ટ્રાફિકના નવા નિયમનું અમલીકરણ કરવામાં આવ્યું હતું અને 1 નવેમ્બરથી આ નિયમનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસેથી હજારો રૂપિયાના દંડની વસુલાત કરે છે.
ઘણા વાહન ચાલકોને અત્યારસુધીમાં મોટા મોટા દંડ થઇ ચૂક્યા છે, ત્યારે રાજકોટમાં રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પ્રફુલભાઈ નામના રીક્ષા ચાલકને ટ્રાફિક પોલીસ દ્બારા અલગ-અગલ ગુનાઓ બાબતે 14,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વાહન ચાલકની પાસે દંડની રકમ ન હોવાના કારણે પોલીસ દ્વારા તેની રીક્ષા જમા કરવામાં આવી હતી.
આ ઘટના 21 સપ્ટેમ્બરના રોજ બની હતી. 21 સપ્ટેમ્બર પછી આ વાહન ચાલક બેરોજગાર હતો. રીક્ષા ચાલકની આ પ્રકારની દયનીય સ્થિતિ જોઈને રાજકોટના અશ્વિન સોલંકી નામના યુવકે તેના જન્મદિવસ નિમિત્તે પ્રફુલભાઈની રીક્ષા છોડાવી આપી હતી. એક રિપોર્ટ અનુસાર, 13 નવેમ્બરના રોજ રાજકોટના અશ્વિન સોલંકીનો જન્મદિન હતો.
પોતાના જન્મ દિવસે અશ્વિનને કોઈ ઉમદા કામ કરવાનો વિચાર આવ્યો દરમિયાન તેને રીક્ષા ચાલક પ્રફુલભાઈની હાલત વિષે ખબર પડતા અશ્વિન સોલંકીએ રીક્ષા ચાલક પ્રફુલભાઈનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેમની સાથે RTOમાં જઈને 12 હજાર રૂપિયાનો દંડ અને 7 હજાર રૂપિયાનો રીક્ષાનો ફૂલ વિમો ભરી આપ્યો હતો અને ત્યારબાદ પોલીસ હેડ ક્વાર્ટરમાંથી રીક્ષા પરત લાવીને રીક્ષાની ચાવી પ્રફુલભાઈને પરત આપી હતી.
પોતાની રોજગારીનું સાધન પરત મળતા પ્રફુલભાઈ ખૂબ ખુશ થયા હતા. આ બાબતે અશ્વિનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અત્યારસુધી તેણે પરિવારની સાથે અને મિત્રોની સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી, પરંતુ તેણે પહેલી વખત આ રીતે અલગ પ્રકારે જન્મદિનની ઉજવણી કરી છે. આ જન્મદિનની ઉજવણી વર્ષો સુધી તેને યાદ રહેશે.
Source_DailyNEws