આપણાં જૂનાગઢની આગવી ઓળખ કહી શકાય, તેવો મહાશિવરાત્રીનો મેળો ગઈકાલે તા.21મી ફેબ્રુઆરીના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો. નાગા સાધુઓની રવેડી અને શાહી સ્નાન સાથે પાંચ દિવસીય આ મહાશિવરાત્રી મેળાનું સમાપન થતાં..
માનવ મહેરામણથી છલોછલ ભરાયેલો ભવનાથ વિસ્તાર ખાલીખમ થયો છે. મેળો પૂર્ણ થતાં જ દૂર-દૂરથી આવેલા ભાવિકોએ ધન્યતા અનુભવીને વતન તરફ દોટ મૂકી હતી.
17મી ફેબ્રુઆરીના રોજ ભવનાથ મંદિરે ધ્વજારોહણ થયાં બાદ શિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો હતો. પાંચ દિવસ માટે યોજાયેલા આ સાધુઓના મેળામાં અનેક સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો, દિગંબરો હાજર રહ્યાં હતાં. જેના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
મેળાના પ્રારંભના બે દિવસ ભાવિકોની પાંખી હાજરી બાદ ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. તળેટી તથા તળેટી માર્ગ પર નજર કરતાં સર્વત્ર ભાવિકોની ભીડ જોવા મળી હતી.
ટ્રાફિક વધતા પોલીસ તંત્રને વારંવાર પ્રવેશબંધી કરવાની ફરજ પડી હતી.
મેળાના અંતિમ દિવસે 6 લાખ લોકો ઉમટી પડતાં રસ્તા પર જાણે માનવ મહાસાગર ઘૂઘવાટા લેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ગિરનાર દરવાજાથી લઈને ભવનાથ વિસ્તાર સુધી માનવોનું કીડીયારું ઉભરાયું હતું,
જેથી પાંચ કી.મી. પગપાળા આવીને પણ લોકોએ મેળાની મજા માણી હતી.ભવનાથમાં ઉમટી પડેલાં લાખો લોકોએ ત્યાં ધમધમતા 100થી વધુ અન્નક્ષેત્રોમાં ફળાહાર ગ્રહણ કર્યું હતું.
તેમજ બપોરના સમયથીજ લોકો રવાડીના રુટ પર પોતપોતાની જગ્યાઓ લઈને રવાડીના દર્શનાર્થે ગોઠવાઈ ગયાં હતાં.
રવેડી માર્ગને સાંજ પહેલાં પાણીમારો કરીને ચોખ્ખાં કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વાહનો પર રોક લગાવી દેવામાં આવ્યો હતો અને માત્ર પગપાળા આવતા યાત્રિકોને જ પ્રવેશ આપવામાં આવતો હતો.
આ વર્ષના શિવરાત્રીનાં મેળામાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સૈાથી ઓછા સમયમાં ગીરનારનાં પગથીયાને સર કરનાર સાગર કટારીયાએ શિવરાત્રી પર્વે સેવાની અનેરી પહેલ કરી હતી. સાગર કટારીયાએ 800 કીલો ગુલાબની પાંખડીઓ સમગ્ર શાહી રવાડીનાં માર્ગ પર બીછાવીને સંતોને પોતાની સેવા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
રવાડીની વાત કરીએ તો, જુના અખાડાના ઇષ્ટદેવ દત્તાત્રેય ભગવાન, આહ્વાન અખાડાના ગણપતિ મહારાજ અને અગ્નિ અખાડાના વેદમાતા ગાયત્રીની પાલખી સાથે રવાડી યોજાઈ હતી. રવેડીમાં આ વર્ષે કિન્નર અખાડો પણ જોડાયો હતો, જે ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
શિવરાત્રીના મેળામાં રાત્રે પ્રથમ વખત કિન્નર અખાડાએ ભવનાથ મહાદેવની પૂજા કરી હતી, તેમજ પ્રથમવાર મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું. નિયત રુટ પરથી પસાર થયેલી રવાડીમાં અનેક દિગંબરો અને સંન્યાસીઓએ અંગ કરતબ તથા લાઠીદાવ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
રવાડી ભવનાથ મંદિરે પહોંચતા સાધુઓએ શાહી સ્નાન કરી ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. જે સાથેજ જૂનાગઢ મહાશિવરાત્રી મેળાનું શાંતિપૂર્ણ માહોલમાં સમાપન થયું હતું.