આજે નવરાત્રિ (Shardiya Navratri)નો ચોથો દિવસ છે. આ દિવસે મા દુર્ગાના ચતુર્થ સ્વરૂપ દેવી કુષ્માંડાની (maa kushmanda) પૂજા અર્ચના કરવામાં આવે છે. દેવીભાગવત પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે,
સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે જ્યારે ચારેકોર અંધકાર જ અંધકાર હતો અને સૃષ્ટિ સંપૂર્ણ શૂન્ય હતી, ત્યારે આદ્યશક્તિ માતા દુર્ગાએ ઉદર સ્વરૂપમાં બ્રહ્માંડની રચના કરી હતી. આ કારણે માતાજીનું ચોથું સ્વરૂપ કુષ્માંડા કહેવાયું.
આ સ્વરૂપ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાને કારણે આદ્યશક્તિ નામથી પણ ઓળખાય છે. શક્તિનું આ ચોથું સ્વરૂપ છે, જેને સૂર્ય જેટલું અદભૂત માનવામાં આવે છે. દેવી કુષ્માંડા અને તેના આઠ શસ્ત્ર આપણને કર્મયોગી જીવન અપનાવીને તેજોમય જીવન જીવવાની પ્રેરણા આપે છે,
માતાનું મધુર સ્મિત આપણને જીવનના કઠોર સમયમાં ધૈર્ય ધરીને જીવવાની પ્રેરણા આપે છે. દેવી કુષ્માંડાના સ્વરૂપનું વર્ણન કરતી વખતે પુરાણમાં કહેવાયું છે કે, તેમને આઠ ભુજા છે અને તે સિંહ પર સવાર છે.
માતા કુષ્માંડાના સાત હાથમાં ચક્ર, ગદા, ધનુષ, કમંડળ, અમૃતથી ભરેલો કળશ, બાણ અને કમળનું ફૂલ છે તથા આઠમા હાથમાં માતાજીની જપમાળા છે, જે તમામ પ્રકારની સિદ્ધિઓથી યુક્ત છે. આઠમા હસ્તમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓ આપનાર જપમાળા છે.
એક પૌરાણિક કથા અનુસાર, એવું કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું, ત્યારે આ દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી. આ દેવી છે સૃષ્ટીના આદી સ્વરૂપા. તેમનો નિવાસ સૂર્યમંડળની ભીતરના લોકમાં રહે છે.
આ જગ્યાએ દેવી માતા પાસે જ ત્યાં રહેવાની ક્ષમતા અને શક્તિ છે.માતાના શરીરની કાંતિ અને પ્રભા સૂર્યની જેમ તેજસ્વી છે. માતા કુષ્માંડાની પૂજા કરવાથી ભક્તોના તમામ રોગો અને શોક દૂર થાય છે. તેમની ભક્તિ આયુ, ખ્યાતિ, શક્તિ અને આરોગ્યમાં વધારો કરે છે.
મા કુષ્માંડા ખૂબ ઓછી સેવા અને ભક્તિથી આનંદિત થઈ જાય છે. ભક્તોના તમામ દુ:ખ દર્દ દૂર કરે છે.