વિશ્વના કોઇપણ દંપતિ પોતાનું બાળક ઇચ્છે અને તે બાળક માટે મોટા ખ્વાબ જોતું હોય છે. કૃષ્ણ રામ બની મહાનુભાવોના નકસી કદમ પર ચાલી કુળ અને પરિવારનું નામ ઉજાગર કરે તેવી મહેચ્છાઓ ધરાવતા હોય છે. ગુજરાતમાં એક કહેવત છે કે “જે ગળથૂથી પાય બાળક તેના જેવો થાય”
મહુવાની ભિમરાવ સોસાયટીમાં રહેતા અને સેન્ટીંગ વ્યવસાય સાથે સંકળાયેલ નરેશભાઇ ભરતભાઇ બારૈયાના પત્ની કિરણબેનની એક તમન્ના હતી, કે તેનો બાળક જન્મે ત્યારે, પ્રથમ મહુવા પી.આઇ. દિપક મિશ્રા તેને ગળથૂથી પાય,
પરિવારના પુત્રવધુની ઇચ્છાને પૂર્ણ કરવા આજથી સાત દિવસ પૂર્વે પરિવાર પી.આઇ.ના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તેઓના માતાને મળી મહેચ્છા વ્યક્ત કરી હતી. પી.આઇ.ના સ્વભાવ અને કામથી વાકેફ દંપતિએ અધિકારીનો નંબર મેળવ્યો હતો.
અને તુટક તુટક વાત સાથે ઇચ્છા જતાવી હતી. તે દરમિયાન ગઇકાલે રાત્રિના મહુવાના વડલી ખાતે આવેલ સદભાવના હોસ્પિટલમાં કિરણબેને બાળકને જન્મ આપ્યો હતો..
જેની જાણ કરાતા પી.આઇ. હોસ્પિટલ પહોંચ્યા હતા અને માતાની ઇચ્છા પૂર્ણ કરવા પુત્રને ગળથૂથી પાઇ હતી.
ઉક્ત બનાવ સંદર્ભે બાળકના પિતા નરેશભાઇએ જણાવ્યું હતું કે, તેમના પત્ની કિરણબેન અને માતાએ પી.આઈ.થી પ્રભાવિત થઇ ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેનો પુત્ર પણ મોટો થઇ એક પોલીસ ઓફિસર બને અને નામના કમાય તેવી ખ્વાઇસ લઇ પી. આઇ. પોતે તેના પુત્રને ગળથૂથી પાય તેવી ઇચ્છા હતી.