ભાવનગર શહેરથી ૨૬ કિમી દુર ભંડારિયાની ગિરિમાળામાં પ્રાકૃતિક સૌદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. ચારે તરફ લીલી ચાદર પથરાયેલી જોવા મળે છે, આ પ્રાકૃતિક સૌદર્યની વચ્ચે માળનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે મંદિરે પહોચતા પહેલા લોકોને રમણીય અને લીલી ચાદર ઓઢેલા પહાડો પરના રસ્તા પરથી પસાર થવું પડે છે,

આ મંદિરે પહોચતા પહેલા પહાડો અને રસ્તા પર પૌરાણિક વાવ –પ્રાચીન પશુઓના અવેડા તેમજ ગિરિમાળા પર વીજળી ઉત્પાદન કરતી પવનચક્કીઓ નજરે પડે છે.આ ભંડારિયાની ગિરિમાળા પર ૨૦ જેટલી મહાકાય પવનચક્કીઓ આવેલી છે,
જે નજારો પણ સાથે સાથે રમણીય બને છે.માળનાથ મહાદેવનું મંદિર એ ટેકરી પર સ્થિત છે એટલેકે ફરતે મોટા પહાડો અને વચ્ચે નાની ટેકરી પર બિરાજતા માળનાથ મહાદેવનો નજરો આલ્હાદક છે.

આ માળનાથ મંદિરની સ્થાપના આજથી ૬૫૦ વર્ષ પૂર્વે કરવામાં આવી હતી .ઈ.સ.૧૩૫૪ માં એક વણિક પરિવારે આ મહાદેવની સ્થાપના કરી હતી અને તેની લોકવાયકા અને ઇતિહાસ પણ એટલો રમણીય છે.

માળનાથ મહાદેવનો ઈતિહાસ જોઈએ તો પ્રાચીન સમય માં ઘોઘા નજીકના પીરમબેટ ટાપુ પર રહેતા એક વણિક શેઠ જે ખુબજ ધાર્મિક હતા. તેઓને ગૌમાતા પ્રત્યે ખુબ જ આસ્થા ધરાવતા હતા અને તેઓ પોતાની પાસે ખાસ ઉચ્ચ પ્રકારની ગૌમાતાઓ રાખતા હતા.

અને આ ગાયોનું દૂધ,ઘી બ્રાહ્મણને આપતા હતા.આ બધી ગાયોમાં એક વિશેષ ગાય હતી.તે ગાયનું નામ સુરભી હતું.
આ સુરભી નામની ગાય સમુદ્રમાં તરીને ભંડારિયાના ડુંગરોમાં ચરવા માટે જતી હતી.આ ગાય રોજ ઘેર આવીને દૂધ આપતી નહિ .જેથી આ વણિક શેઠ તેના ગોવાળને ખીજાતા અને કહેતા કે તું ગાયને દોહી લે છે જેથી ગાય અહી દૂધ આપતી નથી.

જયારે આ બાબતનો ઠપકો આપતા ગોવાળે કહ્યું કે હું ગાયને દોહી નથી લેતો પરંતુ હું તેની તપાસ કરી અને આપને જણાવીશ.જેથી આ ગોવાળ અન્ય ગાયોને મૂકીને આ સુરભી ગાયની પાછળ તપાસમાં નીકળ્યો અને એક દિવસ ગોવાળ પોતે ગાયનું પૂછડું પકડીને દરિયામાં તરીને ગાયની પાછળ ગયો અને જોયું તો આ ગાય ભંડારિયાના ડુંગરોમાં આવેલા એક માટીના રાફડા પર પોતાના દૂધની ધારાથી અભિષેક કરતી જોવા મળી જેથી ગોવાળે પરત ફરીને આ સમગ્ર બાબતની જાણ વણિક શેઠને કરી.

ગોવાળની વાત પરથી વણિકશેઠ ચોકી ઉઠ્યા હતા અને આ ગાય રાફડા પર અભિષેકની વાત તેના પરિવારને કરીને આખો પરિવાર આ ગાયની પાછળ નીકળ્યો હતો અને જ્યાં આ ગાય અભિષેક કરતી હતી તે રાફડાને ડાંગથી ગોવાળને ખોદવા જણાવ્યું હતું.
જુઓ વિડીયો:
જેથી આ રાફડા માંથી. શિવ બાણ એટલેકે શિવલિંગને પૂજામાં મળેલા જોઈને આ નગરશેઠે ત્યાં જ તેમની સ્થાપના કરી હતી.જે માળનાથ મહાદેવ તરીકે જાણીતું બન્યું છે.માળનાથ મહાદેવ ની સ્થાપના બાદ ઈ.સ ૧૯૪૩ ના આસો સુદ-૧૦ એટલેકે વિજ્યદસમીના દિવસે ૧૬ સપ્ટેમબરના રોજ ભાવનગરના મહારાજા નામદાર તખ્તસિંહજીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
આ માળનાથના દર્શન કરવાથી શિવભકતો કેદારનાથમાં હોય તેવી લોકો અનુભૂતિ કરે છે અને ધન્યતા અનુભવે છે .