતા છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ, વચ્ચેની સીટ ખાલી રાખી વિમાનોના ઉડ્ડયનને મંજૂરી, કામકાજના સ્થળે 10થી વધુ લોકો એકઠા ના થાય તેમજ બે શિફ્ટ વચ્ચે 40 મિનિટનું અંતર રહે અને નિયમિત સેનિટાઈઝેશન થતું રહે તેવા નિયમો બનાવાઈ શકે છે.

5/7ઈન્સ્પેક્ટર રાજનો ભય

20 એપ્રિલ અને 4 મેના રોજ સરકારે ઘણી આર્થિક પ્રવૃત્તિઓને શરુ કરવા મંજૂરી આપી દીધી હતી. પરંતુ ગાઈડલાઈનમાં સ્પષ્ટતાના અભાવે જે છૂટછાટ અપાઈ તેનો જોઈએ તેવો અમલ થઈ શક્યો નહોતો. કેન્દ્ર સરકારના કેટલાક નીતિકારો એ વાતને લઈને ચિંતામાં છે કે સ્પષ્ટ નીતિના અભાવે સ્થાનિક તંત્રને વધારે પડતી સત્તા મળી જાય છે. જેના કારણે ઈન્સ્પેક્ટર રાજ શરુ થવા જેવી સ્થિતિમાં ચીનમાંથી જે કંપનીઓ બહાર નીકળવા વિચારી રહી છે તેમને ભારત લાવવામાં મુશ્કેલી પડી શકે છે.

6/7પાંચ-છ બાબતો નેગેટિવ લિસ્ટમાં સમાવાશે

કેન્દ્ર સરકાર જે નેગેટિવ લિસ્ટ બનાવવા વિચારી રહી છે તેમાં કઈ આર્થિક પ્રવૃત્તિ શરુ કરી શકાશે અને શેના પર નિયંત્રણો રહેશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે. આ બાબતો સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પાંચ-છ વસ્તુઓને નેગેટિવ લિસ્ટમાં રાખી બાકીની બધી આર્થિક પ્રવૃત્તિ શરુ કરવાની તાતી જરુર છે. સપ્લાય ચેન ફરી ધમધમતી થવી જ જોઈએ.

7/7અર્થતંત્ર હાલ ડામાડોળ

ઉલ્લેખનીય છે કે, આર્થિક પ્રવૃત્તિઓ બંધ થતાં સરકારની આવકમાં પણ અકલ્પનિય ગાબડું પડ્યું છે. બીજી તરફ, કોરોના સામે લડવામાં મોટો ખર્ચ પણ થઈ રહ્યો છે. પ્રાઈવેટ સેક્ટર્સની હાલત પણ માંદી છે. મોટાભાગની કંપનીઓ અને નાનામોટા ઉદ્યોગકારોએ કર્મચારીઓના પગારમાં કાપ મૂકી દીધો છે, અને ઘણા તો પગાર કરવાની સ્થિતિમાં જ નથી રહ્યા. કામધંધા બંધ થતાં લાખોની સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો તેમના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે આ બધું અટકાવવા અને સ્થિતિને પાટે ચઢાવવાનો સરકાર સામે પણ મોટો પડકાર છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments