ભવ્યાતિભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ગત 15 જાન્યુઆરીએ પૂર્ણાહુતિ થઈ ગઈ છે. 1 મહિના સુધી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરાઈ હતી. આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 60 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ પ્રમુખસ્વામી નગરની મુલાકાત લીધી હતી. ગત 15મી જાન્યુઆરીએ મહંત સ્વામીની હાજરીમાં પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવ પૂર્ણ થયા બાદ પણ હજારો સેવકો પ્રમુખસ્વામી નગરમાં સેવા આવી રહ્યા છે. અહીં માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલા સ્વયંસેવકો કામ કરી રહ્યા છે.

હજારોની સંખ્યામાં મહિલા સ્વયંસેવકો આપી રહી છે સેવા
મહોત્સવ બાદ પણ પ્રમુખસ્વામી નગરમાં સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. પ્રમુખસ્વામી નગરમાં હજારોની સંખ્યામાં મહિલા સ્વયંસેવકો સેવા આપી રહી છે. મહિલાઓ દ્વારા બ્લોક ઉખાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 2 દિવસમાં સવા કરોડ જેટલા બ્લોક હટાવી લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ અમદાવાદના એસ.પી રિંગ રોડ પર પ્રમુખસ્વામી નગર બનાવવામાં 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

80 હજારથી વધુ સ્વયંસેવકોએ આપી સેવા
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 80 હજારથી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી. મહત્વનું છે કે, આ સ્વયંસેવકો પોતાના નોકરી-ધંધા, રોજગાર છોડી ખડેપગે રહી ભક્તોની સેવામાં રહ્યા હતા. આ સાથે દેશ વિદેશના સ્વયંસેવકોએ પણ સેવા આપી હતી. તો બીજી તરફ આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં અનેક લોકોએ દીક્ષા પણ લીધી હતી.
600 એકર જમીન પર બનાવાયું હતું પ્રમુખસ્વામી નગર
અમદાવાદના ઓગણજ પાસે 600 એકર જમીન પર આ પ્રમુખસ્વામી નગર બનાવાયું હતું. જેમાં તા. 380 ફૂટ લાંબા અને 52 ફૂટ ઉંચા નગરના 7 કલાત્મક સંસ્કૃતિક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યાં હતા. આ સાથે આદિ મહાન સંતો-વિભૂતિઓની પૂર્ણ કદની 28 પ્રતિમાઓ મુકવામાં આવી હતી. પ્રમુખસ્વામી નગરમાં 17 એકરમાં ભવ્ય બાળ નગરી, 30 એકરમાં ગ્લો ગાર્ડન બનાવાયું હતું. આ સાથે 25 હજાર વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો ભવ્યાતિભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.