નવલા નોરતા શરૂ થઇ ચુક્યા છે. (Sharad Navratri Day 3) શક્તિની આરાધનાના આ પર્વમાં આજે ત્રીજી શક્તિમાં ચંદ્રઘંટા (Chandraghanta Devi)નુ પૂજન કરવામાં આવે છે. અસુરોના વિનાશ માટે માતા દુર્ગાથી દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયા. દેવી ચંદ્રઘંટાને ભયંકર દૈત્ય સેનાનો સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો. ચંદ્રઘંટા માતા દુર્ગાનું જ શક્તિરૂપ છે.
દેવી ભાગવત પુરાણ અનુસાર આ દિવસે આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. દેવી ચંદ્રઘંટાના મસ્તક પર રત્નજડિત મુકુટ છે જેના પર અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટી લટકે છે. પોતાના આ અદભૂત મુકુટના કારણે દેવી પોતે ચંદ્રઘંટાના નામે ઓળખાય છે.
માતા ચંદ્રઘંટાની પૂજા કરતી વખતે દુર્ગા સપ્તશતીના પાઠના પાંચમા અધ્યાયનું જરૂર પઠન કરવું જોઈએ અને માતાને દૂધનો ભોગ અર્પણ કરવો જોઈએ. ચંદ્રઘંટા માતા સંપૂર્ણ જગની પીડાનો નાશ કરે છે. દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને વાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ ત્રીજા દિવસની પૂજાને અત્યધિક મહત્વપૂર્ણ માનવામાં આવી છે.
માતાનું ક્રાંતિવાન સ્વરૂપ..
માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ ખુબ જ સુંદર છે દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ક્રાંતિવાન છે. દિવ્ય રૂપધારી માતા ચંદ્રઘંટાની દસ ભૂજાઓ છે અને આ હાથોમાં ઢાલ, તલવાર, ખડગ, ત્રિશુળ, ધનુષ, ચક્ર, પાશ, ગદા અને બાણ ભરેલું તરકશ છે. માતા ચંદ્રઘંટાનું મુખમંડળ શાંત, સાત્વિક, સૌમ્ય પરંતુ સૂર્યના તેજવાળું છે. તેમના મસ્તક પર ઘંટ આકારનો અડધો ચંદ્રમાં સુશોભિત છે. માતાની ઘંટીની જેમ પ્રચંડ ધ્વનિથી અસુરો હંમેશા ભયભીત રહે છે.
માતા ચંદ્રઘંટાનો બીજ મંત્ર.. ‘ऐं श्रीं शक्तयै नम:’
માતા ચંદ્રઘંટાનું સ્મરણ કરતા સાધકો પોતાનુ મન મણિપુર ચક્રમાં સ્થિર કરે છે. ચંદ્રઘંટા શક્તિની પૂજા અને સાધનાથી મણિપુર ચંદ્ર જાગૃત થાય છે. તેમની પૂજા કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌભાગ્ય તથા વિનમ્રતાનો વિકાસ થાય છે. તેમની પૂજાથી મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ વધવા લાગે છે. સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે.