માઁ એટલે મમતાનું પ્રતિક, પોતાના બાળ માટે માતા ગમે તે કરી શકે છે.જગદંબા માઁ દુર્ગાનું સાતમું ચરિત્ર કાલરાત્રિ સ્વરૂપ છે.દૈત્યોનો નાશ કરનાર કાલરાત્રિ માતાજી ભક્તોનું સદાય શુભ કરનાર હોવાથી તેઓ શુભંકરીદેવી તરીકે પણ પૂજાય છે.દેવી કાલરાત્રિ સર્વ બાધા, અશુભ તત્વોથી ભક્તની રક્ષા કરી અભય આપનાર છે.
શુંભ અને નિશુંભ નામના દૈત્યનો વધ કરવા માટે માતા પાર્વતીજીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું.ઉગ્ર સ્વરૂપ,કૃષ્ણ વર્ણ,ચાર ભુજાવાળા માતાજી અભય અને વરદમુદ્રા ધારણ કરેલા છે.તેમના અન્ય બે હાથમાં ખડગ અને તીક્ષ્ણ લોહ અસ્ત્ર ધારણ કરેલા છે.ત્રણ નેત્રવાળા માતાજીના ગળામાં ચળકતી માળા શોભે છે.
માતા કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે માતાજીનું સ્મરણ કરવાથી જ ભયભીત થઈ જાય છે. ગ્રહબાધાઓને પણ દૂર કરનારી છે. ઉપાસકોને અગ્નિ-ભય, જળ-ભય, જંતુ-ભય, રાત્રિ-ભય વગેરે ક્યારેય નથી હોતા. માતાજીની કૃપાથી તે હંમેશા ભયમુક્ત થઈ જાય છે.
કામિસ્વરૂપિણી ત્વંહિ, શત્રુસંધ વિદારિણીમ્, ધમૉર્થ કામદાયિનીમ્, કાલરાત્રિં પ્રણમામ્યહમ્
ઓમ્ કર્લીં કાલરાત્રિં ક્ષૌં ક્ષૌં મમ સુખ-શાંતિ દેહિ દેહિ સ્વાહા ઉપરોક્ત શ્લોક અને મંત્ર વડે માતાજીને નમસ્કાર કરી જાપ કરવાથી ભક્તનું શુભ થાય છે.દૈત્યોનો વિનાશ કરનારી માતા કાલરાત્રિ ભદ્રકાલી, કાલિકા,ચંડી વગેરે નામથી પણ ઓળખાય છે.જીવનમાં લાભ અને શુભની પ્રાપ્તિ માટે સાધકે માતાજીની શુદ્ધભાવે આરાધના કરવી જોઈએ.